આણંદ : બોરસદમાં ઝારોલા તાબે આવેલા રાવપુરા પાસે રહેતો શખસ તાડીમાં નશાયુક્ત કેમિકલ ભેળવી વેચી રહ્યો છે. આ કેમિકલ સ્વાસ્થ્ય માટે જોખમી પણ હોવાથી સ્થાનિક ગુના શોધક શાખાએ દરોડો પાડ્યો હતો. જેમાં સાડા ચાર કિલો કેમિકલ જપ્ત કરી મહિલા સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. આણંદ સ્થાનિક ગુના શોધક શાખાને બાતમી મળી હતી કે, ઝારોલા તાબે રાવપુરા બસ સ્ટેન્ડ નજીક રહેતા ચીમન સોમા તળપદા પોતાના મકાનમાં નશાયુક્ત તાડીનું વેચાણ કરે છે.
આ બાતમી આધારે આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સંજયકુમાર દયારામે ટીમ સાથે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પ્લાસ્ટીકના ગેલનમાં કેમીકલ ભરેલું મળી આવ્યું હતું. આ ઉપરાંત એક પ્લાસ્ટીકની કોથળીમાં પીળાશ પડતું દામાદાર કેમીકલ પદાર્થ મળી આવેલું હતુ. આ કેમીકલ પદાર્થથી પીવા માટેનું બનાવેલું પ્રવાહી શરીર માટે નુકસાનકારક હોવાથી તેને વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યું છે. આ દરોડામાં ચીમન સોમા તળપદા ઉપરાંત તારાબહેન રામાભાઈ તળપદા (બન્ને રહે. રાવપુરા) સામે ભાદરણ પોલીસે ગુનો નોંધી તેમની પાસેથી 4 કિલો 500 ગ્રામ કેમિકલ જપ્ત કરી તેને વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યું હતું.