Entertainment

કામ મળે તો અહાનાની કાયમ હા

અહાના કુમરા પોતાની આજ સુધીની જર્નીથી ખુશ છે. કારણ કે તેના કારણે જ તે વધુ સારી આવતી કાલની અપેક્ષા રાખી શકે છે. તેની ‘ઇન્ડિયા લોકડાઉન પછી’ સલામ વેન્કી’ પણ પાછળ પાછળ જ રજૂ થઇ રહી છે. જો કે શરૂઆતથી જ તેને સારી તક મળતી રહી છે. ‘સોના- સ્પા’ ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા હતી. તેણે ઘણી શોર્ટ ફિલ્મ કરી છે કારણ કે હવે તેનો પણ એક પ્રેક્ષક વર્ગ છે. અહાના પોતાને કામમાં રોકાયેલી રાખે છેઅ ને તે કારણે જ ‘લિપસ્ટિક અંડર માય બુરખા’માં લીલા તરીકે એક ઇમ્પેકટ ઊભો કરી શકેલી. ધ એકિસડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર તેણે પ્રિયંકા ગાંધીની ભૂમિકા ભજવી હતી.

હા, હજુ ટોપ સ્ટાર સાથે તેની ઓછી ફિલ્મ આવે છે પણ તેનું ધ્યાન સારા વિષયવાળી ફિલ્મો પર હોય છે. એટલે જ મધુર ભંડારકરની ‘ઇન્ડિયા લોક ડાઉન’ માટે તેણે તરત હા પાડેલી. આ ફિલ્મમાં અહાના મુન અલ્વિસની ભૂમિકામાં છે. બે ડિસેમ્બરે આ ફિલ્મ રજૂ થશે અને પછી કાજોલ સાથેની ‘સલામ વેન્કી’ 9 ડિસેમ્બરે રજૂ થશે. કુલ એક અઠવાડિયાના સમયમાં બે ફિલ્મ રજૂ થાય તો કોઇપણ અભિનેત્રીને આનંદ થાય. ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ પછી ફરી તે મહિલા કેન્દ્રી ફિલ્મમાં દેખાશે.

ફિલ્મો પછી તેનું ધ્યાન વેબ-સિરીઝ પર છે. ‘ઓફિશીઅલ ચુકયાગિરી’માં રતિની ભૂમિકા પછી તે ‘ઇન્સાઇડ એજ’, ‘ઓફિસીઅલ સીઇઓગિરી’માં ફરી આવી હતી. વેબ સિરીઝના તેના દરેક પાત્રો પ્રેક્ષકોમાં આકર્ષણ બન્યા છે. ચાહે ‘રંગબાજ’ની બબીતા શર્મા હોય છે કે ‘બોમ્બર’ની સંજના કે ‘બેતાલ’ની ડીસી અહલુવાલિયા યા ‘ફોર્બીડન લવ’ની પ્રિયા. આ વર્ષે તેની ‘કોલ માય એજન્ટ’ અને ‘અવરોધ’ની બીજી સીઝન આવી છે. ‘અવરોધ’માં તો તેની ત્રણ ભૂમિકા છે.

અહાના એ વિચારતી નથી કે તેની સ્પર્ધામાં કોણ છે તે કહે છે કે હવે એટલું બધું કામ હોય છે કે કામમાં ધ્યાન આપો એટલું જ પૂરતું છે. બધાને પોતપોતાની રીતે કામ મળતા રહે છે. હા, અમુક પાત્રો વડે પ્રસિધ્ધી મળે પછી એવા પ્રકારના બીજા પાત્રો માટેની ઓફર આવે તો એવું વિચારવું પડે છે કે સરખા પાત્ર હોય તો ફાયદો કે નુકશાન? આવા વખતે એકટરે પોતે જ સરખામપણામાંથી કશુંક અલગ દેખાવાની મથામણ કરવી જોઇએ. આવેલા કામને ના પાડવાનો અર્થ નથી. આપણે કાંઇ દિપીકા પાદુકોણ કે આલિયા ભટ્ટ કે કંગના રણૌત નથી. દરેક પાત્રોમાં નવી શકયતા હોય છે ને તે શોધી લેવી જોઇએ.

અહાના કુમરા કિયારા અડવાણી યા તાપસી પન્નુના ટ્રેક પર નથી ચાલતી એટલે નવી ઇમેજ ઊભી કરી રહી છે. તેની એક ફિલ્મ આવી રહી છે. ‘રીતુ’ જેમાં તે રાહુલ ખન્ના સાથે છે જેનો દિગ્દર્શક શોવિક સરકાર છે. બીજી છે ‘કેન્સર’ જેમાં તે શરીબ હાશ્મી સાથે છે. નવો પ્રેક્ષક હવે અમુક તમુક સ્ટાર્સનો જ આગ્રહી નથી રહ્યો. ‘કોરોના’ પછીના સમયમાં તો બધા જ ફિલ્મ મેકરો પ્રયોગ કરી રહ્યા છે. પરિણામ તો અમુક સમય પછી સમજાશે કે આ પ્રયોગોમાંથી કોનો વધારે સ્વીકાર થાય છે. હવે સતત વૈવિધ્યની અપેક્ષા રહે છે તો એ રીતે કામ કરવામાં જ વધારે ફાયદો છે. અમિતાભ બચ્ચનની દિકરી તરીકે ‘યુધ્ધ’માં કામ કરી ચુકેલી અહાના મૂળ લખનૌની છે અને વિત્યા ચૌદ વર્ષમા તેણે જે જગ્યા ઊભી કરી છે તે બહુ ખાસ છે. •

Most Popular

To Top