યુક્ત રાષ્ટ્ર દ્વારા જેને ‘માનવાધિકારોના સૌથી ઘાતકી ઉલ્લંઘનકર્તા’નું બિરુદ મળ્યું છે તે ઉત્તર કોરિયાના સર્વોચ્ચ વડા કિમ જોંગ-ઉન દુનિયામાં તેમની ચિત્ર-વિચિત્ર શાસન પ્રણાલી માટે ક્યારેક રોષનું તો ક્યારેક મજાકનું કારણ બનતા રહ્યા છે. એમાં તાજો ઉમેરો એ થયો છે કે તેમના પિતા અને ભૂતપૂર્વ શાસક કિમ જોંગ-ઈલની ૧૦મી મૃત્યુતિથિએ તેમને શ્રદ્ધાંજલિ આપવાના ભાગે દેશમાં ૧૧ દિવસ સુધી હસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દિવસોમાં લોકો કોઈ સેલિબ્રેશન પણ નહીં કરી શકે. નિયમનું ઉલ્લંઘન કરનારને જેલમાં પૂરી દેવામાં આવશે.
ઉત્તર કોરિયામાં હસવું આમ પણ સહેલું નથી. તેના નેતાને એ ગમતું નથી. એ નેતા પોતે અનેક જોક્સનો વિષય છે. ઉત્તર કોરિયાના અમુક અધિકારીઓએ લંડનમાં એક સલુનમાં તેમના નેતાનો વાળવાળો ફોટો જોઇને વાંધો ઉઠાવ્યો હતો. ઉત્તર કોરિયાએ એક વાર રાષ્ટ્ર સંઘ પાસે માંગણી કરી હતી કે ‘ધ ઇન્ટરવ્યૂ’ નામની અમેરિકન કોમેડી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે કારણ કે તેમાં તેમના નેતાની હત્યાની સાજીશની વાર્તા હતી. તેમણે હમણાં ચીનને પણ એક કોમેડી વીડિયો પર પ્રતિબંધ મૂકવા માંગણી કરી હતી, જેમાં બરાક ઓબામા કિમ જોંગ-ઉનને તમાચો મારતા બતાવ્યા હતા.
સુનંદા કે. દત્તા-રે નામના સીનિયર પત્રકારે એક લેખમાં લખેલું કે ભારતીયો વધુ મુક્ત રીતે હસતા થયા છે તેનું કારણ અંગ્રેજી ભાષા છે. હિન્દી, પંજાબી, બંગાળી, ગુજરાતી અને અન્ય ભાષામાં તગડી વિનોદવૃત્તિ છે પરંતુ અંગ્રેજી બોલનારાઓ એને નવી ઊંચાઈએ લઈ ગયા છે. સુનંદા લખે છે કે બ્રિટિશરો ભારતીય ઈંગ્લિશમાં હ્યુમર લઈ આવ્યા હતા. આપણે આમ જીવનમાં હસીએ છીએ પરંતુ કિતાબો, TV શો કે ફિલ્મોમાં હજુય તેની સામે અવરોધો છે. ભારતીયોને મજાક પસંદ નથી અથવા એક સંસ્કૃતિ તરીકે મજાકને ‘ગંભીરતાથી’ લેતા નથી તેનું ઉદાહરણ અનેકાનેક કિતાબો અને ફિલ્મો છે, જેની સામે વિરોધ થાય છે.
ભારત કપિલ શર્માની કોમેડી પર હસી શકે છે પણ મુન્નવર ફારૂકી, વીર દાસ કે કુણાલ કામરાના વ્યંગ પર નારાજ થઇ જાય છે. કેમ? કારણ કે કપિલની કોમેડી ભદ્દી અને સ્ત્રી-વિરોધી હોય છે, જયારે સ્ટેન્ડ-અપ કોમેડિયનોના જોક્સ ભારતની રાજકીય-સામાજિક પરિસ્થિતિઓ પર હોય છે. ભારતીયોને સસ્તી અને ફૂવડ કોમેડી સૌથી શ્રેષ્ઠ મનોરંજન લાગે છે પરંતુ તેમના સામાજિક જીવનના દંભ અને બે મોઢાવાળી વાતો પર કોઈ રમૂજ કરે તો તેઓ અસહિષ્ણુ થઇ જાય છે. એક જમાનામાં આપણે ‘ફલોપ શો’, ‘યે જો હૈ જિંદગી’, ‘નુક્કડ’ અને ‘હમ પાંચ’ જેવી સીરિયલો જોઈને હસતા હતા અને જસપાલ ભટ્ટી, શેખર સુમન, રાકેશ બેદી, શફી ઈનામદાર અને સતીશ શાહના વન લાઈનર્સ પર તાળીઓ પાડતા હતા. આજે આપણે ફારૂકી, વીર કે કુણાલને જેલમાં જોવા માંગીએ છીએ. ભારતમાં રાજકીય વ્યંગની પ્રથા અંગ્રેજોના કારણે આવી હતી અને એક જમાનામાં તેનું તંદુરસ્ત પ્રચલન હતું. હવે રાજનીતિમાંથી વ્યંગ ગાયબ થઇ રહ્યો છે.
