Gujarat

રાજ્યમાં સૌથી ઠંડું આ શહેર, પારો 6 ડિગ્રી પહોંચ્યો

ગાંધીનગર : ઉત્તર – પૂર્વીય અને પૂર્વીય પવનની દિશાના કારણે ગુજરાતમાં ઠંડી વધી જવા પામી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સોમવારની રાત્રિએ ઠંડી વધી જવા પામી હતી. આજે દિવસ દરમિયાન કચ્છના નલિયામાં 6 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. આગામી 2થી 3 દિવસની અંદર ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં ઠંડીનો પારો 2 ડિગ્રી સુધી નીચે ગગડી ગયો છે. હજુયે ઠંડી વધવાની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. નલિયામાં તો હવે લોકોએ કાતિલ ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લીધો છે.

  • બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 14 ડિ.સે., ડીસામાં 10 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 12 ડિ.સે., વડોદરામાં 10 ડિ.સે., દાહોદમાં 9.5 ડિ.સે., સુરતમાં 14 ડિ.સે., ડાંગમાં 8.2 ડિ.સે., ભૂજમાં 11 ડિ.સે., નલિયામાં 6 ડિ.સે., કંડલા પોર્ટ પર 15 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 10 ડિ.સે., અમરેલીમાં 13 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે., રાજકોટમાં 11 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., મહુવામાં 13 ડિ.સે., અને કેશોદમાં 11 ડિ.સે., લઘુતમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.

વલસાડમાં તાપમાન 15 ડિગ્રી, અનુભૂતિ 11 ડિગ્રી જેવી
વલસાડમાં આ સપ્તાહની શરૂઆતથી ઠંડીનો ચમકારો વધી ગયો છે. સમગ્ર જિલ્લામાં ઠંડીના કારણે લોકોએ ફરીથી સ્વેટરની ધૂળ ખંખેરી છે. વલસાડમાં હાજા ગગડી જાય તેવી ઠંડી પડી રહી છે, પરંતુ તાપમાનનો પારો કેટલો છે, તે અંગે ભારે મૂઝવણ જોવા મળી રહી છે. કેટલીક એપ્લિકેશનમાં લઘુત્તમ 15 ડિગ્રી સેલ્સિયસ સાથે 11 ડિગ્રી સેલ્સિયસની અનુભૂતિ અને કેટલીક એપ્લિકેશનમાં 11 ડિગ્રી સેલ્સિયસ જ જોવા મળે છે. જેને લઇ લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ હોય એવું હાલ લાગી રહ્યું છે.

વલસાડમાં મંગળવારે પણ લધુત્તમ તાપમાનનો પારો 11 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાનનો પારો 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જેને લઇ લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. નવસારીમાં ગઇકાલે ઠંડી પારો 8.8 ડિગ્રી નોંધાતા નવસારી થીજી ગયું હતું, જે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જો કે આજે ઠંડીનો પારો સાડા ત્રણ ડિગ્રી વધીને 12.4 ડિગ્રી નોંધાતાં લોકોએ ઠંડીથી આંશિક રાહત અનુભવી હતી. છતાં દિવસે 5.8 કિ.મી.ની ઝડપે ફુંકાયેલા પવનોએ લોકોને ધ્રુજાવ્યાં તો હતા જ.

સુરતમાં લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું
શહેરમાં શિયાળાની ઠંડી દિવસેને દિવસે જમાવટ કરી રહી છે. આજે લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું હતું જે ગઇકાલની સરખામણીમાં થોડું ઘટ્યું છે. મહત્તમ તાપમાન 0.8 ડિગ્રી વધીને 28.8 ડિગ્રી પર પહોંચ્યું છે. સાથે જ 3 કિમીની ઝડપે ઉત્તરના પવન ફૂંકાતા આકરી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે. ઉત્તરથી ફૂંકાતા બર્ફીલા પવન અને હિમાલયમાં થઇ રહેલી હિમવર્ષાના કારણે તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સુરતમાં આજે તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું, જ્યારે મહત્તમ તાપમાન 28.8 ડિગ્રી હતું.

ઉત્તરના પવનની 3 કિમી પ્રતિ કલાકની ગતિને લીધે આ અસર વર્તાઈ રહી છે, જેનાથી લોકો ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. ભારે બર્ફીલા પવન પંજાબથી મહારાષ્ટ્ર સુધી તાપમાનમાં ઘટાડો લાવશે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઘણા રાજ્યોમાં કોલ્ડવેવની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અને હિમવર્ષા તેમજ શીત લહેરના કારણે સામાન્ય જનજીવન પર અસર પડશે. તેની અસર સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપર પણ વર્તાઈ શકે છે.

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે, જે તમિલનાડુના કિનારા તરફ આગળ વધે છે. આ સિસ્ટમનો પ્રભાવ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ રૂપે જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ઇનડાયરેક્ટ અસર તરીકે ઠંડી વધુ વધી શકે છે. આ સિસ્ટમના કારણે પવનનું દબાણ વધતા દક્ષિણ ગુજરાતમાં શીત લહેર જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે.

Most Popular

To Top