Comments

હું જ મારો ખાસ મિત્ર છું

એક પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર હતા અને તેમની ખાસિયત હતી કે તેઓ પોતાની વાત ભારેખમ શબ્દોમાં નહિ પણ સરળતાથી હળવી મજાક સાથે સમજાવતા અને બધાને તેમની આ રીતે સમજાવવાની રીત બહુ ગમતી એટલે તેમના ચાહકો ઘણાં હતાં.

આ સ્પીકર મોટે ભાગે એકલા જ રહેતા અને પોતાનાં નાનાં મોટાં કામ બધાં પોતાની જાતે જ કરતાં.તેમને નજીકથી જાણનાર એક બિઝનેસમેને કહ્યું, ‘મારા મતે તમે જો કોઈ સેક્રેટરી કે સાથી રાખી લો તો તમે તમારું કામ વધુ સારી રીતે કરી શકશો અને તમારો સમય નાનાં નાનાં કામ કરવામાંથી બચી જશે તો તમે વધુ સારી રીતે મોટાં કામ કરી શકશો.’

મોટીવેશનલ સ્પીકર બોલ્યા, ‘મને મારાં દરેક કામ મારી રીતે કરવાં જોઈએ છે અને મારાં કામ છે તો મારે જ કરવાં જોઈએ તેમ હું માનું છું કારણકે હું જ બધાને સેમિનારમાં સમજાવું છું કે પોતાનાં કામ જાતે કરો. અન્ય કોઈ પર આધાર ન રાખો વગેરે વગેરે..એટલે મને કોઈ સેક્રેટરી કે સહાયક રાખવાની જરૂર નથી લાગતી.’

બીઝનેસમેન બોલ્યા, ‘તમે મોટે ભાગે એકલા જ હો છો.સહાયક અહીં પણ સાથે એકાદ મિત્ર તો જોઈએ ને..’ મોટીવેશનલ સ્પીકર હસ્યા અને બોલ્યા, ‘મિત્ર ..છે ને..મારી પાસે એક શ્રેષ્ઠ મિત્ર છે.’ બિઝનેસમેન બોલ્યો, ‘પણ સર, હું તો તમારા મોટા ભાગના સેમિનારમાં આવું છું, મેં તો તમને હંમેશા એકલા જ જોયા છે.મેં તો તમને કદી તમારા મિત્ર સાથે જોયા જ નથી.’

મોટીવેશનલ સ્પીકર વળી હસીને બોલ્યા, ‘અરે, અમે બંને એક જ શરીરમાં રહીએ છીએ.હું પોતે જ મારો શ્રેષ્ઠ મિત્ર છું.’ મોટીવેશનલ સ્પીકરનો આવો વિચિત્ર જવાબ સાંભળી બીઝનેસમેન બોલ્યા, ‘એટલે તમે શું કહેવા માંગો છો.મને ખબર છે તમારી આવી મજાકભરી વાતોમાં કોઈ સંદેશ હોય છે.કારણ વિના તમે કોઈ મજાક કરતાં નથી.’

સ્પીકર બોલ્યા, ‘જુઓ, તમે કહ્યું કે તમે મારા લગભગ દરેક સેમિનારમાં આવો છો અને મને સાંભળો છો તો તમને મજા આવે છે એટલે જ આવતા હશો ને મને સાંભળવા?’ બીઝનેસમેન બોલ્યા, ‘હા’ સ્પીકરે આગળ કહ્યું, ‘તો પછી વિચારો ચાર કે આઠ કલાકના સેમિનારમાં તમને મારી જોડે રહેવાની ,મારી વાતો સાંભળવાની મજા આવે છે તો પછી હું પોતે તો મારી સાથે ૨૪ કલાક રહું છું.

મને કેવી મજા આવતી હશે.મારી આ મજાકભરી વાતમાં ગંભીરતા છે, જાતને ઓળખવાની…પોતાના આંતરમન સાથે વાત કરવાની …તે અંતરના દ્વાર ખોલી આનંદનાં અજવાળાં આપે છે.દરેક માણસ પોતાનો સારો મિત્ર બની શકે છે અને મિત્ર બની પોતાને ઓળખી શકે છે.પોતાની જાતના મિત્ર બની તો જુઓ, આનંદ આવશે.

ચાલો, પોતાની જાત સાથે આજે જ મિત્રતા કરીએ.   

  • આ લેખમાં પ્રગટ થયેલાંવિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top