રાજ્યના દાહોદ જિલ્લામાં શરમજનક ઘટના બની છે. અહીં એક પરણિત મહિલાને અર્ધનગ્ન કરી બાઈક પાછળ દોરડા સાથે બાંધી આખા ગામમાં ફેરવવામાં આવી છે. સભ્ય સમાજને શરમમાં મુકનાર આ ઘટનાનો વીડિયો બહાર આવતા જ ચકચાર મચી ગઈ છે.
આ ઘટના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ થયો હતો. આ પ્રેમ સંબધ જાહેર થતાં મહિલાને સજા આપવામાં આવી હતી. લોકોએ મહિલા સાથે બર્બરતા આચરી હતી. મહિલાના ઘરમાં અંદાજીત 15 શખ્સો ઘૂસી ગયા હતા અને મહિલાને માર માર્યો હતો.
બેરહેમીથી માર માર્યા બાદ મહિલાને અર્ધ નગ્ન હાલતમાં ઘરની બહાર ઢસડીને લાવવામાં આવી હતી. ત્યાર બાદ ગ્રામજનોની નજર સામે મહિલાને ફરીથી ઢોર માર મારવામાં આવ્યો હતો. બાદમાં મહિલાને અર્ધનગ્ન કરીને તેના હાથ દોરડાથી બાઈક સાથે બાંધી દઈ આખા ગામમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઘટના ગઈ તા. 28 જાન્યુઆરીના રોજ બની હોવાનું જાણવા મળ્યું છે.
અર્ધનગ્ન હાલતમાં મહિલાને આખા ગામમાં શખ્સોએ ફેરવી
મહિલાને આ શખ્સોએ આખા ઘરમાં ફેરવી હતી. તો બીજી તરફ મહિલાનો વિડિયો પણ ફોનમાં ઉતારીને સોશિયલ મિડિયામાં વાયરલ કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ સંજેલી પોલીસને થઈ હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાર બાદ વાયરલ થયેલા વિડિયોને લોકોના ફોનમાંથી ડિલીટ કર્યો હતો.
પોલીસે 15 લોકો વિરુદ્ધ ફરિયાદ કરી દાખલ
જોકે મોડેથી જાગેલી પોલીસે ભોગ બનનાર મહિલાનું નિવેદન લીધું હતું. આ નિવેદનના આધારે પોલીસે 11 પુરુષ અને 4 મહિલા સહિતના ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જોકે હવે એ જોવાનું રહ્યું કે આરોપીઓ સામે પોલીસ કયા પ્રકારનું એક્શન લે છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા પણ સંજેલી તાલુકાના ગામમાં આવી ઘટના સામે આવી હતી.
મુખ્યમંત્રી-ગૃહમંત્રીનું રાજીનામું આપોઃ આપ
આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે કહ્યું કે હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ તો ગુજરાતમાં કોમન થઈ ગઈ છે અને હવે મહિલાની અર્ધનગ્ન હાલતમાં પરેડ થઈ રહી છે.
12 આરોપીઓને પકડ્યા છેઃ ભાજપ
દાહોદમાં મહિલા સાથે થયેલા અત્યાચાર મામલે ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતએ કહ્યું કે જે સમયે આ બનાવ બન્યો તે સમયે તેનો પતિ હાજર નહોતો અને ગામમાંથી પણ કોઈ મહિલા તેને બચાવા માટે ન આવી. આ ઘટનામાં 12 આરોપીઓ હાલ જેલની પાછળ છે. વહેલી તકે ન્યાયની કામગીરી કરવામાં આવશે.
