સુરત : અડાજણ (Adajan)માં એક એપાર્ટમેન્ટમાં વોચમેન (Watchman)નું કામ કરતા યુવકે ત્રણ બાળકો (Children)ને મોબાઇલ ચોરી (Mobile theft)ના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના કેસમાં વોચમેનને આજીવન કેદ (imprisonment)ની સજા કરવામાં આવી હતી.
આ કેસની વિગત મુજબ સને ૨૦૧૮ના દિવાળી વેકેશનના સમયગાળમાં અડાજણ ન્યુ એલ.પી.સવાણી રોડ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા ૧૦ થી ૧૨ વર્ષિય ત્રણ માસુમ બાળકો એપાર્ટમન્ટ નીચે રમવા જતા હતા, આ બાળકોને એપાર્ટમેન્ટના વોચમેન બ્રિજેશ ઉમાશંકર તિવારી (મુળ રહે. ગામ, કુનવરૂપુર, તા.કુનવરૂપુર પવઇ, જી.પન્ના, મધ્યપ્રદેશ) ડરાવીને પોતાની રૂમમાં બોલાવતો હતો. બાળકોને મોબાઇલ ચોરીનો ખોટો કેસ મુકીને તેઓને રૂમમાં લઇ જઇ વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાયું હતું. ત્રણેય બાળકો સાથે વારંવાર બનતી આ ઘટનાને લઇને એક દિવસ ત્રણેય પૈકી એક બાળક રડતા રડતા ઘરે આવ્યો હતો.
બાળકે પોતાના પિતાને સમગ્ર ઘટના કહેતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે વોચમેનને પકડીને અડાજણ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બ્રિજેશ તિવારીની સામે ગુનો નોંધીને તેની ધરપકડ પણ કરી લીધી હતી. દરમિયાન આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ અરવિંદ વસોયાએ દલીલો કરી હતી અને આરોપીને વધુમાં વધુ સજા કરવા માટે જણાવ્યું હતું. દિન-પ્રતિદિન વધતા જતા આવા ગુનામાં આરોપીને સજા થાય અને સમાજમાં દાખલો બેસે તેવી દલીલો કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલોને માન્ય રાખીને આરોપી બ્રિજેશ તિવારીને તકસીરવાર ઠેરવ્યો હતો અને આજીવન કેદની સજા કરી હતી.
આરોપીને ઓછી સજા કરવી એ સમાજ પ્રત્યે બેદરકારી દાખવવા સમાન : કોર્ટનું તારણ
આરોપીએ કુમળી વયના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે, બાળકોના માનસ ઉપર આવી ઘટના આજીવન અસર કરે છે. તેઓને સમાજમાં નીચે જોવાનો ડર લાગે છે, બાળકોને ઘણો જ માનસિક આઘાત લાગ્યો છે. તેની સાથે જ પરિવારને પણ માનસિક યાતના ભોગવવી પડે છે. આપણા સમાજમાં બાળકોની સાથે અધમ કૃત્યો બને ત્યારે બાળકોનું જ નહીં પરંતુ તેમના પરિવારજનોનું સામાજીક સ્તર પણ મહત્ત્વની બાબત બની જાય છે. ત્યારે આરોપીને ઓછી સજા કરવી એટલે કે સમાજ પ્રત્યે બેદરકારી દાખવવા સમાન છે. સજા કરવાનો હેતુ સમાજમાં ગુનાહિત કૃત્યો ઘટે, અબુધ બાળકોનું જીવન સુખમય રીતે કોઇપણ જાતના ડર વિના પસાર થાય, સમાજમાં ગુના બનતા અટકે તે પણ જરૂરી છે.
ઘણા ગુના તો સમાજીક ડરના કારણે બહાર જ આવતા જ નથી. સમાજમાં દાખલો બેસાડવો પણ જરૂરી છે અને આવી તમામ બાબતોને ધ્યાને રાખીને આરોપીને સજા કરવી જરૂરી છે. દરેક બાળકોને 2 લાખ મળી કુલ્લે ત્રણ બાળકોના 6 લાખ વળતર સ્વરૂપે ચૂકવી આપવા જિલ્લા સેવા સત્તા મંડળને આદેશ કરાયો હતો.