Columns

સ્કૂલોમાં ભગવદ્ ગીતા ઉપરાંત બાઇબલ અને કુરાનનું શિક્ષણ પણ આપવું જોઈએ

ગુજરાત સરકારે સ્કૂલોમાં ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવાનો નિર્ણય જાહેર કર્યો તેને કારણે વિવાદ થયા વિના રહેવાનો નથી. ગુજરાતનું ઉદાહરણ લઈને કર્ણાટકની ભાજપ સરકાર પણ સ્કૂલોમાં મોરલ એડ્યુકેશનના નામે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરવાનો વિચાર કરી રહી છે. આ જ કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજબ પહેરીને વર્ગખંડમાં આવતાં અટકાવવામાં આવી રહી છે, કારણ કે હિજબ મુસ્લિમ ધર્મનું પ્રતીક છે અને સ્કૂલો સેક્યુલર ગણાય છે. જો સેક્યુલર ગણાતી સ્કૂલોમાં ઇસ્લામના પ્રતીક સમા હિજબની પરવાનગી ન આપી શકાય તો વૈદિક ધર્મના પ્રતીક સમા ગ્રંથ ભગવદ્ ગીતા ભણાવવાની પરવાનગી કેવી રીતે આપી શકાય? હકીકતમાં ગુજરાતના કેથોલિક ખ્રિસ્તીઓની સંસ્થાના મંત્રી ફાધર ટેલિસ ફર્નાન્ડિઝે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પર એક પત્ર લખીને તેમને ભગવદ્ ગીતા ઉપરાંત બાઇબલ, કુરાન, ગુરુ ગ્રંથ સાહિબ, અવેસ્તા, તાલમુદ, બહાઇ વગેરે તમામ ધર્મોના ગ્રંથોનું શિક્ષણ આપવાની માગણી કરી છે.

હકીકતમાં ભારતના બંધારણની ૩૦ મી કલમ કહે છે કે દેશની કોઈ પણ ધાર્મિક કે ભાષાકીય લઘુમતી પોતાની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી શકે છે અને તેમાં પોતાના ધર્મનું શિક્ષણ આપી શકે છે. આ કલમ મુજબ મુસ્લિમ, જૈન, શીખ કે બૌદ્ધ કોમનાં લોકો પોતાની શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી શકે છે અને તેમાં પોતાના ધર્મનું શિક્ષણ આપી શકે છે. જો કે આ કલમનો લાભ બહુમતીમાં ગણાતા હિન્દુઓને મળતો નથી. અર્થાત્ હિન્દુઓ પોતાની શૈક્ષણિક સંસ્થામાં પોતાના ધર્મનું શિક્ષણ આપી શકતા નથી. ગુજરાત સરકાર તો તમામ સાર્વજનિક સ્કૂલોમાં ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવા માગે છે. જો તેની સામે કોઈ પણ લઘુમતી ધર્મનાં લોકો કોર્ટમાં જાય તો ગુજરાત સરકારનો નિર્ણય બંધારણની એરણે ચડી જશે. ત્યારે સરકારે ભગવદ્ ગીતાને સેક્યુલર સાબિત કરવી પડશે.

આજે પશ્ચિમના દેશોમાં પણ ભગવદ્ ગીતાનો આદર કરવામાં આવે છે, કારણ કે જીવનમાં સફળતા મેળવવાના સિદ્ધાંતો તેમાં વણી લેવાયા છે. ભારતના સ્વામી પાર્થસારથિ વેદાંતના વિદ્વાન ગણાય છે અને અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ માટે તેઓ ભગવદ્ ગીતા ઉપર ખાસ પ્રવચનો આપે છે. સ્વામીજી પ્રવચનમાં કહે છે કે “બિઝનેસમાં સફળ થવા માટે એકાગ્રતા, સાતત્ય અને સહકારની સૌથી વધુ આવશ્યક્તા છે. આ ત્રણ ચીજો કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરવી તેનું રહસ્ય આપણને ભગવદ્ ગીતામાંથી જાણવા મળે છે. બુદ્ધિના વિકાસ વિના મન અને શરીર ઉપર કાબૂ મેળવી શકાતો નથી. બુદ્ધિનો વિકાસ કરવાના ઉપાયો માત્ર ભગવદ્ ગીતામાં જ જાણવા મળે છે.’

