ડાકોર : યાત્રાધામ ડાકોરમાં દિવસે દિવસે શ્રધ્ધાળુઓનો ધસારો વધી રહ્યો છે, જેના પગલે ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બની ગઈ છે. બીજી તરફ કેટલાક દુકાનદારો દ્વારા પણ પોતાનો સામાન છેક રસ્તા સુધી લાવી ગોઠવી દેવામાં આવતાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આથી, પાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ડાકોર મંદિરથી એસટી સ્ટેન્ડ સુધીના રસ્તા પરના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં સોમવારના રોજ નગરપાલિકા દ્વારા બજારોમાં દુકાનથી બહાર કાઢવામાં આવતા દબાણો ઉપર બુલડોઝર ફેરવામાં આવ્યું હતું. જેમાં ડાકોર રણછોડરાય મંદિરથી ડાકોર એસટી બસ સ્ટેશન સુધી આશરે 100થી વધુ દુકાનોના શેડ તોડી પાડવામાં આવ્યાં હતાં. ડાકોર નગરપાલિકા દ્વારા તમામ વેપારી બંધુઓને બે દિવસ પહેલા કારણદર્શક નોટિસ આપીને તમામ વેપારીની સહિ કરવામાં આવી હતી કે 1લી મે,2023ના રોજ દુકાનની બહાર રાખેલો સામાન તેમજ દુકાનની ઉપરની છતો જો નીતિનિયમ મુજબ દબાણમાં હશે, તો તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. તેથી સોમવારના રોજ ડાકોર નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફ સાથે રાખીને ડાકોર મંદિરથી એસટી સ્ટેશન સુધી નાના – મોટા તમામ વેપારીના શેડ બાંધેલા હતાં, તે તોડી પાડવામાં આવ્યાં હતાં.
ગુજરાતના સ્થાપના દિવસે રાજ્ય સરકાર વિકાસની મોટી મોટી વાતો કરાતી હોય ત્યારે ડાકોરના વેપારીને રોવાનો વારો આવ્યો હતો. જેઓને ભરઉનાળે હવામાં લટકતા શેડ તોડાતા વેપારીઓમાં પર આક્રોશ ઉઠ્યો હતો. યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકા દ્વારા દબાણ કરતા ઉપર જેસીબી મશીન દ્વારા વેપારીઓના દુકાનોના બોર્ડ તેમજ શટરો તોડી નાખવામાં આવ્યાં હતાં. જોકે, ગેરકાયદે કોમ્પ્લેક્સ સામે પાલિકા કેમ પગલાં ભરતી નથી ? તે પણ પ્રશ્નાર્થ છે.