ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશ – આઈઆઈટીઈ) ગાંધીનગર દ્વારા 15 જૂનથી સેન્ટર ઓફ એજ્યુકેશન તથા ટીચર યુનિવર્સિટી સાથે સંલગ્ન રાજ્યની બી.એડ. કૉલેજોમાં વિવિધ સ્નાતક, અનુસ્નાતક અને શિક્ષણ વિદ્યાશાખામાં રીસર્ચના કાર્યક્રમોમાં અભ્યાસ વર્ષ 2021-22માં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઇન એપ્લિકેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આઈઆઈટીઈના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતુ કે, “ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ફોર ટીચર ટ્રેઇની એ પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવા માટેની ક્ષમતા ચકાસવા માટેની પ્રવેશ પરીક્ષા છે.
આ પરીક્ષા માટેની એપ્લિકેશન આઈઆઈટીઈની વેબસાઇટ પર ઓનલાઇન કરવાની રહેશે. તા. 15 જૂનથી શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં 10 જુલાઈ સુધી ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે.” તેમણે વધુમાં કહ્યું હતુ કે, “ કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની અનુકૂળતા માટે ઓનલાઇન પ્રવેશ પરીક્ષાનું આયોજન કર્યું છે અને આયોજનની દૃષ્ટિએ વૈકલ્પિક વ્યવસ્થા માટે ઓફલાઇન પરીક્ષાની તૈયારી પણ કરી છે. જેનો નિર્ણય તે સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો પરીક્ષાની યોગ્ય તૈયારી કરી શકે તે માટે આઈઆઈટીઈની વેબસાઇટ પર ગત વર્ષોમાં લેવાયેલી પરીક્ષાના પ્રશ્નપત્રો, વિષયોની માહિતી મૂકી છે.
આ ઉપરાંત વેબસાઇટ પર એડમિશન બુકલેટ પર અપલોડ કરવામાં આવી છે, જેમાંથી આઈઆઈટીઈ સાથે સંલગ્ન વિવિધ B.Ed. કૉલેજોની યાદી અને અન્ય વિગતો મેળવી શકાશે. પ્રવેશ પરીક્ષાનું પરિણામ 22 જુલાઈના રોજ જાહેર થશે અને ત્યારબાદ 2 ઓગસ્ટથી યુનિવર્સિટીમાં અભ્યાસકાર્યની શરૂઆત થશે.” આઈઆઈટીઈના સેન્ટર ઓફ એજ્યુકેશન દ્વારા B.Sc.-B.Ed. તથા B.A.-B.Ed.ના ચાર વર્ષના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો ઉપરાંત, ત્રણ વર્ષના ઇન્ટિગ્રેટેડ ઇનોવેટિવ M.Sc./M.A.-M.Ed., ત્રણ વર્ષના ઇન્ટિગ્રેટેડ B.Ed.-M.Ed., બે વર્ષના M.Ed. અભ્યાસક્રમો અને શિક્ષણ વિદ્યાશાખામાં સંશોધનાત્મક કાર્યક્રમો M.Phil. તથા Ph.D. ચલાવવામાં આવે છે. આ ઇન્ટિગ્રેટેડ કોર્સમાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ ચાર વર્ષમાં બે બેચલર ડિગ્રી મેળવી શકે છે.
આ ઉપરાંત ગત વર્ષથી રાજ્યની અન્ય તમામ યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ B.Ed. કોલેજોનું જોડાણ આઈઆઈટીઈ સાથે થયું છે. આ તમામ કોલેજોના બે વર્ષના B.Ed. અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા પણ આઈઆઈટીઈ દ્વારા હાથ ધરવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયા આઈઆઈટીઈ સંલગ્ન રાજ્યની સરકારી B.Ed. કૉલેજોની 2950 બેઠકો, આઈઆઈટીઈ ખાતે ચાલતા ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો B.Sc.-B.Ed. તથા B.A.-B.Ed. ની 100-100 બેઠકો તથા ઇનોવેટિવ કોર્સ M.Sc./M.A.-M.Ed. કોર્સની 100 બેઠકો તથા ઇન્ટિગ્રેટેડ B.Ed.-M.Ed. કોર્સની 50 બેઠકો, M.Ed. ગુજરાતી માધ્યમ અને M.Ed. અંગ્રેજી માધ્યમની અનુક્રમે 50-50 બેઠકો, ઉપરાંત B.A.(Education) તથા M.A. (Education) માટે કરવામાં આવશે. આઈઆઈટીઈમાં અભ્યાસ કરવા માટેની પ્રવેશ એપ્લિકેશન યુનિવર્સિટીની વેબસાઇટ www.iite.ac.inપર 15જૂનથી 10જુલાઈ, 2021સુધી કરી શકશે. આ માટેની લિંક http://portal.iite.ac.in/admission/છે.