હથોડા: (Hathoda) તરસાડી ખાતે ફ્રીજમાંથી (Fridge) પાણી પડતાં પાછળનો ભાગ ખોલવા પત્નીએ પતિને જણાવતાં ઉશ્કેરાયેલા પતિએ (Husband) પત્નીના માથામાં દસ્તાના ઉપરાછાપરી ઘા કરી માથું ફોડી નાંખી લોહીલુહાણ કરી નાંખી છૂટાછેડા આપી દેવાની ધમકી આપતાં પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી હતી.
- તરસાડીમાં ફ્રીજનો પાછળનો ભાગ ખોલવા કહેતાં પતિએ પત્નીનું માથું ફોડી નાંખ્યું
- ઘરમાં ફ્રીજમાંથી પાણી પડતું હોવાથી મહિલાએ પતિને જણાવ્યું કે ફ્રીજના પાછળનો ભાગ ખોલી આપો અને પછી થયું આવું
- હું સામાવાળાના ઘરે ઊભો હતો એટલે તેં મારા ઉપર વહેમ રાખી બોલાવી લીધો છે કહી પત્નીને માર માર્યો
તરસાડીના ઊંટિયાદરા રોડ ખાતે રહેતી મનીષા હર્ષદ ઉદેસિંહ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારા ઘરમાં ફ્રીજમાંથી પાણી પડતું હોવાથી મેં મારા પતિ હર્ષદને જણાવ્યું હતું કે, ફ્રીજના પાછળનો ભાગ ખોલી આપો. પરંતુ મારા પતિએ જણાવ્યું કે હું સામાવાળાના ઘરે ઊભો હતો એટલે તેં મારા ઉપર વહેમ રાખી બોલાવી લીધો છે એમ કહી પત્નીને બે-ત્રણ થપ્પડ મારી દઈ ગાળાગાળી કરી રસોડામાં પડેલો મરચાં વાટવાનો લોખંડનો દસ્તો પત્નીના માથામાં મારી દેતાં માથું ફોડી નાંખી લોહીલુહાણ કરી નાંખ્યું હતું.
ઉપરાંત વધુ ઉશ્કેરાઈને પત્નીને જણાવ્યું હતું કે, તારા પિતાજીને હમણા બોલાવ. મારે તને રાખવી નથી. છૂટી કરી દેવી છે. જો નહીં બોલાવશે તો તને જાનથી મારી નાંખીશ એવી ધમકી આપતાં ગભરાઈ ગયેલી મનીષાએ આખરે કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બગુમરામાં ગરબા રમતી વેળા ઢળી પડતાં 21 વર્ષીય યુવકનું મોત
પલસાણા: પલસાણાના બગુમરામાં ગત ગુરુવારે એક યુવક ગરબા રમતી વેળા અચાનક નીચે ઢળી પડ્યો હતો. જેથી તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના બગુમરા ગામે પારસી ફળિયામાં રહેતો દર્શનકુમાર જયેશભાઇ રાઠોડ (ઉં.વ.૨૧) ગત ગુરુવારે બગુમરાના આમલી ફળિયામાં ગરબા રમી રહ્યો હતો. જ્યાં અચાનક તેની તબિયત લથડતાં નીચે ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.