જેમાં આશરે ત્રણ કરોડ ભાવિકો ભાગ લેવાના હતા તે કાવડયાત્રા સુપ્રિમ કોર્ટની દરમિયાનગીરીને કારણે બંધ રાખવાની ઉત્તર પ્રદેશની સરકારને ફરજ પડી છે, પણ કેરળ સરકારે બકરી ઇદની ઉજવણી માટે જે છૂટછાટો આપી હતી તે બાબતમાં સુપ્રિમ કોર્ટ સરકારની ટીકા કરવા સિવાય કાંઈ કરી શકી નહોતી. તેનું કારણ એ હતું કે કેરળ સરકારે તા. ૧૮,૧૯ અને ૨૦ દરમિયાન કોરોનાના ચિક્કાર કેસો ધરાવતાં ક્ષેત્રોમાં દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપી હતી. જ્યારે સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી ત્યારે ૨૦ તારીખ પણ અડધી પસાર થઈ ગઈ હતી.
કોવિડ-૧૯ ને કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કાવડયાત્રા બંધ રાખવાની જાહેરાત ઉત્તરાખંડની સરકારે કરી હતી; પણ ઉત્તર પ્રદેશની સરકારે કાવડયાત્રા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. સુપ્રિમ કોર્ટે તેની સામે સુઓ મોટો રિટ પિટીશન ફાઇલ કરી હતી. કેન્દ્ર સરકારે પણ કાવડયાત્રા બંધ રાખવાની તરફેણ કરી હતી, જેને પગલે સુપ્રિમ કોર્ટે કાવડયાત્રા બંધ રાખવાની તાકીદ કરી હતી. છેવટે ઉત્તર પ્રદેશ સરકારે કોર્ટને કહ્યું હતું કે તેમણે કાવડયાત્રા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
કાવડયાત્રા બાબતમાં સુપ્રિમ કોર્ટે સુઓ મોટો રિટ પિટીશન દાખલ કરી હતી, પણ કેરળ રાજ્યે લઘુમતી કોમને રાજી કરવા જે છૂટછાટો આપી હતી તેની અરજી સુપ્રિમ કોર્ટમાં છેક ૧૯ તારીખે જ આવી હતી. સુપ્રિમ કોર્ટે કેરળ સરકારને જવાબ નોંધાવવા જણાવતાં તેણે સોગંદનામું કર્યું હતું કે વેપારીઓને નુકસાન ન જાય તે માટે સરકારે ત્રણ દિવસ માટે દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. કેરળ સરકારના સોગંદનામા મુજબ જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી જે ગ્રાહકોએ રસીનો એક ડોઝ લીધો હશે તેમને જ દુકાનોમાં જવાની છૂટ આપવામાં આવશે. આ સોગંદનામાને ફગાવી દેતાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે સરકારે આપેલી બાંયધરી વિશ્વાસ પેદા કરી શકે તેવી જણાતી નથી. પ્રજાના કોઈ પણ ધાર્મિક અધિકાર કરતાં જીવન જીવવાનો અધિકાર વધુ મહત્ત્વ ધરાવે છે.
કેરળની અને ઉત્તર પ્રદેશની સરખામણી કરતાં કેરળમાં કોવિડ-૧૯ ના કેસો સતત વધી રહ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં ઘટી રહ્યા છે. ભારતમાં કોવિડ-૧૯ ના કુલ જેટલા કેસો છે, તેમાંના ૨૫ ટકા કેરળમાં જોવા મળે છે. ૧૯ જુલાઈના કેરળમાં ૯૯૩૧ કેસો નોંધાયા હતા. કેરળમાં કેસ પોસિટિવિટી રેટ ૧૦ ટકા જેટલો છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં તે ૦.૦૨ ટકા જેટલો જ છે. કેરળના ડી કેટેગરી વિસ્તારોમાં તો કેસ પોસિટિવિટી રેટ ૧૫ ટકા જેટલો ઊંચો છે. તેમ છતાં સરકારે ડી કેટેગરીમાં પણ દુકાનો તા. ૧૮, ૧૯ અને ૨૦ દરમિયાન ખુલ્લી રાખવાની છૂટ આપી હતી. આ ત્રણ દિવસોમાં માત્ર મટનની નહીં પણ કપડાં અને આભૂષણોની દુકાનો પણ ખુલ્લી રાખવાની રજા આપવામાં આવી હતી. વેપારીઓને આર્થિક નુકસાન ન જાય તે માટે આ છૂટ આપવામાં આવી હતી.
