રાજકોટ(Rajkot): ક્ષત્રિય (Kshtriya) સમાજની નારાજગી છતાં રાજકોટ લોકસભાની બેઠક પરથી પુરષોત્તમ રૂપાલા (Purshottam Rupala) જ ચૂંટણી (Election) લડશે એ હવે સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ કોઈ પણ ભોગે ઉમેદવાર બદલવાના મૂડમાં નથી. રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદમાં (Controversy) હવે પાટીદારોએ ઝંપલાવ્યું છે અને પાટીદારો ખુલીને રૂપાલાના સમર્થનમાં આવ્યા છે.
રાજ્યમાં ઠેરઠેર પાટીદારો દ્વારા રુપાલાના સમર્થનમાં બેઠકો મળવા લાગી છે ત્યારે ગઈકાલે ગુરુવારે રાત્રે રાજકોટમાં પુરુષોત્તમ રુપાલાના સમર્થનમાં બેનરો લગાવવામાં આવ્યા હતા. જોકે, આ બેનરોને લીધે આચાર સંહિતાનો ભંગ થતો હોય સવારે ચૂંટણી પંચે તે ઉતરાવી લીધા હતા.
રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામેનો રાજપૂત સમાજનો વિરોધ શાંત પડી રહ્યો નથી. રાજપૂત કરણી સેનાનાં મહિલા પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ આજે સતત ત્રીજા દિવસે અન્નત્યાગ ઉપર બેઠાં છે, બીજી તરફ રાજ્યમાં ઠેરઠેર રાજપૂત સમાજ રૂપાલાને હરાવવા માટે બેઠકો કરી રહ્યો છે, બીજી તરફ પાટીદારો હવે ખુલીને રૂપાલાની તરફેણમાં આવ્યા છે.
ગુરુવારે રાત્રે રાજકોટમાં ઠેરઠેર નરેન્દ્ર મોદી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રુપાલાને ગળે મળતા હોય તેવા બેનરો લાગ્યા હતા. આ બેનરો પર ‘હું નરેન્દ્ર મોદી સાથે છું, હું પુરુષોત્તમ રુપાલા સાથે છું’ એવું લખાણ લખ્યું હતું. રાજકોટની અંબિકા ટાઉનશિપ પર રાત્રે આ બેનર લગાવાયા હતા. આ બેનરો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અંબિકા ટાઉનશિપમાં રૂપાલાના સમર્થનમા 200 જેટલાં પોસ્ટર લાગ્યાં હતાં. લાંબા સમયથી રાજનીતિ મૂકી આપાગીગા ઓટલાના મહંત બનેલા રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકી મેદાને આવ્યા હતા અને રૂપાલાને માફી આપવા ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી.
રાતના અંધારામાં લગાવાયેલા આ બેનરો સવારે અજવાળું થતાં ચૂંટણી પંચની નજરે ચઢ્યા હતા. ચૂંટણી પંચની સ્થાનિક વહીવટી શાખા દ્વારા તાત્કાલિક આ બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા. આચારસંહિતાનો ભંગ થતો હોય બેનરો ઉતારી લેવાયા હતા.
બેનરોમાં શું લખવામાં આવ્યું હતું?
રાજકોટની અંબિકા ટાઉનશીપ બહાર લગાવાયેલા બેનરમાં હું સનાતનની સાથે છું, હું હિન્દુત્વની સાથે છું, હું ભાજપની સાથે છું, હું નરેન્દ્ર મોદી સાથે છું, હું પુરુષોત્તમ રુપાલાની સાથે છું એ મુજબના લખાણ લખવામાં આવ્યા હતા. પાસ દ્વારા આ બેનરો લગાવાયા હતા. બેનરો લગાવી પાટીદારોએ એ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે રાજકોટની બેઠક પરથી પુરુષોત્તમ રુપાલા જ ઈલેક્શન લડશે. રાજકોટમાં હવે ક્ષત્રિય વિરુદ્ધ પાટીદાર આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.