ગાંધીવિચાર અને ગ્રામવિકાસ વચ્ચે આજે પણ સંયોજન જરૂરી છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગામડાંની હાલત વધારે બગડી છે. જમીનો ઘટતી જાય છે, ખેડૂતો પોતાનાં બાળકોને જમીન આપી શકે તેમ નથી. શહેરમાં જાય તો ગરીબી, બેરોજગારી, ગંદા વસવાટો, રોગ વગેરેનો ભોગ બને છે. ભારતમાં શહેરીકરણને કારણે ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા છે. ગામડાંનો યુવાન ગામડાંમાં રહીને પણ કાંઇ મેળવી શક્તો નથી અને શહેરમાં જાય તો પણ અનેકવિધ સમસ્યાથી ઘેરાયેલો રહે છે. આજની આ વિષમ પરિસ્થિતિના ઉકેલ માટે ફરી એક વાર ગાંધીવિચારો સમજવા અને અમલમાં મૂકવા જરૂરી બને છે.
ગાંધીજીના સમયમાં યંત્રયુગ ન હતો. તેથી ગામડામાં ઉદ્યોગ શરૂ થાય તો તેની સામે હરીફાઇનો પ્રશ્ન ન હતો. પરંતુ એ.આઇ. યુગમાં તો ગામડાંમાં પરંપરાગત ગૃહઉદ્યોગો અને હસ્તઉદ્યોગો ટકી શકે તેમ નથી. આથી ગ્રામ્ય ક્ષેત્રે એવા ઉદ્યોગો હોવા જોઇએ કે ગામનાં લોકો સાથે મળી કામ કરી શકે. ગ્રામ્ય ક્ષેત્રે જ સોલાર વીજળીના ઉત્પાદનની જરૂર છે, જેથી ઉદ્યોગોને પણ વીજળી મળે, ગૃહસુવિધા સન્માનજનક બને અને એકંદરે પરિસ્થિતિમાં સુધારો આવે.
ગુજરાતમાં ટેકસટાઇલ મીલો ખતમ થઇ ગઇ, કારણ આપણે વિશ્વનાં બજારો સામે ટકી શક્યાં નહીં. વિશાળ કદના ઉદ્યોગોમાં મેનેજરો અને વહીવટી કર્મચારીઓ વધારે પ્રમાણમાં જરૂરી બને છે. મૂડીરોકાણ પણ વધારે કરવું પડે છે. સમગ્ર વહીવટ ઘણો ખર્ચાળ બને છે. તેને બદલે મધ્યમ કક્ષાની ટેકનોલોજીનો ઉપયોગ થાય તેવા ઉદ્યોગો વિકસાવવાની જરૂરિયાત છે. જયાં કાચો માલ હોય ત્યાં જ પાકો માલ બનાવવાની વ્યવસ્થા ઊભી કરવી જોઇએ. આમ કરવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ઘટાડો થશે.
સૌરાષ્ટ્રમાં અને સુરતમાં લગભગ ૧૮ લાખ લોકો હીરા ઘસવાના વ્યવસાયમાં રોકાયેલાં છે. આ લોકો બહુ ભણ્યાં નથી. ટેકનિકલ સંસ્થામાં તાલીમ પણ લીધી નથી. છતાં રોજીરોટી મેળવી શકે છે. મૂળભૂત રીતે ગામડાંનાં લોકો પ્રમાણમાં ઝડપી ઔદ્યોગિક કૌશલ વિકસાવી શકે છે. ગ્રામ્ય વિકાસ માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રાધાન્ય આપવું જોઇએ અને મોટા ઉદ્યોગોને થોભવાનું કહેવું જોઇએ.
ગાંધીજીએ ખાદીગ્રામોદ્યોગ સંઘ એવો શબ્દપ્રયોગ કર્યો છે. ખાદી અને ગ્રામોદ્યોગ બન્ને અલગ છે. ખાદી એ વસ્ત્ર છે. ખાદી તૈયાર કરવા માટે અનેક લોકોને રોજી રોટી મળી રહે તથા નીચી કિંમતનાં વસ્ત્રો પણ મળી રહે તે દૃષ્ટિએ તેનું મહત્ત્વ છે. ગ્રામોદ્યોગનો અર્થ એ છે કે, જયાં કાચો માલ હોય ત્યાં જ તેનો પાકો માલ તૈયાર કરવો જેથી લોકોને શહેરની ઝૂંપડપટ્ટીમાં જવું ન પડે. ગામડાંમાં રહેતાં લોકો શહેરમાં જઇ વસે તે યોગ્ય ઉપાય નથી. ગામડાંનાં લોકો ગામડાંમાં રહીને હોંશથી કમાય અને કોઇના ઓશિયાળા ન રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની જરૂર છે. ગ્રામીણ લોકો જાગૃત થતાં જાય છે. તેમને પણ હવે ઊંચું જીવનધોરણ જોઇએ છે. આધુનિક ભૌતિક સગવડો પણ જોઇએ છે. ગામડાંનાં લોકોની મહત્ત્વાકાંક્ષાઓ વધી છે. આ પરિસ્થિતિમાં સંગઠિત પ્રયત્નો કરવાની જરૂર છે. સુગ્રથિત દૃષ્ટિકોણથી ગામડાંને બેઠાં કરવાની જરૂર છે.
