જેમણે નાટકોમાં દાયકાઓ સુધી અને વૈવિધ્ય સાથે કામ કર્યું હોય, તેની યાત્રા જાણવી બીજા કળાકારો માટે સ્વયં બોધ બની જાય છે. એક નાટકમાં જે એચિવ કરો તે તો તે નાટક સાથે પૂરું થઇ જાય અને નવું નાટક વળી નવા પડકારો ઊભા કરે. આ નવા નવા પડકારો સતત ઝીલવાની શકિત જેનામાં અથાકપણે હોય તે રંગભૂમિ અને પ્રેક્ષક બન્ને માટે ખાસ બની જાય છે પણ આપણે ત્યાં નાટ્ય દિગ્દર્શક, અભિનેતા, સન્નિવેશક, પ્રકાશ આયોજક સ્વયં પોતાની વાત બહુ કહેતા નથી. તેમની પાસે કોઇ ઇન્ટરવ્યૂ સ્વરૂપે કહેવડાવે તો વાત જુદી અને એવા ઇન્ટરવ્યૂ નાટકના વિચાર અને રંગભૂમિના ઇતિહાસમાં ખૂબ મદદ કરનારા બને છે. હા, હવે થિયેટરના ક્ષેત્રમાં જેને લિજેન્ડસ્ કહીએ તેવા ઓછા બચ્યા છે, એ વળી જુદી વાત.
મુંબઇ વસતા રાજુ દવેએ અગાઉ નાટક અને સંગીત ક્ષેત્રના કળાકારો સાથેના ઇન્ટરવ્યૂના બે પુસ્તક પ્રગટ કર્યા છે. હમણાં ત્રીજું આવ્યું છે – ‘રંગભૂમિની પ્રતિભાઓ.’ આ પુસ્તકમાં નાટ્યક્ષેત્રની 20 પ્રતિભાઓ સાથેની વાતચીત છે. કોઇક વધારે વિગતે છે, કોઇક થોડી જ વિગત સંપડાવે છે. સિધ્ધાર્થ રાંદેરિયા, ટીકુ તલસાણિયા, પ્રવીણ સોલંકી, નિરંજન મહેતા, લલિત શાહ, સનત વ્યાસથી માંડી મનોજ જોશી, દિલીપ જોશી, વિપુલ મહેતા, ભૌતેષ વ્યાસ, ધર્મેન્દ્ર ગોહિલ, દિશા વાકાણી, શરમન જોશી, સંજય છેલ સહિતના જૂની – નવી પેઢીના કળાકારો, દિગ્દર્શક, લેખક, નિર્માતા, પ્રકાશ આયોજક, અભિનેતા – અભિનેત્રી, સંસ્થા સંચાલક સહિતનાએ અહીં વાતો, મુદ્દાઓ કર્યા છે. આ બધા મુંબઇની રંગભૂમિ પર સક્રિય રહ્યા છે પણ તેમણે કહેલી વાત રંગભૂમિ ક્ષેત્રે પ્રવૃત્ત સહુને રસપ્રદ લાગશે.
સિધ્ધાર્થ રાંદેરિયા સાથેના પ્રશ્નોત્તરમાં ઇન્ટર કોલેજિએટની પ્રવૃત્તિના સ્મરણો રોમાંચક જણાશે અને પછીની નાટ્યયાત્રાની વિગતો ય સાંપડશે. તેઓ ગુજરાતી રંગભૂમિ પર લેખકોના અભાવ વિશેનો ઉત્તર આમ આપે છે, – ‘મડિયા કે પ્રવીણ જોશી કરતાં આગળ જાઓ તો એ પહેલા એટલે કે ભાંગવાડીને બાદ કરતાં નવી રંગભૂમિનો જ્યારથી પાયો નંખાયેલો ત્યારથી લગભગ 1950થી ગુજરાતી રંગભૂમિ પરભાષા અને પરપ્રાંતના નાટકો પર નિર્ભર રહી છે.’ તેઓ વ્યવસાયિક અને પ્રાયોગિક રંગભૂમિ વચ્ચે શું ફેર હોય છે? પ્રશ્નના ઉત્તરમાં એક ઠેકાણે કહે છે, – ‘એક વાત સમજી લ્યો કે આ પણ એક ધંધો છે અને જો એની ડિમાન્ડ હોત તો સપ્લાય પણ થાત. પરંતુ આ પ્રકારની ડિમાન્ડ જ નથી.’
