SURAT

તેરા એડ્રેસ બોલ તુજે વહાં આકે જાનસે માર દુંગા, તુને સકીના કે સાથ શાદી ક્યો કી? : સુરતમાં પ્રેમીએ પ્રેમિકાના પતિને ધમકી આપી

સુરત: (Surat) ભાઠેના ખાતે રહેતા યુવકને મહોલ્લામાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ (Love) હતો. યુવતીએ પ્રેમસંબંધ તોડી અન્ય યુવક સાથે નિકાહ કરી લીધા હતા. પ્રેમિકાએ બીજે લગ્ન કરી લેતા અદાવત રાખીને યુવકે પ્રેમિકા સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર વાયરલ (Viral) કર્યા હતા. તથા પ્રેમિકાના પરિવારને તથા તેના પતિને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપી હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાઠેના ખાતે રહેતી 21 વર્ષીય શબાના (નામ બદલ્યું છે) ની નાની બહેન સકીનાને (નામ બદલ્યું છે) મહોલ્લામાં રહેતા અસલમ ખૈરાત સૈયદ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે બાદમાં સખીનાએ અસ્લમ સાથે પ્રેમસંબંધ રાખવા ઇનકાર કર્યો હતો. અને સખીનાએ તેના માસીના દિકરા સાથે 15 જુને નિકાહ કરી લીધા હતા. અને ત્યારથી તેના પતિના ઘરે રહેતી હતી.

અસલમ શબાનાના ઘરે આવીને ધમકી આપતો હતો કે ક્યું તુમ લોગોને સકીના કી શાદી દુસરી જગહ કર દી તેમ કહીને ઘરના સભ્યોને ગાળો આપી હતી. તથા સબ કો બદનામ કર દુંગા તેરી બહેન સખીના કા મેરે સાથ કા જો ફોટો હે વો સબ વાયરલ કર દુંગા તેવી ધમકી આપતો હતો. સકીનાના પતિના મોબાઈલ ઉપર અલગ અલગ નંબર પરથી ફોન કરીને તેરા એડ્રેસ બોલ તુજે વહા આ કે જાન સે માર દુંગા તુને ક્યું સકીના સે શાદી કી તેમ કહીને ધમકી આપતો હતો. પરિવારના સભ્યો તેને સમજાવવા ઘરે ગયા છતાં ગાળો આપી હતી. ગત 22 જુલાઈએ તેણે સખીના સાથે પાડેલા તેના ફોટો મિ-આતિફ-અસલમ-143 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી વાયરલ કર્યા હતા. આ ફોટો હટાવવા માટે સમજાવ્યો તો તુમ સબ કો જાન સે માર દુંગા કીસી કો નહીં જીને દુંગા તેવી ધમકી આપી હતી. જેથી ગભરાઈ ગયેલી શબાનાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અસલમ સામે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top