સ્વામી પાર્થસારથિએ હેજ ફંડના મેનેજરોની એક બેઠકને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે અમર્યાદ ધન એકઠું કરવાની તૃષ્ણા સાથે આંતરિક સુખની પ્રાપ્તિ કરવા માટેની તમન્નાનો કેવી રીતે મેળ બેસાડવો એ બાબતમાં પ્રવચન આપ્યું હતું. લેહમાન બ્રધર્સના વડા મથકમાં સ્વામીજીનું પ્રવચન રાખવામાં આવ્યું હતું. તેમાં એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કરે સવાલ કર્યો હતો કે, “તોફાની સહકર્મચારીઓ સાથે કેવી રીતે કામ લેવું? સ્વામીજી કહે, “તેમને તમારા મગજમાંથી કાઢી નાંખો. તમારી સફળતા કે નિષ્ફળતા માટે તમે જ જવાબદાર છો. આ જવાબમાં ગીતાનું તત્ત્વજ્ઞાન સમાયેલું છે.’

પશ્ચિમના દેશોમાં મેનેજમેન્ટનાં પુસ્તકોમાં ભગવદ્ ગીતાના શ્લોકો ટાંકવાની નવી ફેશન શરૂ થઈ છે. અમેરિકાની ટોચની બિઝનેસ સ્કૂલોમાં મેનેજરોને તેમની નેતૃત્વશક્તિ વિકસાવવા માટે અને કામના દબાણ વચ્ચે આંતરિક શાંતિનો અહેસાસ કરાવવા માટે ગીતા ભણાવવામાં આવે છે. ભારતના સી. કે. પ્રહ્લાદ, રામચરણ અને વિજય ગોવિંદરાજ જેવા બિઝનેસ ગુરુઓ આજે અનેક મલ્ટીનેશનલ કંપનીઓના કન્સલ્ટન્ટ છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ, કેલોગ્સ સ્કૂલ ઓફ બિઝનેસ, મિશીગન યુનિવર્સિટીની રોસ સ્કૂલ ઓફ બિઝનેસ વિગેરેનાં ભારતીય મૂળના પ્રોફેસરોની મોટા પ્રમાણમાં ભરતી કરવામાં આવી છે, જેઓ ભગવદ્ ગીતાના તત્ત્વજ્ઞાનના આધારે તાલીમ આપે છે. ભગવદ્ ગીતામાં યુદ્ધના સમયે અર્જુન મોહવશ બની યુદ્ધ કરવાનો ઈન્કાર કરી દે છે અને શ્રીકૃષ્ણ તેને મોહનો ત્યાગ કરી પોતાનું કર્તવ્ય અદા કરવાનો ઉપદેશ આપે છે. આ કથામાંથી પશ્ચિમના મેનેજરોને એવો સંદેશ આપવામાં આવે છે કે, “પ્રજ્ઞાવાન નેતાઓએ એવી કોઈ પણ લાગણીઓથી મુક્ત થઈ જવું જોઈએ, જે તેમને ઉચિત નિર્ણયો લેતાં રોકે છે. સારા નેતા તેને કહેવાય જેઓ નિ:સ્વાર્થી હોય અને તેઓ આર્થિક ફાયદાઓ કે ફળની ચિંતા કર્યા વિના પોતાનું કર્તવ્ય બજાવ્યા કરે છે.’

