Entertainment

મારે તો દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ બનાવવી છે: શરમન જોશી

‘રંગ દે બસંતી’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘ગોલમાલ’, ‘સ્ટાઇલ’ સહિત અનેક ફિલ્મો અને ‘ઓલ ધ બેસ્ટ’, ‘અમે લઇ ગયા તમે રહી ગયા’ જેવાં અનેક નાટકોના અભિનેતા શરમન જોશીએ નિર્માતા -અભિનેતા તરીકે ‘કોન્ગ્રેચ્યુલેશન્સ’ નામે ગુજરાતી ફિલ્મ બનાવી છે. અરવિંદ જોશી જેવા સુખ્યાત અભિનેતાના પુત્ર શરમન જોશી હમણાં તેમની ફિલ્મના પ્રમોશન માટે સુરત આવ્યા હતા અને ‘ગુજરાતમિત્ર’ સાથે એક્સક્લુઝિવ વાતો કરી હતી. અભિનય ક્ષેત્રમાં હંમેશ કશુંક ખાસ કરવાના આગ્રહી શરમન જોશી સુખ્યાત ખલનાયક પ્રેમ ચોપરાના જમાઇ છે, ‘ગુજરાતમિત્ર’ સાથેની ખાસ મુલાકાત તેઓ અભિનય, ફિલ્મો, ગુજરાત ગુજરાતી, ગમતી વાનગીઓ સહિત ઘણી વાતો કરી છે…

પ્ર: તમે હિન્દી ફિલ્મોમાં જ વ્યસ્ત રહો છો. પહેલી વાર ગુજરાતી ફિલ્મ બનાવી અને તે પણ અભિનેતા ઉપરાંત નિર્માતા તરીકે આ ફિલ્મ બનાવવાનો વિચાર કઇ રીતે આવ્યો?
શરમન જોશી: ‘કોન્ગ્રેચ્યુલેશન્સ’નો વિષય લઇને રેહાન ચૌધરી આવ્યા હતા જે ફિલ્મના દિગ્દર્શક છે. વિષય જ એવો હતો કે હું મારી જાતને નિર્માતા બનતા રોકી ન શકયો. જો કોઇ પુરુષને ગર્ભ રહે તો? આ વિચારમાં જ ઘણી નાટ્યાત્મકતા હતી. અમે આ વિષયને હળવાશ સાથે રજૂ કર્યો છે અને તેમાં જે ગંભીરતા હોય તે પણ જાળવી છે. મારે ઘણાં વર્ષથી ગુજરાતી ફિલ્મ બનાવવી જ હતી અને સારો વિષય મળ્યો એટલે તૈયાર થયો છું.આ ફિલ્મ સાથે સંકળાયેલા સહુએ ખૂબ જ મહેનત કરી છે. હું આ ફિલ્મથી ખુશ છું અને પ્રેક્ષકો પણ ખુશ થશે એની ખાતરી છે.

પ્ર: તમે હિન્દી ફિલ્મોમાં કામ કરો છો ને હવે ગુજરાતીમાં ફિલ્મ બનાવી છે. હિન્દી અને ગુજરાતી ફિલ્મોનું બજેટ જૂદું હોય, સેટઅપ જૂદો હોય, તો આ ફરક અનુભવો છો?
શરમન: ઝાઝો ફરક નથી અનુભવતો. બજેટના લીધે અમુક લિમિટેશન રહે તે ખરું પણ મૂળ તો વાર્તા કહેવાની રીતે શોધવાની હોય છે. હવે ગુજરાતીઓ પોતાની ભાષાની ફિલ્મ જોવા લાગ્યા છે. નવી પેઢી ગુજરાતી ફિલ્મ જોવા થિયેટરોમાં આવે છે. આ જે પ્રેક્ષક વર્ગ છે તે વધતો જશે તો આપણે પણ મોટા સ્કેલની ફિલ્મો બનાવી શકીશું. જે સાઉથમાં મહારાષ્ટ્રમાં, બંગાળમાં શકય છે તે અહીં પણ શકય છે.

પ્ર: તમે અરવિંદ જોશી જેવા જબરદસ્ત અભિનેતાના પુત્ર છો, પ્રવીણ જોશી તમારા કાકા અને સરિતા જોશી તમારાં કાકી છે. તો ગુજરાતીમાં કામ કરતા શું અનુભવો છો?
શરમન: ગુજરાતી નાટકોથી જ મારી શરૂઆત થઇ છે અને ગુજરાતનાં પ્રેક્ષકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને પ્રેમના બળે જ હિન્દી ફિલ્મો મળી છે.અનેક મોટી ફિલ્મો મળી તે પણ ગુજરાતી સ્ટેજમાં જે કેળવાયો તેનું પરિણામ છે. હવે કોન્ગ્રેચ્યુલેશન્સ’ વડે હું એ જ પ્રેક્ષક પાસે વધુ ચાહત મેળવવા આવ્યો છું.

