Comments

કલ્પના કરો, દુનિયા કઈ દિશામાં જઈ રહી છે

આમ તો બધા દેશપ્રેમી છે, રાષ્ટ્રવાદી છે, તેમની રગેરગમાં એવું ગરમ લોહી વહે છે, જે દેશ માટે ખપી જઈને વહાવી દેવા તૈયાર છે. વળી એ દરેકે એકએક દુશ્મન પાળી રાખ્યો છે, જેનાથી ડરવા અને ડરાવવામાં આવે છે. ક્વચિત લલકારવામાં આવે છે. પ્રજા પણ મહાન પ્રાચીન વારસાને યાદ કરીને મરકમરક પોરસાય છે. એની વચ્ચે વળી “દુશ્મનનાં કુકર્મો”ની યાદ આવી જાય તો ક્રોધાયમાન થઈ જાય છે, તેનું અસ્તિત્વ મિટાવી દેવા માટે ભાવાવેશમાં આવી જાય છે, તો ક્વચિત્ ગ્લાનિગ્રસ્ત થઈને રડી પડે છે. એક વાત સારી છે કે તેમની તેમના દેવો ઉપર અખૂટ શ્રદ્ધા છે એટલે એને ભરોસે મીઠી નિંદર માણી શકે છે. એ શ્રદ્ધા ઘટે નહીં એ માટે મીડિયા (દરેક પ્રકારના) ક્યારેક દુશ્મનોનાં કુકર્મોની યાદ અપાવે છે તો ક્યારેક દેવતાઓની સ્તુતિ કરે છે. એ પણ બિચારા ચોવીસે કલાક સેવારત રહે છે.

આવું માત્ર ભારતમાં નથી બની રહ્યું, જગત આખામાં બની રહ્યું છે અને એની પાછળ તમે કલ્પના પણ ન કરી હોય એવા ખેલ ખેલાય છે. પણ કેટલાક લોકો છે, જે પ્રજાને અને શાસકોને ‘ગમતાં સત્ય’ને નહીં પણ, સત્યને ઉજાગર કરે છે અને પ્રજાની આંખ ખોલવાનો પ્રયત્ન કરે છે. ઇન્ટરનેશનલ કૉન્સોર્શિયમ ઑફ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલીસ્ટ્સ (આઈસીઆઈજે) ૬૦૦ કરતાં વધુ પત્રકારોનું એક એવું જૂથ છે જે શાસકોની અને શાસકોને પોષતા ભાગીદારોની લીલા ઉઘાડી પાડે છે. એ જૂથમાં ભારતમાંથી ઇન્ડિયન એક્સપ્રેસનો સમાવેશ થાય છે. શાસકો તો બિચારા ગજવામાં છે, મુખ્ય ઓપરેટરો તો આ ભાગીદારો છે. તેઓ દુનિયાને લૂંટવા માગે છે એટલે શાસકોને ખરીદે છે અને પ્રજાને બહેકાવે છે. મીડિયા પણ તેમની માલિકીના છે, જે હમણાં કહ્યું એમ પ્રજાને ઉશ્કેરવાનું અને મીઠી નિંદરમાં સુવડાવવાનું કામ કરે છે.

આ જૂથે ૨૦૧૬ માં ‘પનામા પેપર્સ’ ખુલ્લા કર્યા હતા, જેનો જથ્થો ૨.૬ ટેરાબાઇટ્સ હતો. તેમણે ૨૦૧૭ માં ‘પેરેડાઇઝ પેપર્સ’ ખુલ્લા કર્યા હતા જેનો જથ્થો ૧.૪ ટેરાબાઇટ્સ હતો. સોમવારે તેમણે ‘પેન્ડોરા પેપર્સ’ ખુલ્લા કર્યા છે, જેનો જથ્થો ૨.૯૪ ટેરાબાઇટ્સ છે. સમજાય એવી ભાષામાં કહેવું હોય તો કોરા સત્ય સાથે નિસ્બત ધરાવનારા ૬૦૦ પત્રકારોએ પેન્ડોરા પેપર્સની કુલ એક કરોડ ૧૯ લાખ ફાઈલોની ચકાસણી કરી હતી. આના ઉપરથી સમજાશે કે દુનિયાના  મૂલ્યનિષ્ઠ ૬૦૦ પત્રકારોએ ત્રણ ખેપમાં ઓછામાં ઓછી અઢી કરોડ ફાઈલો શોધી કાઢી હતી જેમાં શાસકોને પોષનારા અને પ્રજાને સુવડાવનારાઓના ગોરખધંધાની વિગતો મળે છે. અઢી કરોડ ફાઈલો! કલ્પના કરો, દુનિયા કઈ દિશામાં જઈ રહી છે અને એમાં આપણે અદના નાગરિકો ક્યાં છીએ! આ તો હાથ લાગેલી ફાઈલો છે, જે હાથ નથી લાગી એ તો મહાસાગર હશે.