ટીકુ તલસાણિયાએ પ્રવીણ જોશી સાથેના આરંભની વાત મઝાના કિસ્સા સાથે કરી છે. ટીકુ તલસાણિયા એક જગ્યાએ કહે છે, – ‘એકટરની શરૂઆત બેકસ્ટેજથી થવી જોઇએ. પાયો મજબૂત બને તો ઇમારત મજબૂત થાય. બેકસ્ટેજ એ થિયેટરનો પાયો છે. થિયેટરની બારીકાઇ તમે બેકસ્ટેજ કરો તો જ સમજાય! તેમણે ‘મોસમ છલકે’ની ઘણી યાદો અહીં નોંધી છે અને એવું ય નોંધ્યું છે કે, ‘તારક મહેતાએ ‘મૌસમ છલકે’ 36 વખત રી-રાઇટ કર્યું છે’ અને પ્રવીણ જોશીના અવસાન પછી ‘અરવિંદભાઇ – સરિતાબહેન સાથેના નાટકના પહેલા શો વખતે દિલીપકુમાર આઉટ ઓફ ધ વે જઇને નાટકને પ્રમોટ કરવા, સરિતાબહેનનો પરિચય પ્રેક્ષકોને આપવા પોતે આવ્યા હતા’ એમ કહે, તો પ્રવીણ જોશી, સરિતા જોશીને દિલીપકુમાર માટે આદર જાગે. એકસપરિમેન્ટ થિયેટર વિશે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર ટીકુભાઇએ શંભુ મિત્રના ઉદ્ગારથી આપ્યો છે’ – ‘વ્હાય એકસપરિમેન્ટ ફોર ધ કોસ્ટ ઓફ ધ ઓડિયન્સ? તમારે એકસપરિમેન્ટ કરવું હોય તો તમારે ઘરે જઇને કરો ને… પ્રેક્ષકોને પૈસે, જોખમે શું કરવા આવા નાટકો ભજવો છો?’
નિરંજન મહેતા કાંતિ મડિયાના નાટકોના સહનિર્માતા અને પ્રબોધ જોશી પછી મુંબઇની રંગભૂમિની અઢળક સ્મૃતિ સાથે જીવતા આ લેખક છે. તેમનો ઇન્ટરવ્યૂ મુંબઇની રંગભૂમિને જાણનારાઓને અનેક નવી વિગત આપશે. પ્રવીણ – મડિયાના કાર્ય વિશેનું તેમનું નિરીક્ષણ છે, – ‘પ્રવીણ ગુજરાતી થિયેટરમાં સોફેસ્ટિકેશન, સ્ટાઇલિશનેસ અને વેરાયટી લાવ્યો. મડિયા બ્રોટ વેરાયટી ઓફ સબજેકટ્સ વીથ પર્પઝ.’ એક ઉત્તરમાં તેમની હતાશા પણ પ્રગટી છે, – ‘હું હવે ગુજરાતી રંગભૂમિ માટે બહુ આશાવાદી નથી.
તરત તો કંઇ પૂરું નહીં થઇ જાય પણ લાંબું ટકી શકાય એવું બહુ નથી લાગતું.’ તો પ્રવીણ સોલંકી જેવા રૂપાંતરકાર – લેખક એક ઉત્તરમાં કહે છે, – ‘જો તમારે નાટકનો ધંધો કરવો હોય, વ્યવસાય કરવો હોય તો તમારે તેને અનુરૂપ બાંધછોડ કરવી જ પડે છે. લોકપ્રિયતાના ગુણને આપણે ભૂલી જઇએ છીએ.’ એક જગ્યાએ તેઓ મડિયાનો મિજાજ ઓળખાવે છે. તેમની પર એક મંડળવાળાનો ફોન આવ્યો કે, ‘મડિયા, તમારું નાટક સરસ છે. તમારો ભાવ શું છે?’ મડિયા કહે, ‘પહેલા સરખી ગુજરાતી ભાષા બોલતા શીખ. મારો ભાવ શું છે એટલે? શું હું વેશ્યાવાડે બેઠો છું? અને તારે મારું નાટક રાખવું હોય તો પહેલા તું ગુજરાતી શીખ, પછી મારું નાટક રાખજે’. નાટક ગુજરાતી ભાષા અને નાટયસર્જકનું સ્વમાન આ થોડા વાકયમાં છે.
