National

3 દિવસમાં હિટવેવમાંથી મળશે રાહત, હવામાન વિભાગે વરસાદને લઈ આપ્યા સારા સમાચાર

દેશમાં નૌતપામાં ગરમી કહેર વરસાવી રહી છે. અત્યાર સુધી દેશમાં હીટ વેવને (Heat Wave) કારણે 60થી વધુના મોત થયા છે. આજે નૌતપાનો ત્રીજો દિવસ છે. છેલ્લા 2 દિવસમાં સૌથી વધુ તાપમાન રાજસ્થાનના (Rajasthan) ફલોદીમાં નોંધાયું હતું. નૌતાપાના પ્રથમ દિવસે તાપમાન 50º હતું, જ્યારે બીજા દિવસે તે 51º હતું. જમ્મુમાં પણ તાપમાન 42 ° અને હિમાચલના ઉનામાં 44.4 ° પર પહોંચી ગયું હતું. સોમવારે જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત એક BSF જવાનનું ગરમીના કારણે મોત થયું હતું. બિહારમાં પણ નાગાલેન્ડના એક સૈનિકનું હીટ સ્ટ્રોકથી મોત થયું છે. રાજસ્થાનમાં ગરમીના કારણે 4 દિવસમાં મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. તેવામાં IMDએ વરસાદને લઈ સોમવારે રાહતના સમાચાર આપ્યા છે.

આકરી ગરમીનો સામનો કરી રહેલા રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ત્રણ દિવસ બાદ હીટવેવમાંથી રાહત મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજસ્થાન અને ગુજરાતમાં નવથી 12 દિવસથી હીટવેવ રહી છે જેમાં તાપમાન 45 થી 50ની વચ્ચે રહ્યું છે. જ્યારે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબમાં પાંચથી સાત દિવસ સુધી હીટવેવ ચાલી હતી જેમાં તાપમાન 44 ડિગ્રીથી 48 ડિગ્રી સુધી હતું.

હવામાન વિભાગે એમ પણ કહ્યું હતું કે આગામી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાના આગમન માટે સ્થિતિ પાકી હોય તેવું લાગી રહ્યું છે. IMD એ પહેલા જ કહ્યું હતું કે ચોમાસું 31 મે સુધીમાં કેરળમાં પહોંચશે. કેરળમાં તેના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. આ સાથે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ સોમવારે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે આ ચોમાસાની સિઝનમાં દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે, જે દેશને ગરમીથી ઘણી રાહત આપશે. મહાપાત્રાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો વરસાદ 4% ની મોડલ ભૂલ સાથે લાંબા ગાળાની સરેરાશના 106% થવાની સંભાવના છે. આમ સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે.

ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે લા નીનાની અનુકૂળ પરિસ્થિતિઓને કારણે આ ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. IMDનું કહેવું છે કે આગામી 5 દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂને આવે છે, પરંતુ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ જ કેરળમાં પહોંચશે.

રવિવારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં 37 સ્થળોએ 45 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું. એક દિવસ પહેલા એટલે કે શનિવારે દેશમાં માત્ર 17 જગ્યાએ તાપમાન 45 ડિગ્રી કે તેથી વધુ હતું. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં તીવ્ર હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં હીટવેવનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

નૌતપા દરમિયાન મધ્યપ્રદેશમાં આકરી ગરમી પડી રહી છે. રવિવારે સમગ્ર રાજ્યમાં ભારે ગરમી હતી. રાજગઢ, શાજાપુર, નિવારી, સાગર, ગુના, ખજુરાહો અને સિહોર જિલ્લા સૌથી ગરમ રહ્યા હતા, જ્યાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર કરી ગયો હતો. ભોપાલ-સાગરમાં તાપમાન 10 વર્ષમાં બીજી વખત સૌથી વધુ હતું. આજે સોમવારે પણ આકરી ગરમી પડી રહી છે. રતલામ, ધાર, રાજગઢમાં હીટ વેવનું રેડ એલર્ટ છે.

ગરમી અંગે જારી કરાયેલ એડવાયઝરી
આસામ ડીજીપીએ લોકોને અપીલ કરી છે કે તમારા ઘરની નજીક તૈનાત પોલીસકર્મીઓને પાણી આપો. જરૂર પડે ત્યારે તેમની બોટલો રિફિલ કરવામાં મદદ કરો. એમપી ટ્રાફિક પોલીસે ઇન્દોરના ચાર રસ્તાઓ પર લાલ લાઇટનો સમયગાળો ઘટાડ્યો છે જેથી લોકોને તડકામાં ઓછી રાહ જોવી પડે. આગ્રા, ભોપાલ, જોધપુર, લખનૌ, સુરત સહિત ઘણા શહેરોમાં ટ્રાફિક સિગ્નલ પર ટેંટ લગાવવામાં આવ્યા છે જેથી લોકો સિગ્નલની રાહ જોતી વખતે રાહત મેળવી શકે.

Most Popular

To Top