પ્ર: અભિનેતા માટે નાટક એક માધ્યમ છે ને પછી ફિલ્મ, ટી.વી. અને હવે OTT પ્લેટ ફોર્મ છે. તમે આ માધ્યમફરક કેવો
અનુભવો છો?

શરમન: થિયેટરમાં એવું છે કે એક વાર પરદો ખૂલે પછી તમારે જે પરફોર્મ કરવાનું છે તે કરવાનું છે. ફિલ્મનું એવું કે શુટિંગ કર્યા પછી એડિટીંગ ટેબલ પણ હોય છે અને ત્યાં દિગ્દર્શનનું નિયંત્રણ સતત રહે છે. નવાં માધ્યમો ઉમેરાતાં એકટરની જવાબદારી વધી ગઈ છે. બાકી ફિલ્મ અને OTT પ્લેટફોર્મ સરખાં જ છે.

પ્ર: તમે આમીરખાન, અજય દેવગણ જેવા સ્ટાર્સ સાથે ફિલ્મો કરી અને હીરો તરીકે પણ ફિલ્મો કરતા રહો છો. શું તમને કયારેક એવું લાગે છે કે હીરો તરીકે ફિલ્મો મેળવવામાં તમે અમુક ગુમાવ્યું?
શરમન: હું હાર્ડવર્કમાં માનું છું. જયારે હું ફિલ્મોમાં કામ કરવાનું વિચારતો ત્યારે એવું જ વિચારતો કે મને એકાદ હિન્દી ફિલ્મમાં કામ કરવા મળે અને આજે હું અનેક ફિલ્મો કરી ચૂકયો છું. મૂળ વાત સારી સ્ક્રિપ્ટ અને સેટઅપની છે. આપણે મહેનત કરવાની અને તેમાં ભગવાનના આશીર્વાદ મળે તો ઘણું.

પ્ર: તમે ખૂબ સારા એકટર છો પણ આમીરખાન, અજય દેવગણ વગેરે સાથે કામ કરતાં શું અનુભવો છો?
શરમન: તેઓ ઘણું કામ કરી ચૂકયા છે. આવા દિગ્ગજ સામે કામ કરતાં જરા નર્વસ થઇ જવાય અને તે કારણે જ વધારે મહેનત કરું છું.
પ્ર:આજકાલ આમીરખાન, અક્ષયકુમાર, જહોન અબ્રાહ્મ, સંજય દત્ત વગેરે પણ ખલનાયક તરીકેનાં પાત્રો સ્વીકારે છે. તમને એવાં પાત્રો કરવાં ગમે?
શરમન: ‘રકીબ’ નામની ફિલ્મમાં મારો વિલનનો જ રોલ હતો. અભિનેતા તરીકે જાત સાથે અને ઇમેજ સાથે પ્રયોગ કરવા હું તૈયાર રહું છું.

પ્ર: તમે પ્રેમ ચોપરાનાં દીકરીને પરણ્યા છો જેમની ઇમેજ ખૂબ જાણીતા ખલનાયકની છે. શરૂમાં તમને તેમની એ ઇમેજનો ડર લાગેલો?
શરમન: અરે, મને ખૂબ ડરાવના સપના આવતા કે પ્રેમ ચોપરા એમના 100 ગુંડાઓ સાથે મારી સામે ઊભા છે. મારી પાસે મારી બાઇક હતી જેના પર હું ભાગવાની કોશિશ કરતો. રસ્તામાં પ્રેરણા મળે તો એને કહેતો કે ચાલ મારી સાથે એ ક્યારેક આવે તો ક્યારેક ન પણ આવે પણ પેલા 100 ગુંડા તો હંમેશા રહેતા જ હતા. જ્યારે તેમને મળવાનું થયું ત્યારે ખબર પડી કે તેઓ કેટલા જેન્ટલમેન છે અને ઘણા સિમ્પલ વ્યક્તિ છે અને એમની આજ સરળતા એમની ત્રણેય દિકરીઓમાં પણ જોવા મળે છે.

