Columns

સાચા હીરાની ઓળખ

ઠંડીના દિવસો હતા. રાજાએ જાહેર કર્યું આજે દરબાર મહેલના બગીચામાં ભરાશે.રાજા-રાણી, મંત્રીઓ અને દરબારીઓ બધા બગીચામાં સુરજના તડકામાં બેસી દરબારનું કામકાજ અને વાતો કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે એક હીરાનો વેપારી આવ્યો અને રાજાને કહ્યું, ‘રાજન, હું હીરાનો વેપારી છું અને મારી પાસે બે હીરા છે જે એકદમ એકસરખા છે પરંતુ તેમાંથી એક અસલી છે અને બીજો નકલી છે.

તમારા દરબારમાં હું બન્ને હીરા રજૂ કરું છું અને તમને અને તમારા દરબારમાં બધાને પડકાર કરું છું કે કયો હીરો નકલી છે અને કયો અસલી તે કહો. જો તમારો જવાબ સાચો હશે તો આ મહામૂલ્યવાન હીરો હું તમારા ખજાનામાં આપી દઈશ અને જો તમે કોઈ સાચો હીરો ઓળખી ન શકો તો તમારે મને હીરાના મૂલ્ય જેટલું ધન ભેટમાં આપવું પડશે.’ આટલું કહી તેણે પોતાની કમર પર બાંધેલી પોટલીમાંથી બે હીરા બહાર કાઢ્યા અને દરબારની વચ્ચે મૂકેલા મેજ પર કપડું પાથરી બે હીરા બાજુ બાજુમાં મૂક્યા.

એક પછી એક બધા દરબારીઓ આવ્યા પણ કોઈ નક્કી ન કરી શક્યું કે કયો હીરો સાચો છે. બન્ને હીરા એકદમ આબેહુબ દેખાતા હતા.એક સરખો આકાર,એક સરખી ચમક….મંત્રીજી આવ્યા પરંતુ તે પણ નક્કી ન કરી શક્યા…રાજાએ પોતે પ્રયત્ન કર્યો પણ તેમને પણ કયો હીરો સાચો છે અને કયો ખોટો ખ્યાલ આવ્યો નહિ. હીરાના વેપારીએ કહ્યું, ‘ રાજન, કોઈ સાચો હીરો ઓળખી શકતું નથી એટલે તમારે મને હીરાનું મૂલ્ય ભેટમાં આપવું પડશે.’ રાજા હાર સ્વીકારી હીરાના મૂલ્ય જેટલું ધન આપવા તૈયાર થયા.તેવામાં એક અંધ માણસ આગળ આવ્યો અને બોલ્યો, ‘રાજન આપની આજ્ઞા હોય તો હું પ્રયત્ન કરું.’ બધા હસ્યા, પરંતુ રાજાએ હા પાડી.

અંધ માણસ મેજ પાસે ગયો અને હીરાના વેપારીને કહ્યું, ‘વેપારી બન્ને હીરા મારા હાથમાં મૂકો.’ વેપારીએ બે હીરા અંધ માણસના હાથમાં મૂક્યા અને તરત જ અંધ માણસ બોલી ઊઠ્યો કે, ‘મારા ડાબા હાથનો હીરો ખોટો છે અને જમણા હાથનો હીરો સાચો.’ આ જવાબ સાંભળી હીરાનો વેપારી અવાચક થઈ ગયો કારણ કે જવાબ સાચો હતો! તેણે નતમસ્તક થઈ હાર સ્વીકારી અને હીરો રાજાને ભેટમાં આપ્યો.

હીરાના વેપારીએ અંધ માણસની પાસે જઈને પૂછ્યું, ‘તમે કઈ રીતે ઓળખ્યો કે કયો હીરો સાચો છે અને કયો ખોટો?’ બધા જવાબ સાંભળવા આતુર બન્યા.અંધ માણસ બોલ્યો, ‘અહીં બગીચામાં તડકો છે ને તડકાની ગરમીથી કાચનો ખોટો હીરો ગરમ થઇ ગયો હતો.જયારે સાચો હીરો ગરમ ન હતો.’ આ વાત જીવનમાં આપણને પણ લાગુ પડે છે.નાની નાની વાતે ગુસ્સામાં ગરમ થઈ જનાર લોકો કાચ સમાન છે.વિપરીત પરિસ્થિતિમાં મન અને મગજ શાંત અને ઠંડા રાખી શકનાર મનુષ્ય જ હીરા સમાન સુદ્રઢ છે.      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top