નડિયાદ: ડાકોરમાં બિરાજમાન ભગવાન શ્રી રણછોડરાયજી રવિવારે એકમના શુભ પર્વે નગરયાત્રાએ નીકળશે. તે પહેલાં પોલીસ અને પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે, ડાકોર નગરપાલિકાના નઘરોળ તંત્રને રથયાત્રા રૂટની સફાઇ કે રૂટ પરના બિસ્માર માર્ગની મરામત કરવાનું હજી યાદ આવ્યું ન હોય તેમ ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે.
રવિવારના દિવસે રાજા રણછોડરાયજી ડાકોર નગરમાં નગરયાત્રાએ નીકળશે. શ્રીજીની રથયાત્રાને લઇને પોલીસ અને પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, ડાકોર નગરપાલિકા દ્વારા રથયાત્રા પહેલાં ભગવાન જે માર્ગ પરથી પસાર થવાના છે તે માર્ગની મરામત કે તેની સફાઇ કરવાની પણ તસ્દી લેવામાં આવી નથી. જેને લઇને હાલમાં શ્રધ્ધાળુઓમાં તંત્ર પરત્વે નારાજગી જોવા મળી રહી છે. ભગવાનનો રથ જે માર્ગ પરથી પસાર થવાનો છે, તે માર્ગ પર ખાડા પણ છે અને માર્ગ ઉબડખાબડ પણ છે, જેને કારણે શ્રીજી રથને પસાર થવામાં મુશ્કેલી પડે તેવી પણ શક્યતા છે. હજી રથયાત્રાને આડે ૨૪ કલાકનો સમય બાકી છે ત્યારે ડાકોર પાલિકા દ્વારા રથયાત્રા રૂટની યોગ્ય સફાઇ અને બિસ્માર માર્ગ પરના ખાડા પુરવાની કામગીરી કરવામાં આવે તેવી લાગણી નગરજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.