પેન્ડોરા પેપર્સ એમ કહે છે કે દુનિયાના ૯૦ દેશોના ૩૫ શાસકો (આજી અને માજી વડા પ્રધાન, પ્રમુખ કે સરમુખત્યાર), ૯૦ દેશોના ૩૦૦ કરતાં વધુ સરકારી સેવકો (આજી અને માજી પ્રધાનો, અધિકારીઓ, લશ્કરી અધિકારીઓ, જજો અને શહેરોમાં સત્તા ધરાવતા મેયરો), સો કરતાં વધુ અબજોપતિઓ અને બીજા હજારેક લોકો પોતપોતાના દેશના કાયદાઓથી બચવા એવા કેટલાક દેશોમાં નાણું છુપાવે છે, જ્યાં તેમને વ્યાજ ભલે નથી મળતું, પણ ગુપ્તતાનું કવચ મળે છે. જો પોતાના દેશમાં ઇન્કમટેક્ષ રીટર્ન ભરીને આવક બતાવે તો વેરો ચૂકવવો પડે.

એ પૈસા ક્યાંથી આવ્યા અને કયે માર્ગે આવ્યા એ બતાવવું પડે. વેરા પેટે એક રૂપિયાની આવકમાંથી ૩૦ થી ૪૦ પૈસા ઘસાઈ જાય અને ઉપરથી ખોટા માર્ગે પૈસા રળ્યા હોય તો ગુનો ગણાય એના કરતાં એવા દેશોમાં પૈસા છૂપાવવા સારા જ્યાં વ્યાજ પેટે આવક ભલે ન થાય, પણ વેરા પેટે નુકસાન ન થાય અને ગુનો કર્યો હોય તો ગુનેગાર ન ઠરે. આખરે દેશપ્રેમી ખરા ને! સૌથી મોટું ઉદાહરણ બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું છે. આ સાહેબ દેશપ્રેમી રાષ્ટ્રવાદી છે અને તેમણે પણ ઇસ્લામ અને મુસલમાનને દુશ્મન તરીકે પાળ્યા છે, જેને યુરોપમાં ઇસ્લામોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે.

૨૦૧૯ માં વડા પ્રધાન બન્યા એ પહેલાં મુસલમાનો અને ઇસ્લામ વિષે ગમે તેમ બોલતા હતા, પણ હવે સાચવીને બોલે છે. વડા પ્રધાન બન્યા એના વરસ પહેલાં ‘ડેઈલી ટેલિગ્રાફ’માં લખેલા લેખમાં તેમણે બુરખા પહેરેલી મુસ્લિમ મહિલાના દેખાવની સરખામણી ટપાલપેટી અને બેક લૂંટનારા (બેંક રોબર્સ)ઓ સાથે કરી હતી. તેઓ પણ અંગ્રેજ પ્રજાને ઇસ્લામ અને મુસલમાનોથી ડરાવીને સત્તામાં આવ્યા છે. હવે પેન્ડોરા પેપર્સમાં બહાર આવ્યું છે કે વડા પ્રધાન બનવા માટેના પ્રચારનો તેમણે જે ખર્ચો કર્યો હતો એમાં સૌથી મોટું યોગદાન મહમદ અમરસી નામના મુસલમાન કુબેરપતિનું હતું, જેણે ઉઝબેકિસ્તાનના પ્રમુખની દીકરીને બાવીસ કરોડ ડોલર્સની લાંચ આપી હતી. તો પછી પેલો ઇસ્લામ અને મુસલમાનનો ભય કોના માટે છે? બુદ્ધિશાળી વાચકો જવાબ શોધી લેશે. 

