સુરત: (Surat) સુરત શહેરના ઉત્રાણ (Utran) ગામમાં ધાબાના વડ પાછળ તાપી (Tapi) કિનારે આખી રાત દરિમયાન ચાલુ થયેલા ગેરકાયદે રેતીખનન (Illegal Sand Mining) છતાં જિલ્લા ભૂસ્તરશાસ્ત્ર (Geology) કચેરીને રેતીચોરો (Sand Mafia) હાથે લાગતા નથી.
- રેતીચોર અરવિંદ પાસે પોતાની ચાર બોટ છે, ટ્રકને નીચે ઉતારવા માટે રસ્તો પણ બનાવી દીધો છે
- સિમેન્ટની ગુણમાં રેતી ભરીને નદીમાંથી આવવાના દાદર પણ અરવિંદે બનાવ્યા છે
- સ્થાનિક લોકોની સાથે પોલીસ સાથે પણ સેટિંગ કરી લીધું હોવાથી ભૂસ્તરની ટીમ ખાલી હાથે પરત ફરી
સુરત શહેરમાં વીતેલા કેટલાંક સમયથી ગેરકાયદે રેતીખનનની પ્રવૃતિએ માઝા મૂકી છે. ભૂસ્તર વિભાગના કેટલાંક માણસો સાથે ગોઠવણ કરી રેતીચોરોએ ગેરકાયદે ખનન શરૂ કરી દીધું છે. શહેરના પાલ, અડાજણ, વરિયાવ ડભોલી બાદ હવે રેતીચોરોએ ઉત્રાણ ગામના તાપી પટને પણ ઉલેચવાનું શરૂ કરી દીધું છે. આ અંગે સ્થાનિક લોકોમાં લાંબા સમયથી રોષ છે. પરંતુ જિલ્લા ખાણખનિજ વિભાગની લાપરવાહીને કારણે રેતીચોરોને બખ્ખા થઇ ગયા છે. ઉત્રાણ ગામના ધાબાના વડ નજીક મહાદેવ મંદિરના પાછળના ભાગે અરવિંદ નામનો રેતીચોર રાતના અંધકારમાં ગેરકાયદે રીતે રેતી ઉલેચી રહ્યો છે. રાત્રે દસથી સવારે છ દરમિયાન એક હજાર ટન કરતા વધારે રેતી કાઢવામાં આવી રહી છે.
અરવિંદ પાસે પોતાની ચાર બોટ છે અને બાકી હતું તે તેને ગામના સ્થાનિક લોકો અને નજીકના પોલીસ વિભાગને સાધી સેટઅપ ગોઠવી દીધો છે. રેતીચોરોને કાબુ રાખવાને બદલે તંત્ર સાથે બેસી જતા આ વિસ્તારમાં બેરોકટોક રેતીખનન ચાલી રહ્યું છે. આ સ્થળે નીચે ટ્રક ઉતરે તે માટે રસ્તો પણ બનાવી દીધો છે. તાપીમાંથી કાઢેલી રેતી નાંખવા માટે રેતીચોરોએ સિમેન્ટની બેગમાં રેતી ભરી દાદર પણ બનાવી દીધા છે. રેતીચોરને પકડવાના ભૂસ્તર વિભાગના આ ખુલાસા ગળે ઉતરે તેમ નથી. કારણ કે ભૂસ્તર વિભાગની કચેરીના ટેબલના કેટલાંક માણસોએ કચેરીમાં અડ્ડો જમાવી બેસતા દલાલો સાથે મળી મોટો ખેલ પાડી દીધો છે. જેને કારણે ભૂસ્તર વિભાગની ટીમ પહોચે તે પહેલા રેતીચોરો સ્થળ છોડી પલાયન થઇ જાય છે.
ઉત્રાણ અમરોલીમાં સતત વોચ ગોઠવી છે: સુનિતા અરોરા
સુરત જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી સુનિતા અરોરાએ કહ્યું હતું કે, ઉત્રાણ અને અમરોલી વચ્ચે ગેરકાયદે રેતીખનન અંગે જે બૂમ સંભળાઇ રહી છે તેની ઉપર સતત નજર રાખવામાં આવે છે. ભૂસ્તર વિભાગની ટીમે વોચ ગોઠવી છે. જેવા રેતીચોરો હાથે લાગે એટલે કડક કાર્યવાહી કરવા તેમણે ધરપત આપી છે.
માંડવીના ધાતાવા ખાતે 36 લાખનો મુદ્દામાલ સિઝ્ડ કરાયો
ભૂસ્તર વિભાગની ટીમે માંડવી તાલુકાના દિવસ અને ધાતાવા ગામમાં તપાસ કરી હતી. આ તપાસમાં તાપી નદીમાં સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર ખનન કરવા બાબતની ફરિયાદને પુષ્ટિ મળી હતી. આકસ્મિક તપાસ કરતા ઉકત સ્થળે ભૂસ્તર વિભાગની ટીમે ૦૨ યાંત્રિક નાવડી તથા ૦૨ હિટાચી મશીન અને ૦૧ ટ્રક દ્વારા સાદિરેતી ખાનીજનું ગેરકાયદેસર ખનન કરવા બદલ સિઝ્ડ કરી કુલ ૩૬ લાખનો મુદ્દા માલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.