Comments

વખાણ સાંભળવા હોય તો એકવાર મરવું પડે !

દુનિયાનો તો. દસ્તુર છે કે, ચાર માણસ ત્યારેજ સીધા ચાલે જ્યારે પાંચમું કાંધ ઉપર ઠાઠડીમાં કફન ઓઢીને સુતું હોય..! જીવતો હોય ત્યારે ઊંચકી લેતા ફોડચી કઇડે, ને મરે ત્યારે સ્મશાન સુધી મુકવા જાય..! આહુંડાની પાઈપ લાઈન ફાડી નાંખે..! મરનાર માટે કરુણાનિધાન બની જાય જીવતો લાખનો ને મરેલો સવાલાખનો તે આનું નામ..! એમાં શોકસભા જો મળી હોય તો એવું શુરાતન ચઢે કે. જાણે જીગરજાન નાં હોય..?  તો તો ખલ્લાસ..! સંત તુલસીદાસે ભગવાન શ્રી રામના વખાણ નહિ કર્યા હોય એનાથી વધારે વખાણ મરનારની  શોકસભામાં કરે. એવું મોછલું-મોછલું બોલે કે, સાંભળનારને મધુપ્રમેહ થઇ જાય..! આપણે વિચાર કરતા થઇ જઈએ કે, ગઈકાલ સુધી તો આ ભમરડો મરનારની કૂથલી કરતો હતો. ને કેવા જેઠીમધના મુળિયા ચાવે છે..? તારા કપાળમાં કાંદા ફોડું..!

આ ધરતી ઉપર અમરપટો લઈને કોઈ ટપકેલું નથી, એ બધા જ જાણે છે. બધા જ અમુક સમય સુધીના વિઝા લઈને આવેલા. ધરતી ના વિઝા પુરા થાય એટલે, ચુપચાપ ચાલતી જ પકડવાની હોય. પણ પ્રોબ્લેમ બે વાતનો છે, કે એકલો પતી જાઉં, ને બાકીના જલસા કરે એ નહિ ચાલે..!  ઈચ્છાઓ અધુરી રહી જાય. ને શ્વાસ પૂરા થઇ જાય તે તો મુદ્દલે નહિ ફાવે..! એ તો સારું છે કે, ભગવાનના સરનામાં ધરતી ઉપર નથી, બાકી મોટી ઉમરવાળાને પડતો મુકીને,  નાલ્લાને ઉંચકી લીધો તો ભગવાન ઉપર પણ ભ્રષ્ટાચારનું પ્રેસર લાવે..! તંઈઈઈ?  શરમ નહિ રાખે..!

દુનિયા એક રંગભૂમિ છે મામૂ..! ને માણસ છે અભિનય સમ્રાટ..! પ્રસંગ પ્રમાણે એ અભિનય પણ કરે, ને વેશ પણ ભજવે..! સ્વાર્થ હોય તો પંચામૃત પીરસે, ને ગરજ પત્યા પછી. બારમાના લાડુ પણ શોધે. નહિ એને માપી શકાય, ને નહિ એને પામી શકાય. માણસને સમજવો અઘરો છે મામૂ..! સામે મળે તો મધઝરતું બોલે, ને પીઠ પાછળ આપણા જ નામની છાતી ફૂટે..!  મૃત્યુનો ભય એ  જીવતરનું સ્પીડ બ્રેકર છે. આધુનિક ગીતા છે. જીવનમાં બધા આઘાત સહન થાય, પણ મૃત્યુની હવા લાગી તો, બાહુબલીના ફુગ્ગામાંથી પણ હવા નીકળી જાય. ‘પોચકા મનના માનવીના તો હૈયા હલવા માંડે. હૈયું, ડાબેથી જમણે ચાલી જાય ને ફેફસાની બખોલમાં સંતાય જાય..! (વધારે પડતું લખાય ગયું ને..? ચાલવી લેજો યાર..!)

