National

હું જ કોંગ્રેસની બોસ છું!, સોનિયા ગાંધીએ આવું કેમ કહ્યું..?

છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસ પક્ષમાં (Congress) કાયમી અધ્યક્ષની માંગણી ઉઠી રહી છે. પક્ષના જ કેટલાંક નેતાઓ દ્વારા છૂપી રીતે કોંગ્રેસના અધ્યક્ષના મુદ્દે ચર્ચા થતી રહી છે. સોનિયા ગાંધીની (Sonia Gandhi) નાદુરસ્ત તબિયતના લીધે તેઓ પૂરતો સમય આપી શકતા નહીં હોય કોંગ્રેસની ધૂરા કોણ સંભાળે તે મુદ્દે પક્ષની અંદર જ ગણગણાટ ચાલી રહ્યો છે, ત્યારે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ની બેઠકમાં સોનિયા ગાંધીએ બધાની બોલતી બંધ કરી દીધી હતી.

કાયમી અધ્યક્ષની માંગણી કરતા કોંગી નેતાઓના નામ લીધા વિના જ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, હું જ કોંગ્રેસની કાયમી અધ્યક્ષ છું. સોનિયા ગાંધીએ કહ્યું કે, દરેક સભ્ય પક્ષના પુનરુત્થાનની ઇચ્છા રાખે છે પરંતુ તેના માતે પક્ષમાં આંતરિક એકતા અને પાર્ટીના હિતોને સર્વોપરી રાખવાની આવશ્યકતા છે. પાર્ટીના તમામ નેતાઓએ સ્વનિયંત્રણ અને અનુશાસન રાખવાની સૂચના સોનિયાએ આપી હતી.

બળવાખોર નેતાઓના જી-23 ગ્રુપ પર પરોક્ષ રીતે નિશાનો સાધતા સોનિયા ગાંધીએ કહ્યું કે, હું જ કાયમી કોંગ્રેસ અધ્યક્ષ છું. મેં હંમેશા સ્પષ્ટ અને પારદર્શી વ્યવહારનો આગ્રહ રાખ્યો છે. તેથી મીડિયાના માધ્યમથી મારી સાથે સંવાદ સાધવાની જરૂર નથી. આ મુદ્દા પર ઈમાનદારીથી ચર્ચા કરવા હું તૈયાર છું.

સંગઠન અને પ્રમુખની ચૂંટણીના મુદ્દે સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે 30 જૂન સુધી નિયમિત કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે એક રોડમેપ તૈયાર કર્યો હતો, પરંતુ કોરોનાની બીજી લહેરના લીધે તે કામ અનિશ્ચિત મુદ્દત માટે ટાળવામાં આવ્યું છે. આજે આ મુદ્દે સ્પષ્ટતા કરવાની તક છે. લખમીપુર ખેરી કાંડ પર સોનિયા ગાંધીએ કહ્યું કે, લખમીપુર ખેરીની આઘાતજનક ઘટનાએ ભાજપની માનિસકતાને ખુલ્લી પાડી છે. ભાજપ ખેડૂત આંદોલન પ્રત્યે શું વલણ ધરાવે છે તે છતું થયું છે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં કોંગ્રેસના વરિષ્ઠ સભ્ય કપિલ સિબ્બલે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તરફેણ કરી હતી. સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ કોંગ્રેસનું દુર્ભાગ્ય છે કે પક્ષ પાસે કોઈ ચૂંટાયેલા પ્રમુખ નથી. આ સાથે સિબ્બલે ગાંધી પરિવાર પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

Most Popular

To Top