બીલીમોરા : બીલીમોરાના (Bilimora) પશ્ચિમ વિસ્તારની બુક સ્ટોરની (Book Store) દુકાનમાં બેઠેલા વૃદ્ધાને (Old woman) ગ્રાહક (Customer) બનીને આવેલા એક આધેડ વયના શખ્સે વાતોમાં ભોળવી હિપ્નોટાઈઝ (Hypnotize) કરી વૃદ્ધાએ હાથમાં પહેરેલી પાંચ તોલાની ચાર સોનાની બંગડી ઉતારી લઇને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.
- લંગડાતી ચાલ સાથે આવેલા શખ્સે થેલી આપી ‘આ કોઈ ગરીબને દાન કરી દેશો’ કહી બંગડી લઇને નીકળી ગયો
ગુરુવારે સાંજે આશરે 6 કલાકે બીલીમોરા પશ્ચિમમાં આવેલી ગુજરાત બુક સ્ટોરના ગલ્લા પર બેઠેલા મંજુલાબેન મોહનભાઈ બીલીમોરીયા (ઉ.68)ને એક આધેડ વયનો લંગડાતી ચાલ ચાલતો શખ્સ આવી ગલ્લા ઉપર બે થેલી મૂકી હતી. જેમાં એકમાં રૂ (કોટન) સાથે બિસ્કીટના ચાર પેકેટ અને રૂ.100 ની પાંચ નોટ હતી. તેણે વૃદ્ધાને જણાવ્યું કે ‘આ કોઈ ગરીબને દાન કરી દેશો, આટલુ સાંભળતાની સાથે જ વૃદ્ધાએ તેને હાથમાં પહેરેલી પાંચ તોલાની ચાર બંગડી ઉતારીને આવેલા શખ્સના હાથમાં આપી દીધી હતી.
ખૂબ જ શિફતથી પોતાની કળા કરીને ત્યાંથી લાપતા થઇ ગયા બાદ તેમને ભાન થતાં હાથમાં પહેરેલી બંગડી નહીં જોતા પરિવારને બૂમો પાડીને બોલાવ્યા હતા અને આપવીતી વર્ણવી હતી. જેથી પરિવાર પણ ચોકી ઉઠ્યો હતો. દુકાનની બહાર લોકો એકત્રિત થઈ ગયા હતા અને આવેલા શખ્સને શોધવાની તજવીજ હાથ ધરી હતી. આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવ્યા હતા પણ કોઈ ફાયદો થયો ન હતો. જોકે આજુબાજુના લોકોના જણાવ્યા પ્રમાણે તેણે અન્ય લોકો પાસે પોતાને કેન્સર થયું હોવાનું જણાવી મદદની માંગ કરતો હતો. પોલીસ આ શખ્સને શોધી રહી છે.
વાપીના ચલામાં ચોરીની શંકાએ પકડાયેલા યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત
વાપી : વાપીના ચલા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ઘૂસેલા યુવકને ચોરીની શંકાએ લોકો પકડીને વાપી ટાઉન પોલીસને રાત્રે સોંપ્યો હતો. સવારે વાપી ટાઉન પોલીસ મથકમાં જ યુવકનું મોત નિપજતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે હાલમાં બિહારી યુવકનું મોત થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વાપી ટાઉન પોલીસ મથકમાં આવીને યુવકના મૃત્યુ અંગે વિગતો મેળવી હતી. બીજી તરફ યુવકના મૃતદેહને વાપી ચલા સ્થિત સરકારી હોસ્પિટલમાં લઈ જઈ તેનું ડોક્ટરની પેનલ પાસે સુરત સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે.
- યુવકને અચાનક ખેંચ આવતા પડી જતા મોત નિપજ્યું હોવાની શંકા
- પોલીસ મથકમાં જ યુવકનું મોત નિપજતાં પોલીસ દોડતી થઈ ગઈ
વાપીના ચલા વિસ્તારમાં અજીતનગર સ્થિત યોગી એપાર્ટમેન્ટમાં રહેતા નીરવ શાહ નામના વ્યક્તિએ વાપી ટાઉન પીએસઓને ફોન કરીને જણાવ્યું હતું કે એક અજાણ્યો યુવક તેમના એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયો છે. જાણકારી મળતા પીસીઆર ટીમ યોગી એપાર્ટમેન્ટ પાસે પહોંચી હતી. જ્યાં એપાર્ટમેન્ટના રહીશોએ એક વ્યક્તિને પકડીને બેસાડી રાખ્યો હતો. પોલીસે યુવકને પોલીસ મથક લાવીને પૂછપરછ કરી હતી. જેમાં યુવકનું નામ અખિલેશ ચંદ્રજીત રાય તથા તેની ઉંમર ૨૬ વર્ષ હોવાનું જણાયું હતું. વધુ તપાસ કરતા યુવક અસ્થિર મગજનો હોવાનું જણાયું હતું. મૂળ બિહારનો આ યુવક હાલમાં દમણમાં રહી મજૂરી કામ કરતો હોવાનું જણાયું હતું. પોલીસને યુવકની તપાસમાં કોઈ ચીજવસ્તુ કે તેની ઓળખના પુરાવા મળ્યા ન હતા. આ યુવકને પોલીસ મથકમાં એક બાજુ વધુ વિગત માટે બેસાડી રાખ્યો હતો. ગુરુવારે સવારે ૭.૩૦ વાગ્યાના અરસામાં યુવકને અચાનક ખેંચ આવતા તે પડી ગયો હતો. પોલીસે ૧૦૮ની ટીમને બોલાવતા ૧૦૮ની ટીમે યુવકને મૃત જાહેર કર્યો હતો. વાપી ટાઉન પોલીસ મથકમાં યુવકના મોત બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. ડીવાયએસપી તેમજ મામલતદારે તાત્કાલિક પોલીસ મથકે આવીને યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ચલાના સરકારી હોસ્પિટલમાં મૃતદેહને ખસેડયો હતો. ત્યાંથી પેનલ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. જોકે યુવકનું મૃત્યુ કયા કારણે થયું તે પીએમ થયા બાદ જ જાણી શકાશે. વાપી ટાઉન પોલીસ મથકમાં એક મહિલાનું પણ અગાઉ મોત થયું હતું.