કેશવ શંકર પીલ્લાઈ નામના કાર્ટૂનિસ્ટે ૧૯૪૮માં જ્યારે સંવિધાનનું ગઠન થઈ રહ્યું ત્યારે ‘સંવિધાન’ નામની ગોકળગાય પર ડૉ. બાબાસાહેબ આંબેડકર બેઠા હોય અને પાછળ નહેરુ ચાબુક લઈને ઊભા હોય એવું કાર્ટૂન દોરેલું. આ કાર્ટૂન NCERTના પાઠયપુસ્તકમાં પ્રકટ થયું તેના પગલે સંસદ અને પૂરા ભારતમાં ૨૦૧૨માં વિવાદ અને તનાવ થયેલો. ‘જાને ભી દો યારો’ નામની કલ્ટ કોમેડી બનાવનાર દિગ્દર્શક કુંદન શાહ કહે છે, ‘તમે રસ્તા પર ઊભા રહો તો ખૂબ વિનોદ જોવા-સાંભળવા મળશે પણ એને સરળતાથી પરદા પર લાવી શકાતું નથી.’ ભારત મુનિના પૌરાણિક ‘નાટયશાસ્ત્ર’માં હાસ્યને પ્રમુખ નવ રસમાં સ્થાન આપવામાં આવ્યું છે છતાં હસવું એ ભારતીયોની વૃત્તિ રહી નથી.
ઈતિહાસકાર રામચન્દ્ર ગુહા કહે છે સામાન્ય ભારતીયોમાં પોલિટિકલ હ્યુમર નથી અને એટલે જ આંબેડકરના કાર્ટૂન જેવો ફિયાસ્કો થતો રહે છે. લીડરોને આપણે ગુરુની કક્ષાએ મૂકીએ છીએ એટલે એમના પર વિનોદ કરવાનું વર્જ્ય છે. આપણી સંસદીય બેઠકોમાં છૂટા હાથની મારામારી થઈ શકે છે પરંતુ આપસમાં હસવું કે ટીખળ કરવાની જાણે મનાઈ છે. હસવાથી વિષયની ગંભીરતા ખતમ થઈ જાય છે એવું આપણે માનીએ છીએ. નહેરુ એક વાર મોસંબી છોલતા હતા તે જોઈને સીનિયર સાંસદ મહાવીર ત્યાગી બોલેલા કે મોસંબીના છીલકામાં વિટામિન હોય છે. નહેરુ પટ દઈને બોલ્યા, ‘ત્યાગીજી, તમે વિટામિનનું ધ્યાન રાખો, હું બાકીની મોસંબી ખાઉં.’ ત્યાગી ત્યારે તો ગમ મારી ગયા પણ સંસદમાં નહેરુ હાથમાં આવી ગયા. અક્સાઈ ચીન પરની ચર્ચામાં નહેરુએ એને એવો વિસ્તાર ગણાવ્યો જ્યાં ઘાસનું તણખલુંય ઊગતું નથી. ત્યાગીએ ઊભા થઈને નહેરુના માથાની ટાલ બતાવીને કહેલું, ‘એમ તો અહીં એકેય વાળ ઊગતો નથી, એનો મતલબ મારે એને દુશ્મનના હાથે જતું કરવાનું?’
નહેરુ બ્રિટિશ રંગે રંગાયેલા લીડર હતા એટલે ત્યાગી આવી મજાક કરી શક્યા. કલ્પના કરો કે કોઈ નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, મમતા બેનર્જી કે ઉદ્ધવ ઠાકરે વિશે આવી ટીખળ કરી શકે? કટાક્ષ માટે અંગ્રેજીમાં ‘સાર્કાઝમ’ શબ્દ છે. સાર્કાઝમ ગ્રીક શબ્દ ‘સાર્કાઝીન’ પરથી આવે છે, જેનો મતલબ થાય છે ‘માંસ ચીરવું.’ એટલા માટે જ કટાક્ષ અથવા વ્યંગની આગળ ‘કાતિલ’ શબ્દ લાગે છે. કટાક્ષ અને રમૂજમાં ફર્ક છે. રમૂજ સહિયારું હાસ્ય છે. કટાક્ષ સામેવાળી વ્યક્તિના ભોગે હોય છે. રમૂજનો હેતુ રિલેક્સ થવાનો અને લગાવ પેદા કરવાનો હોય છે. કટાક્ષનો ઉદેશ્ય બીજી વ્યક્તિને શરમજનક અને સ્ટુપીડ સાબિત કરવાનો હોય છે. રમૂજ વિચારલક્ષી હોય. કટાક્ષ વ્યક્તિલક્ષી હોય. રમૂજ કટાક્ષ કર્યા વગર પણ થઈ શકે. કટાક્ષ રમૂજ વગર અસરકારક ન હોય. સિગમંડ ફ્રોઇડે કહ્યું હતું કે જોક્સમાં માણસની દબાયેલી હિંસા વ્યક્ત થાય છે. એટલા માટે પોલિટિકલ કાર્ટૂનને સહન કરવાનું સૌના ગજામાં નથી હોતું.