National

ભારત બંધની અસર: દિલ્હીમાં ભારે ટ્રાફિક જામથી લોકો પરેશાન

નવી દિલ્હી(New Delhi): અગ્નિપથ યોજના(Agnipath Scheme)ના વિરોધ(Protest)માં ભારત બંધ(Bharat bandh)નું એલાન આપવામાં આવ્યું છે. જેની અસર દિલ્હી અને NCRમાં જોવા મળી રહી છે. દિલ્હી બોર્ડર પર જામના કારણે ચિલ્લા બોર્ડર પર કલાકો સુધી વાહનો રખડતા રહ્યા હતા. બંધનું એલાન કરનારા કેટલાક સંગઠનોએ દિલ્હી કૂચની પણ જાહેરાત કરી હતી. જેના પગલે દિલ્હી પોલીસ(Delhi police) સતર્ક થઇ ગઈ છે અને તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સવારથી ધીમો પડેલો વાહન વ્યવહાર ટ્રાફિક જામમાં ફેરવાઈ ગયો હતો. ગુડગાંવથી નોઈડા સુધી દિલ્હીની તમામ સરહદો પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે વાહન ચાલકો પરેશાન થઇ ગયા હતા.

સરહોલ બોર્ડર પર ટ્રાફિક જામ
સરહોલ બોર્ડર પર દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક છે. અગ્નિપથ યોજના વિરોધમાં ભારત બંધનાં એલાનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ વાહનોનું ચેકિંગ કરી રહી છે. જેના કારણે સરહોલ બોર્ડર પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી હતી. ગુરુગ્રામ પોલીસે દરમિયાનગીરી કરી અને ટ્રાફિક જામ વધુ લાંબો થતાં સરહોલ બોર્ડર પરના બેરિકેડિંગ દૂર કર્યા હતા. જેના કારણે લોકોને થોડી રાહત મળી હતી. દિલ્હી પોલીસ સવારથી જ વાહનોની તપાસ કરી રહી હતી. નોઈડામાં પણ પોલીસ દિલ્હી-નોઈડા બોર્ડર પર સવારથી જ વાહનોની તપાસમાં વ્યસ્ત છે. દિલ્હી-નોઈડા બોર્ડર પર પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. એક્સપ્રેસ વે, મહામાયા ફ્લાયઓવર, ફિલ્મ સિટી સુધી હજારો વાહનો અટવાયા હતા. ઓફિસ જવાનો સમય હોવાથી લોકો ખૂબ જ પરેશાન દેખાયાં હતા.

દિલ્હી-NCRમાં ભારે ટ્રાફિક જામ
અગ્નિપથનો વિરોધ કરી રહેલા સંગઠનો દ્વારા દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ ચેકિંગ વિના વાહનોને રાજધાનીમાં પ્રવેશવા દેતી નથી. જેના કારણે સરહોલ બોર્ડરથી એટલાસ ચોક, દિલ્હી-નોઈડા લિંક રોડ, દિલ્હી-નોઈડા-ડાયરેક્ટ ફ્લાયવે, ચિલ્લા બોર્ડર સુધી દૂર-દૂર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. નોઈડા એક્સપ્રેસ વે પર મહામાયા બ્રિજથી નોઈડા ગેટ સુધી બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

નોઈડાથી દિલ્હી બોર્ડર પાર કરવામાં અડધો કલાક લાગે છે
દિલ્હી-નોઈડા બોર્ડર પર ચેકિંગને કારણે ટ્રાફિક ધીમુ પડી ગયું હતું. નોઈડાથી દિલ્હી બોર્ડર પાર કરવામાં વાહનોને અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો. ટ્રાફિક પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “દિલ્હી પોલીસ દ્વારા લગભગ દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે, ખાસ કરીને જેમાં માત્ર છોકરાઓ છે. આ ઉપરાંત શંકાસ્પદ વાહનો અને શહેર બહારના લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

નોઈડાના રસ્તાઓ પર ભારે જામ
નોઈડાથી દિલ્હી જતા રોડ પર પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. ભારત બંધને ધ્યાનમાં રાખીને પોલીસ DND ફ્લાયવે પર તપાસ કરી રહી હતી. જેના કારણે વાહનવ્યવહાર ઘણો ધીમો પડી ગયો હતો. તેમજ ગાઝીપુર થઈને ગાઝિયાબાદ તરફ જતા વાહનોના વધુ દબાણને કારણે, રસ્તાઓ પર ભારે જામ છે. વાહનો નોઈડા થઈને ગાઝિયાબાદ તરફ જઈ રહ્યા છે. ટ્રાફિક જામના પગલે ટ્રાફિક પોલીસ પણ એલર્ટ મોડમાં છે.

Most Popular

To Top