લગ્નના માત્ર 2 જ મહિના બાદ પતિએ પોતાની પત્નીને (Husband sell wife) વેચી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ઓડિશાની (Odisha) આ ઘટના છે. અહીં એક 17 વર્ષીય કિશોરે 24 વર્ષીય યુવતીને ફોસલાવીને લગ્ન કર્યા અને ત્યાર બાદ એક વૃદ્ધને તેને વેચી દીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે મોબાઈલ ફોન (Smart Phone) ખરીદવા માટે યુવકે પોતાની પત્નીને વેચી દીધી હતી.
રાજસ્થાનમાં (Rajshthan) લગ્નના બે મહિના પછી 55 વર્ષના યુવકને 1 લાખ 80 હજાર રૂપિયામાં પત્ની વેચવા બદલ રાજસ્થાનમાં એક 17 વર્ષના કિશોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કિશોર ઓડિશાના બોલંગીર જિલ્લાનો રહેવાસી છે. બેલપારા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ બુલુ મુંડાએ જણાવ્યું કે 17 વર્ષીય સગીર કિશોર સોશિયલ મીડિયા (Social Media) દ્વારા 24 વર્ષની યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, ત્યારબાદ તેમના પરિવારજનો પરંપરાગત રીતે લગ્ન કરવા રાજી થયા હતા. લગ્નના બરાબર બે મહિના પછી, કિશોરે કેટલીક આર્થિક સમસ્યાઓને ટાંકીને તેની પત્નીને તેની સાથે રાયપુર જઈને ઈંટના ભઠ્ઠામાં કામ કરવા અને સાથે કમાવા કહ્યું, પરંતુ તેના બદલે તે તેની પત્નીને રાજસ્થાનના એક ગામમાં લઈ ગયો હતો.
દંપતી ઈંટના ભઠ્ઠામાં કામ કરવા માટે રાયપુર અને ઝાંસી થઈને રાજસ્થાન ગયા હતા. જો કે, નવી નોકરીના થોડા દિવસો પછી કિશોરે તેની પત્નીને 1,80,000 રૂપિયામાં બારન જિલ્લાના 55 વર્ષીય વ્યક્તિને વેચી દીધી. પત્ની વેચ્યા પછી કિશોરે ખાવા પાછળ ઘણો ખર્ચ કર્યો અને તે પૈસાથી મોંઘો સ્માર્ટફોન પણ ખરીદ્યો હતો. એટલું જ નહીં ઉલટા ચોર કોટવાલ કો ડાંટે કહેવતને અનુસરતા યુવકે યુવતીના પિતાને ઓડિશામાં ઘરે બોલાવીને આરોપ લગાવ્યો કે તે કોઈની સાથે ભાગી ગઈ છે. યુવતીના પરિવારજનોએ તેની વાત માની નહીં અને પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. પોલીસે તેના કોલ રેકોર્ડ્સ તપાસ્યા અને તેની વાતોમાં કંઈક ખોટું જણાયું હતું.
ફરિયાદના આધારે, બોલંગીર એસપી નીતિન કુસલકર દ્વારા આ મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી હતી. એસપીએ કહ્યું કે અમે તેની પૂછપરછ કરી અને ખબર પડી કે તેણે તેની પત્નીને વેચી દીધી છે. બોલાંગીરથી એક ટીમ યુવતીને શોધવા રાજસ્થાન ગઈ હતી.
ઓડિશાની પોલીસ ટીમને બરન ગામ પહોંચ્યા બાદ યુવતીને બચાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ગામલોકોએ રસ્તો બંધ કરી દીધો હતો. યુવતીને ખરીદનાર 55 વર્ષના વૃદ્ધે કહ્યું કે, મેં 1.80 લાખમાં તેને ખરીદી છે. જોકે, રાજસ્થાન પોલીસના જવાનોની મદદથી ઓડિશાની ટીમ યુવતીને નજીકના પોલીસ સ્ટેશન લઈ જવામાં સફળ રહી હતી. યુવતીને પૂછ્યું કે તે ક્યાં જવા માંગે છે ત્યારે યુવતીએ ઓડિશામાં માતા-પિતા પાસે પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ ગામલોકો તેને જવા દેવા માટે સંમત થયા હતા.
આ તરફ યુવકે દાવો કર્યો હતો કે, તેણે તેની પત્નીને વેચી નથી. પરંતુ 60,000 રૂપિયામાં ગીરવે મૂકી છે. તેણે કહ્યું કે, તેને રૂપિયાની જરૂર હતી. કારણ કે તેને હૃદયની કેટલીક સમસ્યા છે. તેને સર્જરીની જરૂર છે. 17 વર્ષીય કિશોરને શુક્રવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને સુધારણા ગૃહમાં મોકલી આપ્યો હતો.