અમેરિકાની પ્રસિદ્ધ ‘ટક સ્કૂલ ઓફ બિઝનેસ’ના પ્રોફેસર વિજય ગોવિંદરાજને મેનેજમેન્ટ વિશે અનેક બેસ્ટસેલર પુસ્તકો લખ્યાં છે અને તેઓ શેવરોન કોર્પોરેશન તેમજ ડીઈ જેવી મલ્ટીનેશનલ કંપનીઓના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ પણ છે. તેઓ આ કંપનીઓને ભૂતકાળ ભૂલીને કેવી રીતે નવી શોધો કરી, ભવિષ્યનું નિર્માણ કરવું તેની તાલીમ આપે છે. ગોવિંદરાજ કહે છે કે તેમના મેનેજમેન્ટના સિદ્ધાંતોનો પાયો કર્મની થિયરી છે. “કર્મ એટલે કાર્ય કરવાનો સિદ્ધાંત. આપણે વર્તમાનમાં જે કાર્ય કરીએ છીએ તેના ઉપરથી આપણું ભવિષ્ય નક્કી થાય છે. નવી શોધ કરવા માટે પણ પરિણામની ચિંતા કર્યા વિના કર્મો કરતાં રહેવું જોઈએ.’ આજથી વીસ વર્ષ પહેલાં અમેરિકાની બિઝનેસ સ્કૂલોની ટેક્સ્ટ બુકોમાં ચીનના ધર્મગ્રંથ ‘ત્સૂન ત્સૂ’નાં અવતરણો ટાંકવામાં આવતાં હતાં.

હવે એ સ્થાન ભગવદ્ ગીતાના શ્લોકોએ લીધું છે. ભગવદ્ ગીતાનું આ ચિંતન ટોચના એક્ઝિક્યુટિવ્સને માત્ર બિઝનેસમાં સફળ થવાનું જ નહીં પણ આંતરિક શાંતિ પ્રાપ્ત કરવાનું પણ શીખવે છે.
આજની સ્કૂલોમાં ડોક્ટર, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું શિક્ષણ આપવામાં આવે છે, પણ સજ્જન મનુષ્ય બનવાનું શિક્ષણ આપવામાં આવતું નથી. પરિણામે યુનિવર્સિટીઓમાંથી જે ડોક્ટરો બહાર પડે છે તેઓ ગરીબ દર્દીઓનાં ખિસ્સાં કાપવામાં સંકોચ અનુભવતા નથી. જે એન્જિનિયરો બહાર પડે છે તેઓ કતલખાનાંની ડિઝાઇન તૈયાર કરવા માટે તૈયાર થઈ જાય છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો કાળાં નાણાંને ધોળાં કરવાના રસ્તાઓ શોધી કાઢે છે. જો સ્કૂલોમાં બાળકોને ગળથૂથીમાં નૈતિક શિક્ષણ આપવામાં આવે તો જ નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થઈ શકે તેમ છે. નૈતિક શિક્ષણ આપવા માટે કોઈ પણ ધર્મગ્રંથનો સહારો લેવો જ પડે, કારણ કે નૈતિકતાનો સંબંધ ધાર્મિકતા સાથે છે.

ભૂતકાળમાં દરેક ધર્મનાં બાળકો તેમની અલાયદી પાઠશાળાઓમાં ભણતાં હોવાથી તેમને ક્યા ધર્મનું શિક્ષણ આપવું? તેવો સવાલ જ પેદા થતો નહોતો. હવે સાર્વજનિક સ્કૂલોમાં તમામ ધર્મનાં બાળકો એક જ છત્ર હેઠળ ભણતાં હોવાથી તેમને ક્યો ધર્મગ્રંથ ભણાવવો? તેવી મૂંઝવણ થયા વિના રહેતી નથી. જો મુસ્લિમ અને ખ્રિસ્તી મા-બાપો તેમનાં બાળકોને ભગવદ્ ગીતા ભણાવવા તૈયાર ન હોય તો તેમને તેવી ફરજ પાડી શકાય નહીં. તો સરકારે ભગવદ્ ગીતાનો અભ્યાસ સ્વૈચ્છિક કરવો પડે. તેમ ન કરવું હોય તો વૈદિક ધર્મ ઉપરાંત અન્ય ધર્મના ગ્રંથો પણ ભણાવવા જોઈએ.
આખરે બધા ધર્મોમાં નૈતિકતાનો ઉપદેશ જ આપવામાં આવ્યો છે. દુનિયાના તમામ ધર્મો હિંસા ન કરવી, જૂઠું ન બોલવું અને ચોરી ન કરવી તેનો જ ઉપદેશ આપે છે.

Most Popular

To Top