કેરળ સરકાર દ્વારા બકરી ઇદ નિમિત્તે દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો તે કોઈ તબીબી કે વૈજ્ઞાનિક હેવાલને આધારે કરવામાં નહોતો આવ્યો પણ વેપારી સંગઠનો સાથેની મંત્રણાને પગલે કરવામાં આવ્યો હતો. મુખ્ય મંત્રી પિનારાઇ વિજયનના કહેવા મુજબ કોવિડ-૧૯ ને કારણે વેપારીઓ ભારે ખોટના ખાડામાં ડૂબી ગયા છે. તેમને કામચલાઉ રાહત આપવા ત્રણ દિવસ માટે દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી હતી. હકીકત એ છે કે વેપારી સંગઠનો દ્વારા સરકારને ધમકી આપવામાં આવી હતી કે જો દુકાનો ખોલવાની છૂટ આપવામાં નહીં આવે તો પણ તેઓ ધરાર દુકાનો ખોલશે. વેપારીઓની ધમકીથી ડરીને સરકારે છૂટ આપી હતી. આ ધમકી પરથી ખ્યાલ આવે છે કે વેપારીઓને હવે કોરોનાનો બિલકુલ ડર રહ્યો નથી.
આ પ્રસંગે કેટલીક મુસ્લિમ સંસ્થાઓ દ્વારા બકરી ઇદને કારણે દેશના અર્થતંત્રને કેટલો ફાયદો થશે? તેના કાલ્પનિક આંકડાઓ સોશ્યલ મીડિયામાં વહેતા કરવામાં આવ્યા છે. તેમના કહેવા મુજબ ભારતમાં આશરે ૨૦ કરોડ મુસ્લિમો છે. તેમાંના ૨૫ ટકા બકરાંની કુરબાની આપે તો આશરે ચાર કરોડ બકરાંની કુરબાની થશે. એક બકરાંની સરેરાશ ૧૦,૦૦૦ રૂપિયા કિંમત ગણતાં ચાર કરોડ બકરાંની કિંમત ૪૦,૦૦૦ કરોડ રૂપિયા થાય. આટલા રૂપિયાનો ફાયદો બકરાંનો ઉછેર કરનારા ગરીબ પશુપાલકોને થાય. વળી આ બકરાંની કુરબાની આપીને જે માંસ મળે તેની વહેંચણી પણ ગરીબ લોકોમાં કરવામાં આવે. આ રીતે ગરીબોને મફતમાં પોષણ મળે. જો કે આ આંકડા અતિશયોક્તિભર્યા છે. જો ભારતમાં ૨૦ કરોડ મુસ્લિમો હોય તો ચાર કરોડ પરિવારો થાય. ભારતનાં તમામ મુસ્લિમ પરિવારો બકરી ઇદ નિમિત્તે બકરાંની કુરબાની આપે તેવું પણ બનતું નથી.
