કડી: આઝાદી કા અમૃત મહોત્સવના (AzadiKaAmritMahotsav) ભાગરૂપે આજે શનિવારે કડીમાં ભાજપની તિરંગા યાત્રા (TirangaYatra) નીકળી હતી. આ યાત્રામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (NitinPatel) પણ જોડાયા હતા. કડીના કરણપુર શાકમાર્કેટ પાસે રેલી પહોંચી ત્યારે એકાએક એક ગાય દોડી આવી હતી અને નીતિન પટેલને અડફેટે લીધા હતા. ગાયની ટક્કર લાગતા નીતિન પટેલ જમીન પર પડી ગયા હતા અને તેમને ઢીંચણના ભાગે ઈજા થઈ હતી. તેઓ ઉભા પણ રહી શકતા નહોતા. ભાજપના કાર્યકરોના સહારે તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે દેશભરમાં તા. 13થી 15 ઓગસ્ટના ત્રણ દિવસ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી શરૂ કરાઈ છે, તેના ભાગરૂપે ઠેરઠેર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. આવી જ એક તિરંગા યાત્રા આજે સવારે કડીમાં નીકળી હતી. આ યાત્રા કડીની કરણપુર શાકમાર્કેટ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ગાય દોડતી આવી હતી અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જોરદાર ટક્કર મારી હતી, જેના લીધે નીતિન પટેલને ડાબા પગમાં ઈજા પહોંચી હતી.
નીતિન પટેલને તાત્કાલિક કારમાં બેસાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નીતિન પટેલથી ચાલી શકાતું નહીં હોય બે કાર્યકરોના ખભાના સહારે તેઓ હોસ્પિટલના પગથિયા ચઢ્યા હતા, ત્યાર બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા વ્હીલચેર આપવામાં આવતા તેમાં બેસી તેઓને ડોક્ટર પાસે લઈ જવાયા હતા. આ ઘટનાને પગલે ભાજપના કાર્યકરોમાં અફરાતફરી મચી ગઈ હતી. કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ નીતિન પટેલ અમદાવાદ જવા રવાના થયા હોવાની માહિતી સાંપડી છે.
દરમિયાન ઘટના બાદ કડી ના લોકોમાં એવી ચર્ચા ઉઠી હતી કે શું હવે ગુજરાતની ભાજપ સરકાર રખડતા ઢોરોના આતંક સામે કાર્યવાહી કરશે. અત્યાર સુધી અનેકોવાર ફરિયાદ કરવા છતાં રખડતાં ઢોર પર કાબુ મેળવવાના સરકાર દ્વારા નક્કર પગલાં લેવાયા નથી. ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં રખડતાં ઢોરની સંખ્યા 2012માં 2.92 લાખ હતી અને 2019માં વધીને 3.43 લાખ થઇ ગઇ છે. આમ, 7 વર્ષમાં રખડતાં ઢોરની સંખ્યામાં 10%થી વધુનો વધારો નોંધાયો છે. આ માહિતી પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપવામાં આવી હતી.