પ્ર: લગ્ન પછી શું પ્રેરણા ગુજરાતી અને તમે પંજાબી બોલી શકો છો?
શરમન: પ્રેરણા ગુજરાતી બોલી નથી શકતી પણ ગુજરાતી બોલીએ તે બધું સમજી શકે છે. તેને પંજાબી ખાસ આવડતી નથી એટલે મને શીખવી નથી. જો શીખવી હોત તો હું પંજાબી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરતો હોત.
પ્રશ્ન: પ્રેરણા તો પ્રેમ ચોપરા જેવા અભિનેતાની દીકરી છે. તેના માસાજી રાજકપૂર પણ ગ્રેટ અભિનેતા. તે ફિલ્મી કુટુંબમાં જ મોટી થઇ છે, તોય અભિનયમાં કેમ નથી?
શરમન: પ્રેરણાને બીજી બે બહેનો છે અને એ કુલ ત્રણે બહેનોમાં પ્રેરણા વધુ રૂપાળી છે એટલે મેં તેને કહ્યું પણ હતું પરંતુ તે માને છે કે અભિનય બહુ મહેનતનું કામ છે એટલે મારે એ ફીલ્ડમાં નથી આવવું.

પ્ર: તમારા કુટુંબમાં પિતા અરવિંદ જોશી, કાકી સરિતા જોશી, બહેન માનસીથી માંડી કેતકી અને પૂરબી જોશી સહિત બહુ બધા અભિનયક્ષેત્રે છે. તમારું ફેવરીટ કોણ છે?
શરમન: મારા પિતા અરવિંદ જોશી ખૂબ દિગ્ગજ અભિનેતા હતા અને મારા કાકી સરિતા જોશીએ આજે પણ એ ઉમદા અભિનેત્રી તરીકેની છાપ આજે જાળવી રાખી છે. તેઓની ઉર્જા કંઇક અલગ જ હોય. જ્યારે અમારો આખો પરિવાર ભેગા મળે ત્યારે એ પાર્ટીની જાન બની રહે છે. ડાન્સ કરવાની શરૂઅાત પણ તેઓ જ કરે છે. એકજ પ્રોફેશનમાં હોવા છતાં પણ અમારા આખા ફેમિલીનું બોન્ડિંગ ખૂબ સારું છે.

પ્ર: સુરતમાં આવ્યા છો તો કહો કે તમારી મનગમતી વાનગીઓ કઇ?
શરમન: અહીં નાટક કરવા આવતો ત્યારે રતાળુના કંદ ખૂબ ખાતો. પોંક મને ખૂબ ભાવે, ઉંધિયું મને એકદમ ફેવરીટ. ઉંબાડિયું પણ ભાવે. મારાં મમ્મી બેસ્ટ ઉંધિયું બનાવે છે ને પ્રેરણા ખાણી પીણીની બાબતે હવે મારા કરતાં વધારે ગુજરાતી થઇ ગઇ છે.

પ્ર: આજ સુધી તમે જે ફિલ્મોમાં કામ કર્યું તેમાં તમને ન ગમતી ફિલ્મો કઇ? ને ખૂબ ગમતાં પાત્રો કયાં?
શરમન: એક વાર ફિલ્મ સ્વીકારું પછી એવું વિચારતો નથી કે આ ન ગમવા જેવી છે ને તેમાં કામ કરું છું. નિર્માણ દરમ્યાન જો એવું થાય તોય આપણે પ્રામાણિક મહેનત કરવાની. જે ઘણી સારી ફિલ્મો માની હોય તે નિષ્ફળ પણ ગઇ છે પણ તેથી તે મારા માટે ખરાબ નથી બની જતી. મારાં ભજવેલાં સારાં પાત્રોમાં ‘થ્રી ઇડિયટ્સ’, ‘રંગ દે બસંતી’ અને ‘એકસ્યુઝ મી’નું બંટુનું પાત્ર છે- સારી પટકથા, સારા દિગ્દર્શક, સારા સહ-અભિનેતા વડે શ્રેષ્ઠ પરિણામ આપી શકાતું હોય છે.
પ્ર: ‘કોન્ગ્રેચ્યુલેશન્સ’ પછી ફરી ગુજરાતી ફિલ્મો બનાવશો?
શરમન: મારે તો દર વર્ષે એક ગુજરાતી ફિલ્મ બનાવવી છે. પ્રેક્ષકોનો પ્રેમ અને સાથ સહકાર મળે તો ચોક્કસ આ યોજનામાં આગળ વધી શકાય. ગુજરાતના પ્રેક્ષકમાં હવે નવો ઉત્સાહ જોવા મળે છે.આવનારાં વર્ષો વધુ સારાં આવશે. •

Most Popular

To Top