National

સ્વાતિ માલીવાલે કહ્યું- તે દિવસે કેજરીવાલ ઘરમાં હાજર હતા.. પોલીગ્રાફ ટેસ્ટ માટે તૈયાર છું

આમ આદમી પાર્ટીના (AAP) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે (Swati Malival) આજે ન્યૂઝ એજન્સી ANIને 13મી મેના રોજ પોતાની સાથે થયેલી ઘટનાની વાત કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે મેં કોઈને ક્લીનચીટ આપી નથી. ઘટનાના દિવસે અરવિંદ કેજરીવાલ ઘરે હાજર હતા. AAP સાંસદ સ્વાતિ માલીવાલે 13 મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રીના આવાસ પર બનેલી હુમલાની ઘટના અંગે વાત કરતા કહ્યું કે તે દિવસે તે સીએમ કેજરીવાલના ઘરે તેમને મળવા ગયા હતા. તેમને ડ્રોઈંગ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. કેજરીવાલની જગ્યાએ બિભવ કુમાર ત્યાં આવ્યા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા.

ANI સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં સ્વાતિ માલીવાલે અરવિંદ કેજરીવાલના ઘરે 13 મેની સમગ્ર ઘટનાને યાદ કરતા કહ્યું કે 13 મેના રોજ સવારે 9 વાગ્યે હું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરે મળવા ગઈ હતી. સ્ટાફે મને ડ્રોઈંગ રૂમમાં બેસવાનું કહ્યું અને કહ્યું કે અરવિંદ કેજરીવાલ ઘરે છે અને મને મળવા આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ પછી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર ગુસ્સામાં મારી પાસે આવ્યા અને મેં પૂછ્યું, ‘શું થયું, કેજરીવાલજી આવી રહ્યા છે?’ આટલું કહેતા જ તેમણે મને થપ્પડ માર્યા હતા. બિભવ કુમારે મને 7 થી 8 વાર થપ્પડ માર્યા હતા. જ્યારે મેં તેમને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે મારા પગ પકડીને મને ખેંચી હતી. મારું માથું સેન્ટર ટેબલ સાથે અથડાયું હતું. હું ફ્લોર પર પડી. હું બૂમો પાડી રહી હતી અને મદદ માટે વિનંતી કરી રહી હતી પરંતુ કોઈ મદદ માટે આવ્યું નહીં.

સ્વાતિ માલીવાલે કહ્યું કે તે નથી જાણતા કે કોની સલાહ પર બિભવે તેમને માર માર્યો. આ તમામ તપાસનો વિષય છે. હું દિલ્હી પોલીસને ઘણો સહકાર આપી રહી છું. હું કોઈને ક્લીન ચિટ નથી આપી રહી. કારણ કે સત્ય એ છે કે હું ડ્રોઈંગ રૂમમાં હતી અને અરવિંદ કેજરીવાલ ઘરે હતા અને મને ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. મેં ખૂબ બુમો પાડી હતી પરંતુ કોઈ મારી મદદ કરવા આવ્યું ન હતું.

સ્વાતિ માલીવાલે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારું અને મારી કારકિર્દીનું શું થશે. તેઓ મારી સાથે શું કરશે? મેં ફક્ત એટલું જ વિચાર્યું કે મેં બધી સ્ત્રીઓને કહ્યું છે કે હંમેશા સત્ય સાથે ઊભા રહો, પ્રમાણિક ફરિયાદ કરો અને તમારી સાથે જે પણ ખોટું થયું છે તેના માટે લડો. તો હું આજે શા માટે ન લડી શકું?

CM મને મળવા આવતા હતાઃ સ્વાતિ માલીવાલ
સ્વાતિ માલીવાલે કહ્યું કે તે દિવસે હું અરવિંદ કેજરીવાલને મળવા મુખ્યમંત્રી આવાસ પર ગઈ હતી. સ્ટાફે મને ડ્રોઈંગ રૂમમાં રાહ જોવા કહ્યું. મને કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી કેજરીવાલ ઘરે છે અને તેઓ આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે આ દરમિયાન તેમનો પીએ બિભવ કુમાર ત્યાં આવ્યો અને મારી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. બિભવે મને કહ્યું કે તારી ઔકાત શું છે? તેણે મને 7-8 વાર થપ્પડ માર્યા. મેં પોલીસને ફોન કર્યો. તેઓએ 50 સેકન્ડનો એક વીડિયો વાયરલ કરી દીધો. તેઓએ પુરાવા સાથે ચેડા કર્યા. મને ખબર છે કે તેમણે બે વીડિયો વાયરલ કર્યા છે.

આતિશીના પ્રશ્નનો સ્વાતિનો જવાબ
ઈન્ટરવ્યુ દરમિયાન સ્વાતિ માલીવાલે કહ્યું કે નિર્ભયાને પૂછવામાં આવ્યું કે તે ઓટોમાં મુસાફરી કેમ નથી કરતી, તે રાત્રે કેમ બહાર જતી હતી અને દિવસ દરમિયાન કેમ નહોતી? વિક્ટિમ શેમિંગ દરેક સ્ત્રીને થાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે દિલ્હીની મહિલા મંત્રીએ કહ્યું કે તેના કપડા ફાટ્યા નથી. વધુમાં કહ્યું કે હું ઈચ્છું છું કે પોલીસ મારો પોલીગ્રાફ ટેસ્ટ કરાવે જેથી બધું સ્પષ્ટ થઈ જાય. વાતચીત દરમિયાન AAP સાંસદે કહ્યું કે જો તેઓ મારી રાજ્યસભાની સીટ ઈચ્છતા હોત, જો તેમણે પ્રેમથી માંગી હોત તો હું મારો જીવ આપી દેત. પણ એમપી બહુ નાની વાત છે. હવે દુનિયાની કોઈ પણ સત્તા હોય, હું રાજીનામું આપીશ નહીં.

Most Popular

To Top