દાહોદ: દાહોદ જિલ્લામાં ચોમાસુ હજુ જામતું નથી. જ્યારે ગત વર્ષે આ દિવસ સુધીમાં તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થઇ ચુક્યો હતો. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર શરુ થઇ ચુકી છે. ઘણે ઠેકાણે તો પહેલા દિવસથી જ મૂશળધાર વરસાદ પડવાને કારણે રહેણાંક વિસ્તારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેથી રાજ્યમાં ધરતીપુત્રોએ ખેતીનો શુભારંભ કરી દીધો છે, પરંતુ મધ્ય ગુજરાતમાં હજી મન મુકી વરસ્યા નથી. જેથી દાહોદ જિલ્લામાં પણ હજી ચોમાસુ બેઠું હોય તેમ લાગી રહ્યુ નથી તેમ છતાં ખેડૂતોએ ભગવાનના ભરોસો ખેતીકામની શરુઆત કરી છે. 2 લાખ 22 હજાર હેક્ટર જેટલી ખેતીલાયક જમીન છે. તેની સામે સિંચાઇ સુવિધા નહિવત હોવાથી ખેડૂતોએ વરસાદ આધારિત જ ખેતી કરવી પડે છે.
જિલ્લાનો મુખ્ય પાક અને ખોરાક મકાઇ છે અને તેની ખેતી ખરીફ ઋતુમાં જ થાય છે. ત્યારે હવે વરસાદ વરસશે ત્યારબાદ મહત્તમ વાવેતર મકાઇનું કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે તો જિલ્લામાં વાવેતરની કામગીરી પૂરજોશમાં શરુ થઇ ગઇ હતી કારણ કે 21 જૂન 2020 સુધીમાં જિલ્લામા 387 મીમી વરસાદ વરસી ચુક્યો હતો. જેમાં દાહોદ તાલુકો 124 મીમી સાથે મોખરે હતો.
બીજી તરફ આ ચોમાસે 21 જૂન સ,સુધીમાં માત્ર 146 મીમી વરસાદ થયો હોવાથી ખેડૂતો આશાભરી નજરે આકાશે મીટ માંડીને બેઠા છે. આ સમયે જો વરસાદ થઇ જાય તો વાવણી માટેનો આદર્શ સમયગાળો છે ત્યારે આ સપ્તાહમાં મેઘમહેર થઇ જાય તે ઇચ્છનિય છે.ઘણાં તાલુકાઆતો હજીએ કોરાધાકોર છે. તેમ છતાં જિલ્લામાં ખેડૂતોએ સકારાત્મક રીતે ખેતીની તૈયારીઓનો શુભારંભ કરી દીધો છે.ગત વર્ષ કરતાં આ દિવસોમાં સરખામણીએ બહુ જ ઓછો વરસાદ થયો છે. દાહોદ તાલુકામાં તો ગયા વર્ષે ભરપુર પાણી વરસ્યુ હતુ. આ સમય વાવેતર માટે ઘણો મહત્વનો હોય છે.