લલિત શાહે નાટ્યસ્પર્ધાની સંસ્થા વડે થતી પ્રવૃત્તિની અનુભવપરક વાતો કરી છે પણ તેમણે ય હતાશા સાથે વર્તમાન વિશે જણાવ્યું છે કે, – ‘આજની રંગભૂમિ પરથી મારો વિશ્વાસ ઓસરતો જાય છે. આજે નાટકનો TVમાં જવા માટે પ્લેટફોર્મ તરીકે ઉપયોગ થાય છે. નવા વિષયના નાટકો થતા નથી. મનોજ જોશી જેવા અભિનેતા – દિગ્દર્શક – નિર્માતાની એક ટિપ્પણ છે, – ‘20 દિવસમાં નાટક કેવી રીતે તૈયાર થઇ શકે? અરે ભાઇ ફાસ્ટફૂડથી ઘણા બધા રોગ થાય છે એવું બને છે તો મારા મતે આ પ્રકારના નાટકો ફાસ્ટ ફૂડ જ છે જે મન – હૃદયને હાનિકારક છે. આ પ્રકારના નાટકોમાંથી નથી એકટર પેદા થતો, નથી ડિરેકટર પેદા થતો કે નથી કોઇ રાઇટર પેદા થતો. આ પ્રકારે જે થાય છે, તે નાટક નથી!’ આ પુસ્તકમાં શરમન જોષીએ કરેલી વાતો પણ છે તે પણ હતાશ તો છે, – ‘કાંતિ મડિયા, મારા કાકા (પ્રવીણ જોષી) અને શૈલેશ દવેએ ગુજરાતી રંગભૂમિ પર ગજબનું કામ કર્યું. દુર્ભાગ્યે એમણે સિંચેલી રંગભૂમિની આજે દુર્દશા થઇ ગઇ છે. જે રંગભૂમિને આ ત્રણેયે આસમાનની બુલંદીએ પહોંચાડી તે રંગભૂમિને આજના લોકોએ જમીનમાં દાટી દીધી હોય એવું અનુભવાય છે!’
આ પુસ્તકમાં ભૌતેષ વ્યાસે લાઇટ ડિઝાઇન વિશે જે વાત કરી છે તે ઘણાને મદદ કરશે. તેઓ દિગ્દર્શકને મહત્વ આપતા કહે છે કે, – ‘નાટકનો ડિરેકટર કયા એંગલથી એને ટ્રીટ કરવા માંગતો હોય તે પણ નાટક માટે એટલું જ અગત્યનું છે.’ એક જગ્યાએ કહે છે, – ‘નાટક જોઇને જો કોઇ પ્રેક્ષક મારી પાસે લાઇટિંગના વખાણ કરે તો હું મારી જાતને નિષ્ફળ ગણું છું. કારણ કે લાઇટ, સેટ, મ્યુઝિક આ બધી વસ્તુઓ નાટકને મજબૂત કરવા માટે હોય છે. એટલે જ્યારે આવું બને ત્યારે મને થાય કે મેં નાટક ઉપર ઓવર પાવર કર્યો છે!’ ‘રંગભૂમિની પ્રતિભાઓ’ નાટકમાં સક્રિય એ બધાને ગમશે જેમણે રંગભૂમિને અનેક રીતે જાણવી, સમજાવી છે. આ રીતે વર્તમાન રંગભૂમિ અને તેના ભવિષ્યને સામે રાખી ગુજરાતમાં નાટકો ભજવતા નાટય કળાકારો, દિગ્દર્શક સાથે પણ વાત થવી જોઇએ. નાટક વિશે અનેક પ્રકારનું વાંચન જરૂરી છે અને રાજુ દવેએ આ સંપડાવ્યું તેનો આનંદ. જો કે આપણે ત્યાં નાટક અને નાટક વિશે, નાટયકારો વિશે વાચન – અધ્યયન કરનારા ઓછા છે. આ પુસ્તક તેઓ વાંચી શકે. પ્રકાશક છે, નવભારત સાહિત્ય મંદિર.