વાપી: (Vapi) કામના સ્થળ પર મહિલા સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના (sexual harassment) કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યાં છે. થોડા વર્ષો પહેલાં હોલિવુડ અને બોલિવુડમાં કામના સ્થળે મહિલાઓ સાથેના હેરેસમેન્ટના વિરુદ્ધમાં me too કેમ્પેઈન ચાલ્યું હતું, તેમ છતાં કોઈ ફરક પડ્યો નથી. હાલમાં વાપીમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. વાપીની એક કંપનીમાં નોકરી કરતી 26 વર્ષીય પરિણીતાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી છે.
- એક મહિના પહેલાં જ સુપરવાઈઝર તરીકે મહિલા વાપીના મોરાઈની એક કંપનીમાં સુપરવાઈઝર તરીકે જોડાઈ હતી
- નોકરી અપાવનાર શખ્સ દ્વારા જ સેક્સયુઅલ હેરેસમેન્ટ કરાયું, કંપનીના ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી પણ કોઈએ દાદ નહીં આપી
- વાપી ટાઉન પોલીસ મથકમાં મહિલાએ ઈન્ચાર્જ વિરુદ્ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાપીમાં રહેતી 26 વર્ષીય પરિણીત મહિલા એક મહિના પહેલાં વાપીની મોરાઈની એક કંપનીમાં નોકરીમાં જોડાઈ હતી. મૂળ દમણના સમાધાન ધૂલે નામના વ્યક્તિએ મહિલાને કંપનીમાં નોકરી અપાવી હતી. મહિલાને સુપરવાઈઝર તરીકે નોકરી મળી હતી. તે વ્યક્તિ કંપનીમાં ઇન્ચાર્જ તરીકે કામ કરે છે.
દરમિયાન 26 ડિસેમ્બરના રોજ મહિલા પ્રોસેસિંગ યુનિટમાં વર્કર્સની હાજરી પુરી રહી હતી ત્યારે સમાધાન ધૂલે ત્યાં આવ્યો તો અને મહિલાને બિઝનેસ સેન્ટરના રૂમમાં બોલાવી હતી. ત્યાર બાદ આઉટડોર પાસે આવેલા દાદરા ઉપર મહિલાને લઈ ગયો હતો અને તેણીના શરીર પર હાથ ફેરવવા માંડ્યો હતો. પરિચિત શખ્સની આ હરકતથી મહિલા ડઘાઈ ગઈ હતી અને તે ત્યાંથી જતી રહી હતી. બે દિવસ સુધી તે નોકરી પર ગઈ નહોતી.
તે ફરી નોકરી પર ગઈ ત્યારે સમાધાન ધૂલેએ મહિલાને એકાંતમાં બોલાવીને કહ્યું હતું કે, મેં તને નોકરી અપાવી છે તો તું મારા માટે પર્સનલી શું કરી શકો છો. આ રીતે સમાધાન ધૂલેએ પરિણીતાની છેડતી કરી હતી.
ગભરાઈ ગયેલી પરિણીતાએ ઘરે જઈ તેના પતિને સમગ્ર હકીકતથી વાકેફ કર્યો હતો. પતિએ હિંમત આપતા પરિણીતાએ કંપનીના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી હતી. પરંતુ ઉપરી અધિકારીઓએ સમાધાન ધૂલે વિરુદ્ધ કોઈ પગલાં લીધા નહોતા. તેથી પરિણીતા અને તેના પતિએ બુધવારે વાપી ટાઉન પોલીસ મથકમાં સમાધાન ધૂલે વિરુદ્ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અંગે ફરિયાદ આપી હતી.