મહર્ષિ પતંજલિએ માનવીને તેનું જીવન સાર્થક કરવા જે અનોખું દર્શન આપ્યું છે એની વાત આપણે જોઈ. જીવન સાર્થક પુરુષાર્થ દ્વારા જ થઈ શકે અને પુરુષાર્થને વર્તમાન સાથે સંબંધ છે. ભૂતકાળમાં રમનારાઓ, મીઠી યાદોને વાગોળનારાઓ, ભૂતકાળના જખમોને ખોતરતા રહીને તેને ક્યારેય રૂંઝાવા નહીં દેનારાઓ, પીડાઓને યાદ કર્યા કરીને તેને વેરવૃત્તિને પાળનારાઓ, ભોગવેલી પીડા અને હવે પછી દુશ્મનને આપવાની પીડા એમ બન્ને પીડાઓની કલ્પના કરીને તેનું સુખ અનુભવનારાઓ ક્યારેય વર્તમાનમાં જીવી ન શકે અને જે વર્તમાનમાં જીવી ન શકે એ જીવનને સાર્થક ન કરી શકે.
એ પછી મહર્ષિ પતંજલિએ પુરુષાર્થના માર્ગમાં અવરોધરૂપ પગની બેડી સમાન વૃત્તિઓને કઈ રીતે નિવારી શકાય અને કંઈ રીતે તેનાથી મુક્ત થઈ શકાય એની પ્રક્રિયા બતાવી છે. ભગવાન પતંજલિનું અંતિમ લક્ષ તો માનવીનો મહાપુરુષાર્થ અર્થાત્ મોક્ષ હતો, પણ ભૌતિક સાંસારિક જીવનમાં પણ આ દર્શન પ્રસ્તુત છે. જે માણસ વર્તમાનમાં જીવે છે અને વર્તમાનની વાસ્તવિકતા સ્વીકારીને મોકળા મને નીરક્ષીર વિવેક કરીને સમય અને શક્તિ ખર્ચે છે એ પુરુષાર્થી સાબિત થાય છે અને કાંઈક કરી બતાવે છે. બીજી બાજુ જે લોકો ભૂત અને ભવિષ્યનાં સુખ અને દુખનાં કલ્પનાચિત્રો રચીને જીવે છે એ લોકો ક્રોધી અને રોતલા સાબિત થાય છે.
માટે રવીન્દ્રનાથ ટાગોર હોય કે ઉમાશંકર જોશી, વિક્રમકુમાર સારાભાઈ હોય કે ડૉ. અબ્દુલ કલામ, સત્યજિત રાય હોય કે શ્યામ બેનેગલ, અમર્ત્ય સેન હોય કે જગદીશ ભગવતી, સરોજીની નાયડુ હોય કે કમલા હેરીસ હોય, કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ મૌલિક અને મેધાવી માણસને તપાસી જુઓ, તેમનામાં એક ચીજ સરખી જોવા મળશે; તેમાંના કોઈ વૃત્તિથી ભૂત અને ભવિષ્યગ્રસ્ત નહોતા કે નથી. તેઓ પુરુષાર્થી હતા અને એટલે વર્તમાનમાં જીવતા હતાં.
પુરુષાર્થને વર્તમાન સાથે અવિનાભાવી સંબંધ છે. બીજી બાજુ જે લોકો ચોવીસે કલાક ભૂત અને ભવિષ્યમાં રમમાણ રહે છે એ પુરુષાર્થી નીવડતા નથી. એ જમાત હિન્દુત્વવાદીઓની હોય, ઇસ્લામવાદીઓની હોય, કોમવાદી ખ્રિસ્તીઓની હોય કે બીજી કોઈ પણ ધાર્મિક કોમવાદી પ્રજા હોય. આ સનાતન સત્ય છે. મે અંહી લખ્યું હતું એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સો વરસની આયુષની નજીક પહોંચ્યો છે, પણ સંઘે સો વરસમાં એવા દસ વિલક્ષણ માણસ નથી આપ્યા જેની મેધા અને મૌલિકતા જોઇને આપણે નતમસ્તક થઈ જઈએ. આ શ્રેણીમાં ઘૂંટીઘૂંટીને વાત કર્યા પછી અને પાથીએપાથીએ તેલ નાખ્યા પછી આશા રાખું છું કે સુજ્ઞ વાચકને આનું રહસ્ય તો સમજાઈ ગયું હશે.
