રાજ્યના છેવાડાના ગામો, તાલુકા કેન્દ્રો, જિલ્લા કેન્દ્રો અને મહાનગરોમાં ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા કુલ ૭૧ લાખ ૭૫ હજાર થી વધુ લોકોને ઈમરજન્સી આરોગ્યલક્ષી સારવાર-મદદ કરવામાં આવી છે. જ્યારે ૧૦૮ દ્વારા રાજ્યભરમાંથી અંદાજે એક કરોડ ૨૭ લાખથી વધુ ઇમરજન્સી કોલ હેન્ડલ કરીને જરૂરિયાતમંદને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડી છે.
સપ્ટેમ્બર ૨૦૨૧ની સ્થિતિએ ગુજરાતમાં ૧૦૮ ઇમરજન્સી દ્વારા મહિલાઓ માટે પ્રેગ્નન્સી કેસમાં ૪૩ લાખ ૧૯ હજારથી વધુ, રોડ અકસ્માત સંબંધી ૧૫ લાખ ૮૪ હજારથી વધુ તેમજ ૧૧ લાખ ૫૭ હજારથી વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવવામાં આવ્યા છે.
વધુમાં ૧૦૮ના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન્સ દ્વારા ૭૨,૬૧૭ મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં તેમજ ૩૯,૨૧૧ મહિલાઓની સ્થળ ઉપર સલામત ડિલિવરી કરાવીને ઉત્તમ સેવા આપવાનો પ્રયાસ કર્યો છે.
આ ઉપરાંત રાજ્યભરની ૧૦૮ની ટીમ દ્વારા અકસ્માતના કિસ્સામાં ભોગ બનેલા લોકોના સગાઓને તેમના સ્વજનોની લાખો રૂપિયાની રોકડ સોના-ચાંદીના દાગીના સહિતની મોંઘી વસ્તુઓ પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પણ રજૂ કર્યુ છે.