વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ એવા મોલ પાસે આવેલ ડ્રિમ આઇકોનીયા ખાતે સામાજિક કાર્યકર ઘનશ્યામ ફૂલબાજે અને તેમના પુત્ર દેઉલ ફૂલબાજે દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. શ્રીજીની 5 દિવસ ભક્તિભાવપૂર્વકની આગતા સ્વાગતા પૂજન અર્ચન કરવામાં આવી હતી. એ વર્ષે તેમના દ્વારા શ્રીજીના હાથ અને પગના સુવારણથી બનેલા પંજા અર્પણ કરવામાં આવ્યા હતા. પાંચ દિવસની ભક્તિભાવ પૂર્વકની પૂજા અર્ચના કર્યા બાદ રવિવારે પાંચમા દિવસે અનોખી રીતે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યુ હતું.
મુંબઈના પ્રખ્યાત સોનુ મોનું બિટ્સ ગ્રુપના સથવારે શ્રીજીની વિસર્જન યાત્રા યોજાઈ હતી. જેમાં સોનુ મોનુ બીટ્સના કલાકારો તેમના વાજિંત્રો સાથે 45 ફૂટ લંબાઈના ટ્રેલર પર સવાર થઈને વિસર્જન યાત્રા માં જોડાયા હતા તેમજ ગણેશજીના ભક્તિ સભર ગીતોની રજૂઆત કરી હતી. ગણેશજીની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તેમજ ઘનશ્યામ ફૂલબાજે પરિવારના સભ્યો અને મિત્ર વર્તુળ જોડાયું હતું. શ્રીજીની શોભાયાત્રા ઇવા મોલ પાસેથી નીકળી હતી અને માંજલપુર શ્રેયસ શાળા પાસે ઇકો ફ્રેન્ડલી રીતે પાણીના કુંડમાં ગણેશજીની મૂર્તિને ભાવભીની રીતે વિસર્જન કરવામાં આવ્યુ હતું.