SURAT

જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીનો હેપ્પી એન્ડ સુરતમાં ફિલ્માવાયો

સુરત: છેલ્લાં વીકએન્ડમાં યુવા દિલોની ધડકન ફિલ્મસ્ટાર જહ્નાવી કપૂર અને ‘સ્ત્રી’ મૂવી ફેમ રાજકુમાર રાવ ગુપચૂપ સુરતમાં આવીને શુટિંગ કરી ગયા. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત અને શરન શર્મા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીનું શૂટિંગ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન સંચાલિત લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે.

ગત શનિવાર અને રવિવારે અભિનેતા રાજકુમાર રાવ અને સ્વ. શ્રીદેવીની દીકરી અને જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂરે સ્પોર્ટ્સ ડ્રામાના ક્લાઇમેક્સ સીનનું શૂટિંગ અહીં પૂરું કર્યું હતું. વુમન ક્રિકેટ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ અગાઉ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં થઈ ચૂક્યું હતું.

ફિલ્મના કલાઈમેટિક દ્રશ્યો ફિલ્માવવા ધર્મા પ્રોડકશનની 200 જણની ટીમ શુક્રવારે જ સુરત આવી પહોંચી હતી અને લાલભાઈ સ્ટેડિયમમાં સેટઅપ ગોઠવ્યો હતો. શનિવારે રાજકુમાર રાવ ગ્રાઉન્ડ પર આવ્યો હતો અને વેનિટી વેન સાથે જાહ્નવી કપૂર પણ આવી હતી.

બે દિવસ ફિલ્મના હેપ્પી એન્ડનું દ્રશ્ય સુરતમાં ફિલ્માવવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાન ક્રિકેટ ક્લબની ફાઇનલ મેચમાં જાહ્નવી કપૂરને છેલ્લા બોલ પર 5 રન ફટકારવાના આવે છે અને એ સિક્સ મારી ભવ્ય વિજય અપાવે છે. વુમન ક્રિકેટરની સંઘર્ષ કથા પર આ ફિલ્મ બની છે. જોકે ફિલ્મ ક્રિકેટર પતિ પત્નીની લવસ્ટોરી પર આધારિત ડ્રામેટિક ફિલ્મ છે.

ધર્મા પ્રોડક્શનની વિનંતીને પગલે બે દિવસ મુખ્ય ગ્રાઉન્ડ અને ડ્રેસિંગ રૂમનો એરિયા સિલ કરી શૂટિંગમાં નડતર ન થાય એ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. બાઉન્ડરી ફરતે ભૂરા કલરનું કાપડ ચારે તરફ વિંટાડી દેવાયું હતું. માત્ર સ્ટેડિયમની ગેલેરીમાંથી ફિલ્મનું શૂટિંગ જોઈ શકાય એવું આયોજન થયું હતું. તેમ છતાં બોલિવૂડની જાણીતી સેલિબ્રિટી જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ સુરતનાં લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં શૂટિંગ કરી રહ્યાં છે ની માહિતી પ્રસરતા મોટી સંખ્યામાં સુરતીઓ સેલેબ્સને જોવા ઉમટી પડ્યા હતાં.

શૂટિંગ પછી રાજકુમાર રાવ સ્ટેડિયમ નજીક જિમ પાસે ફરતો જણાયો હતો. ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ ના આખરી ઓપના શૂટિંગ માટે 200 જણાની પ્રોડકશન ટીમ 5 વેનિટી વેન સાથે બે દિવસ સ્ટેડિયમમાં આવી હતી. શૂટિંગ પૂરું થયા પછી જહાનવી કપૂર અને રાજકુમાર રાવે ઇન્સ્ટાગ્રામ પર માહિતી ફોટોગ્રાફ સાથે શેર કરી હતી. જેમાં જહાનવી કપૂરના વોર્મ અપ કરતાં ફોટો પણ હતા. આ ફિલ્મ માટે જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવે ક્રિકેટને લગતી ઘણી બાબતો જાણી હતી.

ફેબ્રુઆરીમાં વરસાદ પડતાં સુરતમાં શૂટિંગ લંબાવાયું
વુમન્સ ક્રિકેટ પર આધારિત આ ફિલ્મ માટે ધર્મા પ્રોડક્શને એસડીસીએનો બે દિવસ શૂટિંગ માટે ફેબ્રુઆરી માસમાં સંપર્ક કર્યો હતો. એસડીસીએનાં ક્રિકેટ સેક્રેટરી ડો.નૈમેષ દેસાઈનો સંપર્ક કરતાં તેમને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદ પડતાં એ શક્ય બન્યું ન હતું. એ પછી સુરત ક્રિકેટ લીગની મેચ હોવાથી એમને શિડયુલ પાછળ લઈ જવા કહેવાયું હતું. આખરે શનિવારે અને રવિવારે બે દિવસ રાજકુમાર રાવ અને જહાનવી કપૂરે શૂટિંગ અહીં પૂર્ણ કરી કેક કાપવાની સેરેમની અદા કરી હતી.

જાહ્નવી કપૂરે સુરતની સાંજ અને તાપીની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી
સ્વ.શ્રીદેવીની દીકરી અને જાણીતી અભિનેત્રી જાહ્નવી કપૂરે સ્પોર્ટ્સ ડ્રામાના ક્લાઇમેટીક સીનનું શૂટિંગ પૂરું કર્યા પછી એરપોર્ટ રોડની હોટેલ પહોંચતા પહેલા પાલ ઉમરા બ્રિજથી ઓએનજીસી બ્રિજનો વેનમાં રાઉન્ડ લઈ ફોટોગ્રાફી પણ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જાહ્નવી કપૂરે સુરતની સાંજ અને તાપી નદીની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ફિલ્મનું શૂટિંગ પૂરું થયાની પણ જાહેરાત કરી હતી.

Most Popular

To Top