જો ચાર કરોડ બકરાંની કુરબાની આપવામાં આવે તો તેનાથી ભારતના અર્થતંત્રને લાંબા ગાળે કેટલું નુકસાન થાય? તેનું ગણિત પણ સમજવા જેવું છે. એક બકરી રોજનું લગભગ ૧૦૦ રૂપિયાનું દૂધ આપે છે. તે હિસાબે તે મહિને ૩,૦૦૦ રૂપિયાનું અને વર્ષનું ૩૬,૦૦૦ રૂપિયાનું દૂધ આપે છે. જો બકરીનું આયુષ્ય ૧૦ વર્ષનું હોય તો તે પોતાના જીવનકાળ દરમિયાન ૩.૬૦ લાખ રૂપિયાનું દૂધ આપે છે. ૧૦,૦૦૦ રૂપિયાનું માંસ મેળવવા જતાં ૩.૬૦ લાખ રૂપિયાના દૂધનું નુકસાન જાય છે. વળી બકરાંની લીંડીમાંથી ઉત્તમ ખાતર તૈયાર થાય છે. એક બકરી પોતાના જીવનકાળ દરમિયાન ૪૦,૦૦૦ રૂપિયાનું ખાતર આપે તો પણ કુલ આવક ચાર લાખ રૂપિયા ઉપર પહોંચે છે.
કેરળની જેમ મુંબઈમાં પણ બકરી ઇદના મુદ્દે મામલો કોર્ટમાં પહોંચ્યો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે કોવિડ-૧૯ ની પરિસ્થિતિને કારણે દેવનાર કતલખાનાંમાં તા. ૨૧ થી ૨૩ જુલાઇ દરમિયાન પ્રતિદિન ૩૦૦ ભેંસની કતલ કરવાની જ પરવાનગી આપી હતી. તેની સામે કેટલાક મુસ્લિમ બિરાદરો બોમ્બે હાઈ કોર્ટમાં ગયા હતા અને તેમણે વિનંતી કરી હતી કે સરકારે ૩૦૦ ને બદલે રોજની ૧,૦૦૦ ભેંસોની કતલ કરવાની પરવાનગી આપવી જોઈએ. બોમ્બે હાઈ કોર્ટના વિદ્વાન જજોએ આ અરજી ફગાવી દીધી હતી. હાઈ કોર્ટે કહ્યું હતું કે ગયા વર્ષે રોજની માત્ર ૧૫૦ ભેંસોની કુરબાની આપવાની પરવાનગી આપવામાં આવી હતી. તેને બદલે આ વર્ષે રોજની ૩૦૦ ભેંસોની કતલ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કોરોનાની પરિસ્થિતિને કારણે કતલખાનાં બહાર પણ લોકોનાં ટોળાં ભેગાં ન થાય તે માટે નિયંત્રણ જરૂરી છે.
મુંબઇ મહાનગરપાલિકા દ્વારા બકરી ઇદ નિમિત્તે કતલખાનાં સિવાય પણ પશુની કુરબાની માટે વિશેષ કામચલાઉ પરવાનગી આપવામાં આવે છે. આ પરવાનગી મુંબઇ મ્યુનિસિપલ એક્ટની કલમ ૪૦૩ (૨) (ઇ) ઉપરાંત ૪૦૩ (૧) (બી) અન્વયે આપવામાં આવતી હોય છે. આ પરવાનગી નીચે મુજબની જગ્યાઓ માટે આપવામાં આવી હતી : (૧) તમામ મટન માર્કેટ, જેની યાદી કાયદામાં જ સામેલ કરવામાં આવી હતી. (૨) કુરબાની માટેની ધાર્મિક જગ્યાઓ (૩) મસ્જિદો અથવા તેની નજીકની જગ્યાઓ.
જો મસ્જિદમાં કુરબાનીની પરવાનગી માગવામાં આવે તો તેવી પરવાનગી આપવાની સત્તા માર્કેટ ઇન્સ્પેક્ટર વિભાગના અધ્યક્ષને આપવામાં આવી હતી. (૪) હાઉસિંગ સોસાયટીની અંદરની કોઇ જગ્યા. હાઉસિંગ સોસાયટીમાં કુરબાનીની પરવાનગી મેળવવા માટે સોસાયટીનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જરૂરી માનવામાં આવ્યું હતું.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.