રામરાજયની વાતો કરનારે સીતાત્યાગના આદર્શ પર પણ દૃષ્ટિપાત કરવો જરૂરી છે. અગ્નિપરીક્ષામાં પૂર્ણ શુદ્ધ ચારિત્ર્ય સિધ્ધ કરવા છતાં અયોધ્યાના એક ધોબીની શંકા સાથેની ટીકાને કારણે રામચંદ્રજીએ અણીશુધ્ધ લોકતંત્ર સમાન નિર્ણય લઇ પ્રજામતને પ્રાધાન્ય આપી સીતાત્યાગ કર્યો,તેથી જ તો શ્રેષ્ઠ, આદર્શ શાસન માટે વિશેષ ઓળખરૂપ રામરાજય શબ્દ પ્રચલિત થયો. ભલે ત્યારે જનમત દર્શાવવા ચૂંટણીવ્યવસ્થા ન હતી. આઝાદી પછી ભારતમાં ચૂંટણી પંચ રચાયું અને ભારતીયોને મતાધિકાર મળ્યો. ગુપ્ત મતદાન પછી ચૂંટણી પરિણામને માથે ચઢાવીને સાક્ષર, મહિલા-પુરુષ, સૌ કોઇને સમાન મતાધિકાર મળ્યો. ગુપ્ત મતદાન પછી ચૂંટણી પરિણામને માથે ચઢાવીને સરકાર રચાય છે.
જુદી જુદી વિચારધારા સાથે રાજકીય પક્ષો ચૂંટણી જંગ ખેલે છે, કોઇ એક પક્ષ બહુમતી નહીં મેળવે, ત્યારે મીનીમમ કોમન પ્રોગ્રામ ઘડી કાઢી સરકાર રચાય છે તો કયારેક અન્ય પક્ષોના ટેકા સાથે સરકાર ચાલે છે. નિયતમુદત પહેલાં સંકટ સર્જાય ત્યારે મધ્યાવધિ ચૂંટણી આવી પડે છે. કુપાત્ર સરકારને માથે સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિની તલવાર ઝીંકાઇ શકે છે. ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થાય ત્યારે ત્યાં નવેસરથી જનાદેશની વ્યવસ્થા છે. હવે તો મતદાતાને એકેય ઉમેદવાર યોગ્ય ન લાગે ત્યારે આમાંનો કોઇ નહીં એવો નોટા આદેશ પણ જણાવી શકે છે.
ઇ.વી.એમ. અને બેલેટ પેપર વ્યવસ્થાનો વિવાદ ચાલે છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ત્યાંની સરકારે રાજીનામું આપી દેવું જોઇએ અને નવી સરકાર રચાતાં સુધી રાષ્ટ્રપતિ શાસન સ્થપાવું જોઇએ. ચૂંટણી પરિણામ અડતાળીસ કલાકમાં જાહેર થઇ જવું જોઇએ. અસાધારણ સંજોગ સિવાય મતદાન ફરજિયાત હોવું જોઇએ. ઉપરાંત અણીશુધ્ધ લોકતંત્ર માટે ચૂંટણી પંચ સંપૂર્ણ સ્વાયત્ત અને રાજકીય પ્રભાવરહિત હોવું જોઇએ. તેના મુખ્ય ચૂંટણી અધિકારીની નિયુકિત કેન્દ્ર સરકાર કે વડા પ્રધાનની સંયુકત સમિતિ દ્વારા જ થવી જોઇએ.
વળી લાખો મતદારો પર પ્રભાવ પાડી શકે એવા અપરાધી, કારાવાસી નેતાઓને ચૂંટણી સમયે પેરોલ પર છોડવા ન જોઇએ. ચીજવસ્તુઓ કે અનાજની મફત લ્હાણી, પ્રલોભનો અટકાવવાં જોઇએ. ચૂંટણી પંચની ફાઇલો, કાગળિયાની ગુપ્તતા જળવાવી જોઇએ. અન્ય સરકારી એજન્સીઓની જેમ ચૂંટણી અધિકારીઓને મીટીંગ માટે બોલાવી સૂચનો લાદી દેવાનું સ્વાયત્ત દરજ્જા વિરુધ્ધ સિધ્ધ થાય, અણીશુધ્ધ લોકતંત્ર માટે ઘાતક ગણાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.