SURAT

ભેસ્તાનમાં કોલેજિયન યુવકે સોસાયટીના ગેટ પર ચપ્પુના ઘા ઝીંકી મિત્રને રહેંસી નાંખ્યો

સુરત(Surat): સુરતમાં ગુનાખોરીએ (Crime Rate) હદ વટાવી છે. ખુલ્લેઆમ લૂંટફાંટ, હત્યાની ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટના શહેરના ભેસ્તાન વિસ્તારમાં બની છે. અહીં મિત્રએ મિત્રની હત્યા (Murder) કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભેસ્તાન વિસ્તારમાં સામાન્ય બાબતના ઝઘડામાં યુવકની હત્યા થઈ છે. નવાઈની વાત એ છે કે સોસાયટીમાં રહેતા મિત્રએ જ બીજા મિત્રની ચપ્પુ મારી હત્યા કરી છે. ખોટી અફવાઓ ફેલાવતો હોવાના વહેમમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી છે. પોલીસે હત્યા કરનાર આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં મળતી માહિતી મુજબ ઉધના-સચિન રોડ ખાતે ઉનના તિરૂપતી નગરમાં રહેતો પવન ઉર્ફે ગુડુ ચૌધરી (ઉં.વ. 23) ભેસ્તાન વિસ્તારમાં જ લૂમ્સના કારખાનામાં નોકરી કરતો હતો. મંગળવારે તા. 12 માર્ચની રાત્રે ગુડુ ચૌધરીની તેની જ સોસાયટીમાં રહેતા અનુરાગ ગૌડે સોસાયટીના ગેટ પાસે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી છે.

ફોન કરી મળવા બોલાવ્યો અને ચપ્પુ મારી દીધું

બનાવની વધુમાં મળતી વિગત અનુસાર ગુડ્ડુ ચૌધરી અને તેના ત્રણ મિત્રો મંગળવારે સાંજે સોસાયટીના ગેટ પાસે બેઠા હતા. દરમિયાન ગુડ્ડુએ ફોન કરી અનુરાગ ગૌડને ધમકી આપી હતી અને તાત્કાલિક મળવા બોલાવ્યો હતો. અનુરાગ ત્યાં પહોંચતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. અનુરાગ પોતાની સાથે ચપ્પુ લઈને આવ્યો હતો. ઝઘડા દરમિયાન અનુરાગે ચપ્પુ ગુડ્ડુને માર્યું હતું અને ભાગી ગયો હતો. સાથી મિત્રો ગુડ્ડને સારવાર માટે સિવિલ લઈ ગયા હતાં, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગુડ્ડુ ચૌધરીનું મોતની નિપજ્યું હતું.

સોસાયટીમાં અફવા ફેલાવવા મામલે ઝઘડો થયો હતો
આ કેસના મામલે ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એમ. ગઢવીએ જણાવ્યું હતું કે ભેસ્તાનના તિરુપતિ નગરમાં આઠથી દસ આવાસ બિલ્ડીંગો આવ્યા છે. સોસાયટીના ગેટ પાસે બેઠેલા મિત્રોએ ગુડ્ડુને કહ્યું હતું કે અનુરાગ અને તેના મિત્ર હર્ષ ખોટી વાતો સોસાયટીમાં ફેલાવી રહ્યો છે. જેને લઇ ગુડુ ચૌધરીએ હર્ષ નામના યુવકને ફોન કરી બોલાવી ઠપકો આપી માર મારી છોડી મૂક્યો હતો. ત્યારબાદ અનુરાગ ગૌડને ફોન કરીને ધમકીઓ આપી હતી અને સોસાયટીના ગેટ પર મળવા બોલાવ્યો હતો.

અનુરાગ પોતાની સાથે ચાકુ લઈને ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન ગુડડુ ચૌધરી અને તેના મિત્રોએ અનુરાગને આપ શબ્દ બોલી ઠપકો આપી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં આવેશમાં આવી અનુરાગે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે ગુડ્ડુ ચૌધરીને પેટના ભાગે બે થી ત્રણ ઘા જીકી દીધા હતા. જેને લઈ તેનું મોત નીપજ્યું હતું. અનુરાગ ગોડ પાંડેસરામાં વિસ્તારમાં કોલેજના બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ તો પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ છે.

Most Popular

To Top