જામનગર : કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો (Agneepath Yojana) દેશભરમાં વિરોધ (Protest) થઈ રહ્યો છે. બિહાર સહિત ઘણા રાજ્યોમાં યોજનાના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધની આગ હવે ગુજરાતમાં (Gujarat) પણ આવી પહોંચી છે. ત્યારે આ યોજનાનો વિરોધ જામનગરમાં (Jamnagar) પણ જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ (Students) અગ્નિપથ યોજનાના વિરોધમાં એકઠા થયા હતા. વિદ્યાર્થીઓ વહેલી સવારે એસપી કચેરી નજીક રજૂઆત કરવા માટે એકઠા થયા હતા. જેને લઈ બંદોબસ્ત માટે સમગ્ર પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.
અગ્નિપથ યોજનાના વિરોધમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એસપી કચેરી નજીક પહોંચી ગયા હતા. જ્યારે જામનગર એસ.પી પ્રેમસપખ ડેલુ સહિત એલ.સી.બી અને SOG સહિતનો પોલીસનો કાફલો વિદ્યાર્થીને સમજાવા માટે દોડી ગયો હતો. ત્યારે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થતા પોલીસે સમજાવવાનો પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ પોલીસે પાણીનો મારો ચલાવવા વોટર કેનન પણ મંગાવ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં જ અગ્નિપથ નામની સેનામાં ભરતીની યોજનાની જાહેરાત કરી હતી પરંતુ દેશભરના યુવાનો અગ્નિપથ યોજનાને લઈને રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. બિહારના જહાનાબાદમાં આજે ફરી પ્રદર્શનકારીઓના જૂથ દ્વારા બસો અને ટ્રકોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં આ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ઘણા જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે ઈન્ટરનેટ પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ કેન્દ્ર સરકારે અગ્નિવીરોના ભવિષ્યને લઈને ઘણી ખાતરીઓ આપી હતી. સરકારે કહ્યું હતું કે અગ્નિપથ યોજનામાં જોડાનાર 25 ટકા યુવાનો ચાર વર્ષ પછી સીધા જ સેનામાં જોડાશે, બાકીનાને અન્ય ભરતીમાં પ્રાથમિકતા મળશે. આસામ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા ભાજપ શાસિત રાજ્યોએ રાજ્ય પોલીસ ભરતીમાં અગ્નિશામકોને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી હતી.
સરકારે ઉમેદવારોની વય મર્યાદા વધારી
અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે ગતરોજ કેન્દ્ર સરકારે ઉમેદવારોની વય મર્યાદા 21 થી વધારીને 23 વર્ષ કરી દીધી છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ છૂટ આ વર્ષે સેનામાં ભરતી માટે જ આપવામાં આવી છે. જણાવી દઈએ કે અગ્નિપથ યોજના હેઠળ સરકારે સેનામાં ભરતી માટે સાડા 17 વર્ષથી 21 વર્ષની ઉંમર નક્કી કરી હતી.