ગાંધીનગર: ગુજરાતમાં ગમે તે ઘડીએ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તેવી શક્યતા હોવાના પગલે છેલ્લાં પંદરેક દિવસથી રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં બદલીના આદેશ થઈ રહ્યાં છે ત્યારે આજે રાજ્યના પોલીસ વિભાગમાં પણ બદલીના ઓર્ડર થતા સોંપો પડી ગયો છે. રાજ્યમાં 27 પોલીસ ઈન્સ્પેક્ટર અને 34 પોલીસ સબ ઈન્સ્પેક્ટરના બદલીના ઓર્ડર થયા છે. ડીજીપી આશિષ ભાટીયા દ્વારા આદેશ જાહેર કરાયા બાદ આ તમામ પોલીસ અધિકારીઓની ટ્રાન્સફરના ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે.
રાજ્યના 17 IPS અધિકારીની બદલી
આ અગાઉ 24 ઓક્ટોબરે રાજ્યનાં 17 IPS અધિકારીઓની બદલી(Transfer) કરવામાં આવી છે. જેમાં સુરતનાં નવા નવા રેન્જ આઈજી તરીકે પિયુષ પટેલને મુકવામાં આવ્યા છે. આ અગાઉ 23 IAS અધિકારીઓની પણ બદલી કરવામાં આવી હતી. જો કે બદલીનાં કારણે ચુંટણી પંચ નારાજ પણ થયું હતું. ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખો દિવાળી પછી જાહેર થઇ શકે છે. રાજકીય પાર્ટીઓ પણ ચુંટણીને લઇને એક્ટીવ થઇ ગઈ છે. ગુજરાતમાં ચુંટણીને લઈને રાજ્ય સરકાર(Government) અને ગૃહ વિભાગે બદલી(Transfer)નો ગંજીપો ચીપ્યો છે. જો કે હવે રાજ્યનાં 17 આઈપીએસની બદલી કરી દીધી છે.
ગુજરાતમાં થઇ આટલી બદલીઓ
ગુજરાતમાં ચુંટણી પહેલા જ અનેક અધિકારોની બદલી કરવામાં આવી રહી છે. જેમાં હાલમાં જ 76 DYSPની બદલી કરાઈ હતી. આ ઉપરાંત 24 મામલતદાર કક્ષાના અધિકારીઓ ઉપરાંત 7 ડેપ્યુટી કલેકટરની પણ બદલીના મહેસુલ વિભાગે આદેશ આપી દીધા છે. તદુપરાંત 42 ડે.કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને બઢતી અપાઇ હતી. આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરવામાં આવી છે. આ બધા બાદ હવે રાજ્યના 24 જેટલા DEO – DPEOની બદલી કરાઇ છે. જેમાં અમદાવાદને દોઢ વર્ષ બાદ નવા DEO મળ્યાં છે. અમદાવાદમાં દોઢ વર્ષ બાદ નવા DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના DEO રાકેશ વ્યાસની વડોદરામાં બદલી કરવામાં આવી છે.
બદલીથી ચુંટણી પંચ થયું હતું નારાજ
સરકારે કરેલી બદલીનાં કારણે ચુંટણી પંચ(Election Commission) નારાજ થયું છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડા પાસે અધિકારીઓની બદલીઓ અને પોસ્ટીંગ અંગેનો રીપોર્ટ માંગીને નોટીસ(Notice) આપી છે.