શિમલાઃ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક કથિત ગેરકાયદે મસ્જિદને લઈને હોબાળો ફાટી નીકળ્યો છે. અહેવાલો અનુસાર સંજૌલી, શિમલામાં બનેલી ગેરકાયદેસર મસ્જિદ સંબંધિત વિવાદ વધી રહ્યો છે અને રાજ્યની સુખવિંદર સિંહ સુખુ સરકારમાં મંત્રી અનિરુદ્ધ સિંહે ગેરકાયદે બાંધકામને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે. શિમલાના ચૌરા મેદાનમાં હિન્દુ સંગઠનોના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંજૌલીમાં જ્યાં મસ્જિદ બનેલી છે તેની આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદ સંજૌલીમાં બજારની બાજુમાં બનાવવામાં આવી છે અને તેના બે માળ ગેરકાયદેસર છે.
મસ્જિદ મામલે રવિવારે અહીં પ્રદર્શન થયું હતું અને હવે આ મામલાએ જોર પકડ્યું છે. આવી સ્થિતિમાં સરકારે સંજૌલીમાં 5 કિમીની ત્રિજ્યામાં પોલીસ દળને તૈનાત કરી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. બપોરના 12 વાગ્યા સુધી સમગ્ર વિસ્તારમાં બધું શાંત હતું પરંતુ પછી અચાનક ભીડ સ્થળ પર પહોંચી ગઈ હતી. દરમિયાન હિમાચલ પ્રદેશ સરકારના મંત્રી અનિરુદ્ધ સિંહે આરોપ લગાવ્યો કે મસ્જિદ બહારના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી અને તેને તાત્કાલિક હટાવી દેવી જોઈએ.
બપોર બાદ સંજૌલી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પછી બજારમાં વિરોધ રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ધાર્મિક સ્થળ તરફ જતા માર્ગો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સૌ પ્રથમ સેંકડો લોકો નારા લગાવતા ધાલી ટનલ તરફ જવા લાગ્યા હતા. આ પછી ફરી સંજૌલી ચોક પહોંચ્યા હતા. સંજૌલી ચોકના લોકોએ વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે જો બે દિવસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં નહીં આવે તો તેઓ હજારોની સંખ્યામાં ભેગા થઈને ફરી વિરોધ કરશે. આ દરમિયાન લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
વહિવટી તંત્ર સામે વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હોવા છતા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત લોકોએ રાજ્ય સરકાર પાસે બહારથી આવતા પરપ્રાંતિયોની નોંધણી કરવા અને ગેરકાયદેસર સ્ટ્રીટ વેન્ડરો ઉભા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. લોકોનું કહેવું છે કે બહારથી આવતા લોકો શહેરની કાયદો અને વ્યવસ્થા બગાડી રહ્યા છે. હિન્દુ જાગરણ મંચના પૂર્વ અધિકારી કમલ ગૌતમે લોકોને સંબોધિત કરતા કહ્યું કે સરકારે આ મામલે બે દિવસમાં કાર્યવાહી કરવી પડશે. તેમણે કહ્યું કે તેની સુનાવણી શનિવારે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટમાં થવાની છે. આ પછી પણ જો ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હજારોની સંખ્યામાં લોકો ફરી આંદોલન કરવાની ફરજ પડશે. પ્રદર્શનમાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો.
કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ આ મુદ્દે નિવેદન આપ્યું છે. સુખુએ કહ્યું છે કે હિમાચલ પ્રદેશમાં તમામ ધર્મોનું સન્માન કરવામાં આવે છે. મસ્જિદ સામે વિરોધ કરવા નીકળેલી ભીડ અંગે તેમણે કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી. સીએમએ કહ્યું કે આ મામલે બંધારણ મુજબ કાયદાના દાયરામાં રહીને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેને સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી જોવાની જરૂર નથી. મસ્જિદ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હોવાના પ્રશ્ન પર મુખ્યમંત્રીએ કહ્યું કે જો તે ગેરકાયદેસર હોવાનું જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.