ખરેખર નવું નવું શિખવાની કોઈ જ ઉંમર હોતી નથી. ધીંગી ધીરજ હોય ને પ્રચંડ પુરુષાર્થ ઉચ્ચ સંકલ્પ શક્તિ હોય તો આજે પણ કોઈ પણ ઉચ્ચ સિદ્ધિ મેળવી શકાય છે. સામાન્યત: લોકો સાંઠ વર્ષ પછી નિવૃત્ત થઈ બહુધા મૃત્યુની રાહ જોતા હોય છે. હાલ 95 વર્ષની વયના ગત વર્ષે ભગવાની દેવી ડાંગરે ફિન્લેંડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સમાં ચેમ્પયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવી દુનિયાને ચોંકાવી દીધી છે. સાનિયા મિર્ઝા, પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, કુ.ગાયકવાડ નાની વયમાં જ નામ રોશન કર્યું છે. એમની પ્રલંબયાત્રા રોચક રહી છે.
શ્રી રાજીવ ગાંધી સ્પોર્ટસ એવોર્ડ મેળવનારા પૌત્ર વિકાસ ડાંગર જાણીતા એથ્લેટ છે. પતિના મૃત્યુ પછી પુત્ર અને પરિવારની જવાબદારી એમના શીરે આવતાં ખેતરમાં કામે ગયા છે. તેઓ દોડવાની પ્રેક્ટીસ માટે સાંજ સવાર ગામમાં દોડતા એક વર્ષ ઘર આંગણે તાલીમ લીધી હતી. દિલ્હીમાં ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ ચેન્નાઈમાં ત્રણ ગોલ્ડ મેડલ, ઈંગ્લેન્ડમાં એક, બે બ્રોન્ઝ મેડલ જીતી પાકટ વયે ઈતિહાસ સર્જી દીધો છે. એમનું ફિટનેશ રહસ્ય શુધ્ધ સાત્વિક ખોરાક દુધ, દહીં, જુવાર મકાઈના રોટલા છે. એક વખત હાર્ટની સર્જરી પણ કરાવી છે. દેશના દુરંદેશી વડાપ્રધાન માનનીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એમની સરાહના કરી છે.
સુરત – તૃપ્તિ અશોકભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ભારત માતાનું ચીરહરણ
અનેક દુર્યોધનો દેશની સરહદો પર ઘુસણખોરી કરી રહ્યા છે તેની સામે સર્વોચ્ચ ભીષ્મ પિતામહ ઉપેક્ષા સેવી રહ્યા છે. ભારતમાતાના અંગો લદાખ, અરુણાચલ અને સરહદો પરની અન્ય ભૂમિ પર શત્રુઓ કબજો જમાવી રહ્યા છે. આજપર્યંત આવું શરમજનક ચીરહણ જોવાયું નથી. લદાખમાં તો ચોસઠમાંથી સત્તાવીસ પેટ્રોલિંગ થાણા ભારતે ગુમાવી દીધા છે. જયાં ભારતીય લશ્કર જઇ શકતું નથી. અરુણાચલ પ્રદેશને ચીન પરદેશ બનાવી દેવાની દિશામાં જઇ રહ્યું છે.
તેનું નામ અને તેના શહેરોના નામ ચીન બદલીને નામચીન પુરવાર થયું છે, એટલે કે કુખ્યાત થયું છે. ભૂતાન ભારત સાથેની સમજૂતી વિરુધ્ધ સીધી ચીન સાથે સરહદી વાટાઘાટો કરી મૈત્રી સંબંધમાં વધઘટ કરી રહ્યું છે અને બારોબાર કારોબાર ચલાવતું હોય તેવી રીતે ચીન સાથે સમજૂતી કાર્યવાહી કરે છે. વધારાની આપત્તિ હોય તેમ નેપાળે ભારતના પ્રદેશો પર દાવો કરી નકશા પણ બદલી નાખ્યા છે. ચારે તરફથી ભારત માતાનું ચીરહરણ થઇ રહ્યું છે. ઉત્તર પૂર્વના રાજયો સળગી રહ્યા છે, મણિપુર પ્રત્યે ઉપેક્ષા સાથે હિંસાખોરી ચાલે છે.
ત્યાં દ્રૌપદીનું સ્મરણ થાય તેવી મહિલાઓને જાહેરમાં નગ્ન કરી ફેરવાય છે અને સ્તન સાથે યૌન શોષણ અને તેમના સંબધીઓની હત્યા થાય છે, સત્ત અઢી માસ સુધી ચાલતી પિશાચલીલા તરફ ધ્યાન અપાતું નથી. જવાબદાર સત્તાધીશો પણ અસંવેદનશીલ બની જાય છે. વિવશ ભારત માતા અસહાયતા અનુભવે છે, દેશપ્રેમી ભારતીયો દુર્ભાગ્યની ઉપર રડે છે. કારણ કે ફરી અણુશસ્ત્ર સજ્જ વર્તમાન મહાભારત તેઓ ઇચ્છતા નથી. આમ છતાં જયારે પરિસ્થિતિ એ હદે વણસે કે પ્રતિકાર અનિવાર્ય રીતે આવશ્યક બની જાય ત્યારે યોગ્ય પ્રતિસાદ, પ્રત્યુત્તર તો આપવો જ રહ્યો.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.