SURAT

સ્માર્ટ મીટર સામે એટલો ગુસ્સો કે લોકો બીજું કામ પણ કરવા દેતા નથી, અલથાણમાં વીજકર્મીઓને ભગાવાયા

સુરત: સ્માર્ટ મીટર સામે એટલો બધો રોષ છે કે લોકો હવે વીજકંપનીના કર્મચારીઓને અન્ય કામગીરી પણ કરવા દેતા નથી. આજે સવારે અલથાણના સુમન અમૃત આવાસમાં ટ્રાન્સફોર્મર પર સાદું મીટર લગાડવા પહોંચેલા વીજકંપનીના કર્મચારીઓને લોકોએ ભગાવ્યા હતા. સ્માર્ટ મીટર લગાડવા આવ્યા એવું માની લોકો ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો.

  • ટ્રાન્સફોર્મર પર સાદું મીટર લગાવા ગયેલા વીજકંપનીના કર્મચારીઓને અલથાણના લોકોએ ભગાવ્યા
  • અલથાણમાં લોકોએ પહેલાં નેતાઓના ઘરે લગાડો એવું કહી વિરોધ કર્યો, ‘સ્માર્ટ મીટર, ચીટર મીટર’ના નારા પોકાર્યા

આજે સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ અલથાણ વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસમાં ટ્રાન્સફોર્મર પર મીટર નાંખવા પહોંચ્યા હતા. વીજકંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાડવા આવ્યા હોવાનું માની આવાસના રહીશોએ વિરોધ કર્યો હતો.

સોસાયટીની મહિલા, યુવાનો અને વડીલો ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો. ‘સ્માર્ટ મીટર નહીં, આ ચીટર મીટર છે’ એવા સૂત્રો પોકાર્યા હતા. રહીશોએ કહ્યું કે પહેલાં નેતા, કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટર લગાડો. પછી ગરીબોના ઘરમાં લગાડજો. વિરોધના પગલે વીજકંપનીના કર્મચારીઓએ પાછા ફરવું પડ્યું હતું.

પીપલોદ ડિવિઝનના એન્જિનિયર ભરત ગોધાણીએ કહ્યું કે, અલથાણના સુમન અમૃત આવાસમાં સ્માર્ટ મીટર લગાડવા નહોતા ગયા. વિરોધના પગલે હાલ નવા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી બંધ કરાઈ છે. સુમન અમૃત આવાસમાં ટ્રાન્સફોર્મર પર રૂટિન પ્રક્રિયા અનુસાર મીટર લગાડવા ગયા હતા. ટ્રાન્સફોર્મર આવાસના પ્રિમાઈસીસમાં હોવાથી લોકોને એમ લાગ્યું કે સ્માર્ટ મીટર લગાડવા આવ્યા અને તેઓએ વિરોધ કર્યો હતો. જોકે, આ કામગીરીને સ્માર્ટ મીટર સાથે કંઈ લાગતું વળતું નથી.

Most Popular

To Top