વસાહતીઓના વતન તરીકે ઓળખાતો અમેરિકા દેશ વિશ્વભરમાંથી સૌથી વધુ લોકોને આકર્ષતો દેશ છે. અમેરિકામાં વસવા માટે દુનિયાભરમાંથી લોકોનો ભારે ધસારો રહે છે. તેમાં પણ ભારત, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, શ્રીલંકા જેવા એશિયન દેશોમાંથી અમેરિકામાં વસવા આવવા માગતા લોકોનો મોટો ધસારો રહે છે. લેટિન અમેરિકન દેશોમાંથી પણ મોટો ધસારો રહે છે. કાયદેસર રીતે વર્ક વિઝા પર અન્ય વિઝાઓ વડે આવતા લોકો અને અમેરિકામાં કાયદેસર રીતે ગ્રીન કાર્ડ મેળવીને કાયમી વસવાટના હકદાર બનતા લોકો ઉપરાંત એક મોટો વર્ગ એવો છે કે જે અમેરિકામાં ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યો છે.
આવા વર્ગમાં બે પ્રકારના લોકો આવે છે એક તો જેઓ કાયદેસરના વિઝા પુરા થઇ ગયા બાદ પણ વસવાટ ચાલુ રાખતા લોકો અને બીજા અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીને વસી જતા લોકો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ બીજા પ્રકારના લોકોની સંખ્યા અમેરિકામાં ઘણી વધી ગઇ છે. આ ગેરકાયદે ઘૂસણખોરો અમેરિકામાં મોટે ભાગે દક્ષિણની મેક્સિકો જમીન સરહદેથી કે પછી દરિયાઇ માર્ગે આવીને સૂના, ચોકી વગરના કાંઠેથી ઘૂસી જતા હોય છે.
હાલ છેલ્લા કેટલાક સમયમાં ઉત્તરેથી કેનેડાની સરહદેથી જમીન માર્ગેથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે લોકો પ્રવેશ્યા હોય તેવા બનાવો પણ નોંધાયા છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા લોકોને લઘુતમ વેતન દરો કરતા ઓછા દરે વેતન આપીને અનેક નાના ધંધાકીય એકમો નોકરીએ રાખે છે અને તેને કારણે અમેરિકામાં વેતનના દરો પણ બગડે છે અને આવા ઘૂસણખોરો અન્ય રીતે પણ બોજ ઉભો કરે છે તેથી આ સમસ્યા અમેરિકામાં આર્થિક સમસ્યા પણ સર્જી રહી છે.
વળી, આ ગેરકાયદે ઘૂસણખોરોમાંથી ઘણાને સ્વીકારી લેવા રાજકીય દબાણ જેવી બાબતો પણ કામ કરે છે. હાલમાં બાઇડન વહીવટીતંત્રે જણાવ્યું છે કે તે તેવા હજારો વેનેઝુલિયનોને હંગામી કાયદેસરતાનો દરજ્જો આપશે જેઓ અમરિકામાં પ્રવેશી ગયા છે. આનાથી તેઓ અમેરિકામાં જીવન નિર્વાહ માટે કામ કરી શકશે, જ્યારે આ પ્રશાસન દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલાથી તથા અન્યત્રથી મેક્સિકો સરહદ મારફતે અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસી રહેલા લોકોની વધતી સંખ્યાના મામલે દબાણ હેઠળ આવી ગયું છે.
આ પગલું તથા ઘણા માઇગ્રન્ટો માટે વર્ક પરમિટને વેગ આપવાના વચનો તે ડેમોક્રેટ નેતાઓને રાજી કરી શકે છે કે જેઓ શરણ માગનારાઓ માટે વધુ કાર્ય કરવા માટે વ્હાઇટ હાઉસ પર દબાણ લાવી રહ્યા છે, જ્યારે આનાથી રિપબ્લિકનો નારાજ થઇ રહ્યા છે જેઓ કહે છે કે ઇમિગ્રેશનના મામલે પ્રમુખ વધુ પડતું ઢીલુ વણલ અપનાવી રહ્યા છે. હોમલેન્ડ સિકયુરિટી ડીપાર્ટમેન્ટ તેવા અંદાજે ૪૭૨૦૦૦ વેનેઝુએલનોને હંગામી રક્ષિત દરજ્જો આપવાનું આયોજન કરી રહ્યું છે.
આ પહેલા ૨૪૨૭૦૦ વેનેઝુએલનો તો હંગામી કાયદેસરના દરજજા માટે લાયક ઠરી જ ચુક્યા છે. જો કે હોમલેન્ડ સિકયુરિટી ડીપાર્ટમેન્ટે એવા ઘણા કુટુંબોને હાંકી કાઢવાનું પણ શરૂ કર્યુ છે જેમને અમેરિકામાં રહેવાનો કોઇ આધાર જણાયો નથી. મે ૧૨થી લઇને અત્યાર સુધીમાં ૧પ૦ કરતા વધુ દેશોના અઢી લાખથી વધુ લોકોને હાંકી કાઢવામાં આવ્યા છે. આ બધી બાબતો જોતા સમજી શકાય છે કે અમેરિકી સરકારે ગેરકાયદે ઘૂસણખોરોની બાબતમાં કેવી રીતે કાર્ય કરવું પડે છે.
આપણે ઉપર જોયું તેમ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી મોટે ભાગે દક્ષિણની મેક્સિકો સાથેની જમીન સરહદેથી થાય છે. એકંદરે ગરીબ દેશ એવા મેક્સિકોમાં પ્રવેશ મેળવવો સહેલો છે. ત્યાં પ્રવેશીને બાદમાં આવા ઘૂસણખોરો જમીન સરહદેથી સુરક્ષા ચોકિયાતોની નજર ચુકવીને અમેરિકામાં ઘૂસવા પ્રયાસો કરતા હોય છે. આ સરહદ અનેક રીતે મુશ્કેલ છે અને ભયંકર સંજોગોનો સામનો ત્યાં કરવો પડે છે છતાં ઘૂસણખોરો ગમે તેમ કરીને ત્યાંથી પણ અમેરિકામાં પ્રવેશવા પ્રયાસો કરે છે. મોટે ભાગે લેટિન અમેરિકન દેશોમાંથી આ સરહદેથી પ્રવેશનારાઓનો ધસારો ભારે રહે છે. કેટલાક તો માર્યા પણ જાય છે. આપણા કેટલાક ગુજરાતી યુવાનો પણ આ સરહદેથી ઘૂસતા માર્યા ગયા હોવાના બનાવ બન્યા છે. આ લાંબી સરહદે વાડ બનાવવાનું કામ મુશ્કેલ છે અને હજી સુધી પૂર્ણ થઇ શક્યું નથી. અને તે પૂર્ણ થયા પછી પણ ગેરકાયદે ઘૂસણખોરી અટકે તેની કોઇ ખાતરી નથી.