વલસાડ: વલસાડથી (Valsad) પસાર થતા હાઇવે નંબર 48 પર મોટા મોટા ખાડા (pothole) પડી ગયા છે. જેમાંથી પસાર થતાં વાહનોના ટાયર ફાટી જવાની ઘટના તો બની જ છે, પરંતુ આવા જ એક ખાડામાં બાઈક (Bike) પટકાયા બાદ બાઇક પર સવાર એક આખો પરિવાર રસ્તા પર પડી ગયો હતો. જેના પરથી એક ટ્રક (Truck) ચાલી જતા એક સાથે પતિ, પત્ની અને પુત્રીનું મોત (Death) નીપજ્યું હતું.
- બાઈક સવાર આખો પરિવાર રોડ પર પટકાયો ને ટ્રક ફરી વળી
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ડુંગરીમાં રહેતા સુનિલભાઈ પટેલ (ઉ. વ. 44) તેમના પત્ની રંજનબેન પટેલ અને પુત્રી હેત્વી બાઈક ( GJ-15-AC-342 ) પર અનાવલ ગામે ગુરુપૂર્ણિમાની પૂજા કરવા ગયા હતા. તેઓ અનાવલ થી પરત ફરી રહ્યા હતા ત્યારે ડુંગરી નજીક હાઈવે પર એક ખાડામાં તેમને બાઈક પડતાં ત્રણેય જણ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. એ સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક ટ્રક (GJ-11-VV-7707) તેમના પરથી ફરી વળી હતી. જેના કારણે ગંભીર ઇજાના પગલે સુનિલભાઈ અને રંજનબેનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમની પુત્રી હેતવી પણ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. પરંતુ હેતવીનો જીવ પણ બચી શક્યો ન હતો. આ બનાવ સંદર્ભે ડુંગરી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના કારણે સ્થાનિકોમાં નેશનલ હાઇવે ઓથરિટી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
કપરાડાના રોહિયાલ તલાટ ખાતે ડુંગર ધસી પડતાં શ્રમજીવીનું ઘર ધરાશાયી
વલસાડ: વલસાડના કપરાડા તાલુકામાં રોહિયાળ તલાટ ગામ ખાતે ડુંગર નજીક રહેતા શ્રમજીવી પરિવાર રામયયાભાઈ વઘમર્યાનું કાચું ઘર નજીકના ડુંગરની ભેખડ ધસી પડતાં ધરાશાયી થતાં ભર વરસાદમાં પરિવાર માર્ગ પર આવી ગયું છે. જોકે ઘટના સમયે પરિવાર ઘરમાં ન હોઈ તમામનો બચાવ થયો હતો ઘટનાની જાણ થતાં જ કપરાડા ઇન્ચાર્જ મામલતદાર દ્વારા ત્વરિત તલાટીને જાણ કરતા ઘટના સ્થળ પર પહોચી નુકસાનીનો સરવે કરી રિપોર્ટ કચેરીને સોંપ્યો હતો. ઉપરાંત અંતરિયાળ લીખવડ ગામ ખાતે બાડુસા ફળિયા તરફ જતા માર્ગ ઉપર પણ ડુંગરની માટી ધસી ગઈ હતી. જેને લઇ સ્થાનિકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો..ધરમપુર આસુરા સર્કલથી લઇ બાયપાસ પેટ્રોલપંપ નજીક નાશિક રોડને જોડતો માર્ગ વાહન ચલાવવા લાયક જ રહ્યો નથી એટલી હદે તૂટી ગયો છે.