મૃત્યુનો ડર જ એવો છે દાદૂ..! અમુક તો એવા ઋજુ હૃદયના હોય કે, છાપામાં  શ્રધ્ધાંજલિ વંચાય ગઈ હોય તો પણ ફરી ન્હાવા જાય. એવા ઘનઘોર શ્રધ્ધાળુ..! ત્યારે અમુક એવા અઘરા કે, શ્રધ્ધાંજલિથી જ છાપું વાંચવાની શરૂઆત કરે..! ત્યાં સુધી  પેટ જ સાફ નહિ આવે..!  શ્રધ્ધાંજલિ વગરનું છાપું આવે તો છાપા બદલી નાંખે એવા..! મરનારના પરિવાર માટે ભલે શ્રધ્ધાંજલિ કહેવાય, પણ કેટલાક ગૃહ-કેદીઓ (ઘરમાં ગોંધાયેલા) માટે તો એ ‘ખુશ ખબર’ હોય. એટલા માટે કે એકાદ ઓળખીતાનું બેસણું નીકળે તો, ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે એ બહાને બહાર પગ છુટા કરવા નીકળાય, ને વોકિંગ થાય તે બોનસ..! જુના મિત્રોને મળે, પ્રેમ-ગોષ્ઠી થાય, અને એકબીજાની  બળતરાની  આપ-લે તો થાય..! કરાય . બાકી બેસણું તો એક બહાનું જ હોય..!

એક પણ માણસ એવો ના હોય કે, જે કોઈના બેસણામાં ના ગયો હોય. ઘરે મરણની કાળપત્રિકા તો આવી જ હોય..! એમાં કોઈની શોકસભા રાખી હોય ત્યારે તો, ઘેલા-ઘેલા થઇ જાય. જથ્થાબંધ માણસ મળે એની ખુશી તો અલગ જ હોય ને મામૂ..? જો કે, બેસણામાં જવું, બોલવું ને વર્તવુંની પણ એક સીસ્ટમ છે. અમુક તો બેસણાને બદલે, કોઈની સળી કરવા આવ્યા હોય એમ, સખણા જ નહિ રહે. ભૂલી જાય કે, આપણે બેસણામાં આવ્યા છે, સાળીના સીમંતમાં આવ્યા નથી..! હરામ્મ બરાબર જો બેસણાનો મલાજો સાચવતા હોય તો..!

મોંઢામાં માવો દબાવીને જ આવે..! પિચકારી ગળતો જાય ને, કોઈની કૂથલી કરતો જાય. જીવતા જીવત મરનારની કૂથલી કરવામાં બાકી મુક્યો ના હોય, પણ શોક્સભામા એવું કરુણા-પ્રધાન સંબોધન કરે કે, એનું ભાષણ સાંભળીને, સાંભળનારને મધુપ્રમેહ થઇ જાય..! બોલનારને રોકે કોણ..? બોલનારના મોંઢે કોઈ ઢાંકણ રહેતું નથી. એ ફાવે તેમ પણ બોલે, ને સામાને જે  ‘ફાવે’ તેમ પણ બોલે..!  ખુલ્લા ગરનાળા જેવા..! પીઠ પાછળ “હોઓહાઆઆ”  પણ કરે ને સામે મળે તો “હાહાહીહી” પણ કરે. જેવા જેવા જોગ ને  સંજોગ..!

લગનનો માંડવો આંગણે બંધાય કે નહિ બંધાય, પણ દરેકના નાના મોટા બેસણા તો થાય જ.! હવે એવું નહિ પૂછતાં કે એને બેસણું જ કેમ કહેવાય, ‘ઉભણું’ કેમ નહિ? (અઘરા સવાલ પૂછવાની સખ્ત મનાઈ છે..!) બેસણું હોવા છતાં અમુક તો પગરખાને તડકે મુકવા આવ્યા હોય એમ ‘ઉભણા’ કરવા જ આવ્યા હોય. જે જે કરીને ચાલતી પકડતા પણ જોવા મળે. મરણ છે ભાઈ..! આજે એનો વારો તો કાલે આપણો વારો પણ આવે, ભરોસો નહિ..!  લગનના માંડવા બંધાય એમ, બેસણાના માંડવા બાંધવાનો પણ સમય આવવાનો જ છે. લગનમાં નહિ જવાય તો ચાલે પણ ખરખરો કરવા તો જવું પડે. એટ-લીસ્ટ મોઢું બતાવવા પણ આંટો તો મારવો પડે..!