૯૦ દેશોના દેશપ્રેમીઓએ કરેલા ગોરખધંધાની વિગતો અહીં આપવી શક્ય નથી એટલે આપણે આપણા પોતાના કાંચન જેવા પવિત્ર દેશપ્રેમીઓની વાત કરીએ. એ પણ બે-પાંચ લોકોની, કારણ કે પેન્ડોરા પેપર્સમાં ૩૦૦ કરતાં વધુ ભારતીયોનાં નામ છે. જે વાચકોને દેશમાં અને દુનિયામાં પ્રજાને કેફમાં કેવા ગોરખધંધા ચાલી રહ્યા છે એ જાણવું હોય એ વાચકોએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને એવા બીજા મીડિયાનો સંગાથ સેવવો જોઈએ. જેમને અર્ણવવાદ્ય સાંભળવાથી નશો ચડે છે એમના માટે એ અખબારો નથી.

અનિલ ધીરુભાઈ અંબાણીએ દેશની સરકારી બેંકોના ૮૦ હજાર કરોડ રૂપિયાનું આંધણ કરી નાખ્યું છે અને નાદારી જાહેર કરીને હાથ ઊંચા કરી નાખ્યા એ તો તમે જાણો છો. તમને એ પણ યાદ હશે કે તેમની સામે ત્રણ ચીની બેન્કોએ લંડનની કોર્ટમાં પૈસાવસુલી માટે દાવો કર્યો હતો. એ મુકદમો અનિલભાઈ હારી ગયા હતા અને તેમને કુલ ૭૧ કરોડ ૬૦ લાખ ડોલર્સ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અનિલભાઈએ અદાલતને કહ્યું હતું કે તેઓ નાદાર છે અને સંપત્તિમાં તેમની પાસે ફૂટી કોડી નથી.

લંડનની અદાલતે એ બહાનાને કાને ધર્યું નહોતું અને કાં પૈસા ચૂકવો અને કાં જેલમાં જાવ એવો આદેશ આપ્યો હતો. ધીરુભાઈ અંબાણીનો પુત્ર જેલમાં જાય એનાથી પરિવારનું ભૂંડું લાગે માટે મોટા ભાઈ તરીકે મુકેશ અંબાણીએ અનુજ વતી પૈસા ચૂકવી દીધા હતા. હવે બહાર આવ્યું છે કે અનિલ અંબાણીના વિદેશની બેન્કોમાં એક અબજ ૩૦ કરોડ ડોલર્સ, એટલે કે ચીની બેંકોને જેટલા પૈસા ચૂકવવાના હતા તેનાથી લગભગ બમણા પૈસા છૂપાવેલા પડ્યા છે. આપણને ખબર નથી કે મોટા ભાઈને પણ અનુજે છૂપાવેલા પૈસાની જાણ કરી હતી કે નહીં. આ દેશભક્ત ઉદ્યોગપતિને દેશભક્ત સરકારે, જરૂર પડી તો ખુદ સરકારને નુકસાન પહોંચાડીને પણ રાફેલનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.

બીજા દેશભક્તોમાં ડગલે ને પગલે જેમનું નામ સર્વત્ર જોવા મળે છે એ અદાણી પરિવારના જ્યેષ્ઠ વિનોદ અદાણી છે. એમની દેશભક્તિ જોઇને સરકાર સર્વત્ર ન્યોચ્છાવર કરી રહી છે.  ક્રિકેટર સચિન તેંડુલકર એમાં છે. એમની દેશભક્તિના શિરપાવ તરીકે આગલી સરકારે તેમને રાજ્યસભાનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. બીજા એક નિવૃત્ત લશ્કરી અધિકારી લેફ્ટનન્ટ જનરલ રાકેશ કુમાર લૂંબા છે. લશ્કરી ખાતામાં જેટલો ભ્રષ્ટાચાર છે એટલો બીજા કોઈ ખાતામાં નથી, કારણ કે એમાં સંરક્ષણના નામે ગોપનીયતાનો લાભ મળે છે. ગાંધી પરિવારના એક સમયના મિત્ર કેપ્ટન સતીશ શર્મા છે, જેમનું હમણાં જ નિધન થયું છે અને હા, ઇકબાલ મિર્ચીનો પણ એ મહાનુભાવોની યાદીમાં સમાવેશ થાય છે! છેલ્લે, કોઈને કાંઈ થવાનું નથી. કોઈ જેલમાં જવાનું નથી, લખી રાખજો!  
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top