હાલમાં ખુબ પવિત્ર અને પાક ગણાતો રમજાન માસ ચાલી રહ્યો છે. રમજાનમાં રોજા નમાજ અને સદકો (જકાત કે દાન)નું આગવું મહત્વ છે. આખી દુનિયામાં સમગ્ર મુસ્લિમ સમાજ આશરે ૧૩ કલાક ભુખ્યા પ્યાસા રહી ઇબાદત બંદગી કરે છે. રોજા સાથે નમાજ અને સદકો જકાત આપવી ફરજિયાત છે. આ જકાત કોને આપી શકાય એના પણ સ્પષ્ટ નિયમો છે. ખરેખર ગરીબ હોય, વંચિતો હોય, દેવામાં કોઈ ફસાયેલું હોય એને દેવામાંથી બહાર કાઢવા, કોઈને દવા દારૂ ઓપરેશન, અભ્યાસ માટે, વેપાર કરવા, કોઈને ઊભો કરવા મદદરૂપ થવા આપી શકાય છે.
અનાજ અને કપડાનું પણ દાન કરી શકાય છે. જકાત ૧૦૦ રૂપિયા પર અઢી રૂપિયા કાઢવાની હોય છે જકાત એ ઇસ્લામની ખુબ જ અગત્યની વાત છે જે તમારી બાકીની સંપતિને પવિત્ર બનાવે છે અને સમાજમાં સમાનતા લાવવામાં મદદ કરે છે. જકાત એ બાકીના લોકો સાથે લાગણી અને સહાનુભીતિ રાખવાની વાત પણ કરે છે. માણસ ડગલે ને પગલે ગુનાહ કરે છે, આખા દિવસમાં જાણ્યે અજાણ્યે ભુલો થાય છે. આ ભુલો અને ગુનાઓથી બચવાનો એક સરળ રસ્તો જકાત આપવી છે. ગુનાઓની સજા અવશ્ય મળવાની છે પણ એ ગુનાઓ સજા માફ થાય એ માટેનો સૌથી સરળ રસ્તો જકાત આપવાનો હુકમ છે. રોજા એ ગુના સામે ઢાલ છે તો જકાત તમારા ગુના સજા માફ કરવાનો રસ્તો છે. પાક પરવરદિગાર આપણા બધા રોજા બંદગી કબુલ કરે, આમીન.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શબ્દોનું સ્વરૂપ બદલાયું
આજકાલ આપણે જોવા જઈએ તો ભાષામાં વિવિધતા જોવા મળે છે. તેમ રોજિંદા વ્યવહારમાં વપરાતી ભાષાના શબ્દો પણ હવે બદલાયેલા જોવા મળે છે. પહેલા આપણે કોઈ રમતની ફાઈનલ રમાવાની છે એમ કહેતા, હવે તો લોકો ફાઈનલ નહી બોલે, એ બોલશે ફીનાલે. એવી જ રીતે પહેલા છૂટાછેડાને ડાઈવોર્સ બોલાતુ અને આજે બોલાય છે ‘‘ડીવોર્સ’’ આપણે પહેલાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી બોલતા જ્યારે આજના છોકરાઓ ‘જેન’ અને ‘ફેબ’ બોલે છે. મોબાઈલમાં પણ તમે જોશો તો જયશ્રીકૃષ્ણને ‘જે.એસ.કે.’ અને ગુડમોર્નિંગને ‘જી.એમ.’ લખાય છે, એટલે આમ શબ્દો રોજિંદા વપરાશમાં વધારે ને વધારે ટૂંકા થતા જાય છે.
સુરત – શીલા સુભાષ ભટ્ટ.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