તકલીફ હસતા ચહેરાવાળાને પડે. એવા લોકો દર્દ કરતા હાસ્યના બંધાણી વધારે હોય. બિચારા નકલી  દેખાડો ચહેરા ઉપર ક્યાં સુધી ટકાવે..? જેની મુખમુદ્રા ઉપરથી હાસ્ય વીલાતું જ ના હોય, એના માટે ગંભીર બનવું ખાવાના ખેલ નથી. જે ગંભીર હોય એને જ અશુભ પ્રસંગમાં ફાવટ વધારે આવે..! ચમનીયો એટલે ચાર્લી ચેપ્લિનનો અવતાર..! બેસણામાં પણ સંગીત ખુરશીની રમત રમતો હોય એમ, ચારેય બાજુ ફરી વળે. એકવાર મારી સાથે હું એને  એક બેસણામાં લઇ ગયેલો. બેસણું હોલમાં રાખેલું હતું. મને કહે,’ રમેશીયા..! આ ફોટાવાળા ભાઈના બેસણામાંતો હું આ છઠ્ઠી વખત આવ્યો..! મેં કહ્યું, ‘ તું જે ફોટો જુએ છે એ મરનારનો નથી, આ હોલના દાનદાતાનો છે.

મરનારનો ફોટો તો નીચે ટેબલ ઉપર છે, જેના ઉપર સુખડનો હાર ચઢાવેલો છે.  જેના અંતર બળેલા હોય. નિર્ણાયક શક્તિ ઉછીની હોય, વિચારોમાં ઉકરડા હોય. વાણી વર્તનમાં મીંડા હોય, વ્યવહારમાં ભમરડા હોય, સબંધોમાં ખારપાટ હોય, લાઈફબોય ને બદલે વાઈફ્બોય સાબુથી જ ન્હાતો હોય, એના જીવનમાં પૂનમ હોતી નથી, અમાસ જ હોય..! આવા લોકો બેસણું હોય, સાદડી હોય કે શોકસભા હોય, બોલવા ઉભા થયા તો એવો બફાટ કરે કે, શોકસભા, જોક્સભામાં ફેરવાય જાય. ચમનીયાનો સાઢુભાઈ મોબાઈલનો ભારે બંધાણી. એની શોકસભામાં ચમનીયાએ મોબાઈલની ભાષામાં શ્રધ્ધાંજલિ આપેલી.

 “ જીવન એનું મરણ છે, મોબાઈલ કોઈપણ કંપનીનો મોંઘોદાટ હોય, પણ સીમકાર્ડ વગર એ નકામો છે. આપ સૌને ખબર છે કે, સંબંધે એ મારા સાઢુભાઈ થતા હતા. અમે બંને એક જ કંપનીના છેતરાયેલા ગ્રાહક હતા. પણ જેમનું જીવન છે એમનું મરણ છે, અને જેમનું મરણ છે એમનું બેસણું છે. તેઓ કાયમ ‘ઓન-લાઈન’ રહેતા. સવારે એમનો good morning નો મેસેજ આવતો, અને રાતે good night નો  મેસેજ આવતો. તેઓ કાયમ ફેસબુકમાં દર્શન આપતા, અને રૂબરૂ મળ્યા જેટલો આનંદ થતો. આજે એમનો સીમકાર્ડ મોબાઈલ છોડીને ચાલી જતા, તેઓ off-line બન્યા છે, અને મેં મારું good-night અને good-morning ગુમાવ્યું છે. આ ખોટ નાની સુની નથી.  મારી ઘણી postને તેઓ like આપતા હતા. ભગવાન એમને શાંતિ આપે અને સ્વર્ગમાં પણ તેમને મોબાઈલ આપે એવી પ્રાર્થના કરું છું…! “  તારા કપાળમાં કાંદા ફોડું..!

લાસ્ટ ધ બોલ
મચ્છરો સમયસર સાત વાગ્યે ઘરમાં આવી જાય, મોડા પડતા નથી. પણ આજની પેઢીનો ભરોસો નહિ એ ક્યારે ઘરમાં આવે..!તારા કપાળમાં કાંદા ફોડુ…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top