હવે અહીં સ્વાભાવિકપણે સવાલ ઉપસ્થિત થવો જોઈએ કે જે લોકો મહાન હિંદુરાષ્ટ્રનું નિર્માણ કરવાનું સપનું જુએ છે એ સપનું મહાન હિંદુ વિના કેવી રીતે સાકાર થઈ શકે? મહાન રાષ્ટ્રનો મૂળભૂત પદાર્થ તો શક્તિશાળી, મૌલિક, મેધાવી એવો મહાન પુરુષાર્થી માનવી જ હોવાનો. મહાન રાષ્ટ્રો સ્વર્ગમાંથી ઉતરતા નથી એને ઘડવા પડે છે. મહાન પ્રાચીન ભારતને એ સમયના પુરુષાર્થી મહામાનવોએ ઘડ્યું હતું. કલ્પનાઓમાં રાચવાથી મહાન કૃતિઓ સર્જાતી નથી. જો ભારતને મહાન હિંદુરાષ્ટ્ર બનાવવું હશે તો મહાન હિંદુઓની જરૂર પડશે.
સમસ્યા એ છે કે મહાન હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે મહાન હિંદુની જરૂર છે અને એ લાવવા ક્યાંથી? હિંદુરાષ્ટ્રને વરેલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો તેના સો વરસના ઇતિહાસમાં દસ મહાન પુરુષાર્થી હિંદુને પેદા કરી શક્યો નથી તો સંઘ કાશીએ પહોંચશે કઈ રીતે? વિચારવું પડશે. માટી હોય તો માટલું ઘડી શકાય અને અહીં તો માટીનો જ અભાવ છે. એવું નથી કે ભારતમાં મૌલિક મેધાવી મહાન પુરુષાર્થી હિંદુઓનો અભાવ છે, હજારોની સંખ્યામાં આવા હિંદુઓ છે.
પણ તેઓ પોતાને સંઘની પરિભાષામાં હિંદુ તરીકે ઓળખાવતા નથી અને તેમને હિંદુરાષ્ટ્ર જોઈતું પણ નથી. તેમને ભારતીય રાષ્ટ્ર જોઈએ છે અને એ પણ સંવિધાનીક ભારતીય રાષ્ટ્ર કે જેથી કોઈ કોમ સંખ્યાના જોરે દાદાગીરી કરે નહીં. કમાલ છે નહીં ? જ્યાં રેતી ચૂનો અને માટી છે ત્યાં હિંદુરાષ્ટ્રના ભવનનું નિર્માણ કરવાનું કોઈ સપનું જ નથી અને જે લોકો હિંદુરાષ્ટ્રના ભવનનું નિર્માણ કરવાનું સપનું જોઈ રહ્યાં છે ત્યાં રેતી, ચૂનો અને માટી નથી. કફોડી સમસ્યા છે. હિંદુરાષ્ટ્રનું સપનું જોનારા આ કાંઠે છે અને તેને સાકાર કરવાની ક્ષમતા ધરાવનારાઓ સામે કાંઠે છે. બે કાંઠા સમાંતરે ચાલે છે જે ક્યારેય મળ્યા નથી અને મળવાના નથી.
ખુદવફાઇ ધરાવનારા પ્રમાણિક હિન્દુત્વવાદીએ પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે એવું તે શું છે કે જે ઐશ્વર્યવાન હિંદુ છે એ પોતાને સંકુચિત અર્થમાં હિંદુ તરીકે ઓળખાવવા અને હિંદુરાષ્ટ્રના નિર્માણ માટે પુરુષાર્થ કરવા તૈયાર નથી અને જેમને હિંદુરાષ્ટ્ર સાકાર કરવું છે એ ઐશ્વર્યવાન હિન્દુને પેદા કરી શકતા નથી? પ્રાચીન હિંદુ ભારત માટે ગૌરવ અનુભવતા હો તો આ સમસ્યાનું નિદાન મહર્ષિ પતંજલિએ કરી આપ્યું છે જેની વાત અહીં કરવામાં આવી છે. રાગ-દ્વેષ-ઈર્ષા-ક્રોધથી ખરડાયેલું વાસણ ક્યારેય ચળકે નહીં. એ ત્યારે જ ચળકે જ્યારે તેને રોજેરોજ માંજવામાં આવે.