ગામડાંમાં જતાં પહેલી વસ્તુ તમને દેખાશે કે ગામડામાં જમીનો ખૂટવા માંડી છે. જૂજ ગ્રામિણો નોકરી ધંધો કરે છે. બાકીનાં તો જમીનો વેચી કોઇક નવો ધંધો શરૂ કરવાની ઇચ્છાથી શહેર તરફ જતાં થયાં છે. પરંતુ શહેરમાં પણ આટલી મોટી વસ્તીને સમાવવા જગ્યા નથી, ધંધા નથી. ગામડાં ખાલી થાય છે અને શહેરો ઉભરાઈ રહ્યાં છે. પરિણામે મુંબઇના ધારાવીમાં પણ આજે ઝૂંપડું ઊભું કરવાની શકયતા નથી રહી! પરિસ્થિતિનો ઉકેલ છે ગામડાંઓને ઉદ્યોગ આપવા. ઉદ્યોગને વીજળી આપવી અને બજાર આપવું.
ગામડાં બેઠાં કરવાં હોય તો સંગઠિત રાજકારણનો અર્થ સમજવો પડશે. યોગ અને ક્ષેમની વ્યવસ્થા માટે રાજકારણને કાબૂમાં રાખવાના માર્ગો શોધવા પડશે. પંચાયતો જયારે ગામડામાં નહોતી ત્યારે ગુંડાઓનું રાજ નહોતું પણ પંચાયતો આવી તે પછી ગુંડાઓનું રાજ આવ્યું, કારણ કે નાગરિકોનું સુયોગ્ય સંગઠન થાય તેવું શિક્ષણ આપણને શાળામાંથી જ આપ્યું નથી. ગાંધીજીએ નાગરિકોનું સંગઠન કરવું તથા મતદારોમાં જાગૃતિ લાવવી તેને રચનાત્મક કામ ગણાવેલું.
અંગ્રેજોના સમયની ભારતની પરિસ્થિતિ અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ભારતની પરિસ્થિતિની તુલનાથી જોઇએ તો અંગ્રેજો આપણે ત્યાં આવ્યાં ત્યારે આ દેશ સમૃદ્ધ હતો. તેમાં ખેતી તથા ઉદ્યોગો પરસ્પર જોડાયેલાં હતાં. ઉદ્યોગ અને ખેતી પરસ્પરને ટેકારૂપ હતાં. પરંતુ આજે ગામડાં કાચો માલ પેદા કરે અને પાકા માલનો નફો બીજા લોકો લઇ જાય છે તે કેવું! આજે એક કિલો ઘઉંનો ભાવ 28/- છે અને ઘઉંમાંથી બનતા બિસ્કિટનો ભાવ એક કિલોના 150/- છે. આ વધારાના નફાના રૂપિયા શહેરો લઇ જાય છે. આથી કાચા માલમાંથી પાકો માલ ગામડાંમાં જ પેદા થાય તે જોવું જોઇએ.
અંતરિયાળ ગામડાનાં છેલ્લાં માનવીના ભાગે વિકાસનાં છાંટણાં જ મળ્યાં છે. આથી જહોન ગેલબ્રેથે એના છેલ્લા પુસ્તકમાં વિકસિત દેશોમાં ઊભા થયેલા મધ્યમ વર્ગ સંબંધે તારવ્યું છે કે આ મધ્યમ વર્ગ એટલો શક્તિશાળી બની ગયો છે કે ગરીબોનાં આરોગ્ય કે બીજી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાતાં પણ એ રાજયને અટકાવે છે. આવું કંઇક અંશે આપણે ત્યાં બન્યું છે. ૭૯ વર્ષ પછી આજે ૨૦૨૬માં પણ ભારતને હજુ સાક્ષરતા, પ્રાથમિક આરોગ્ય, ગ્રામ માર્ગો, પીવાનું પાણી, પ્રાથમિક શિક્ષણ જેવી બાબતો માટે ઘણું કરવાનું બાકી છે. સ્વરાજ્ય એટલે જ સમાનતા, સહિષ્ણુતા, અપરિગ્રહ, સહુને સાથે લઇ ચાલવાની ગાંધીજીની પના જેને તેઓ ગ્રામ્ય સ્વરાજ પણ કહેતા. આજે પણ વિકાસનો આ જ શ્રેષ્ઠ પર્યાય છે, તે ન ભૂલીએ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.