અમદાવાદ(Ahmedabad): અત્યાર સુધી બ્લ્ડ અને ઓર્ગેન ડોનેશન વિશે સાંભળ્યું હતું પરંતુ હવે ગુજરાતીઓ સ્કીન એટલે કે ચામડીનું પણ દાન (Skin Donation) કરી શકશે. એશિયાની (Asia) અને ગુજરાતની (Gujarat) સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) અન્ય અંગોના દાન સાથે સ્કીન બેન્ક (Skin Bank) શરૂ કરવામાં આવી છે, જેમાં સ્કીનનું દાન કરી શકાશે.
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેન્ક શરૂ કરાઈ
- અંગ દાનની જેમ મૃતકના પરિવારજનોની સહમતિથી ચામડીનું દાન કરી શકાશે
- સિટી સ્કેન મશીન, દર્દી સુવિધા કેન્દ્ર અને પેશન્ટ ગોલ્ડ કાર્ટની સુવિધા પણ ઉપલ્બ્ધ કરાવાઈ
રાજ્યના આરોગ્યમંત્રી દ્વારા આજે તા. 7 માર્ચના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેન્ક, સિટી સ્કેન મશીન, દર્દી સુવિધા કેન્દ્ર તેમજ પેશન્ટ ગોલ્ફ કાર્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે.
કોણ સ્કીન ડોનેટ કરી શકશે?
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજે સ્કીન બેન્ક શરૂ કરાઈ છે. રોટરી ક્લબ કાંકરીયાના સહયોગથી આ બેન્ક શરૂ કરાઈ છે. અંગ દાનની જેમ જ વ્યક્તિના મૃત્યુ બાદ તેની સ્કીનનું દાન કરી શકાય છે. મૃતકના સગાસંબંધીઓની સહમતિ સાથે અમદાવાદ સિવિલમાં સ્કીન ડોનેશન સ્વીકારવામાં આવશે. મૃતકની ઉંમર 18થી વધુ હોવી જોઈએ. કોઈ પણ બ્લ્ડ ગ્રુપના દર્દી સ્કીન ડોનેશન કરી શકશે.
અમદાવાદ સિવિલમાં અન્ય સુવિધાઓ પણ શરૂ કરાઈ
આજે આરોગ્ય મંત્રી દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેન્ક ઉપરાંત એસ્ટ્રા ફાઉન્ડેશનના 5.50 લાખ અને કેનેરા બેન્કના 5.70 લાખના ફંડની મદદથી પેશન્ટ ગોલ્ડ કાર્ટ સર્વિસ પણ શરૂ કરાઈ હતી. આ ઉપરાંત 6.25 કરોડના ખર્ચે 128 સ્લાઈડ્સનું લેટેસ્ટ એડવાન્સ સિટી સ્કેન મશીન પણ શરૂ કરાયું છે. બેન્ક ઓફ બરોડાના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી નજીક નવું દર્દી સુવિધા કન્દ્ર શરૂ કરાયું છે.