કેટલાક મુદ્દા એવા હોય છે કે જંપવાનું નામ લેતા નથી. સમયાંતરે તે ચર્ચામાં ઉછળતા રહે છે. આવો જ એક મુદ્દો ભોપાલના ગેસકાંડનો છે. દેશના ઈતિહાસમાં બનેલી પહેલવહેલી આવી દુર્ઘટનાને ચચ્ચાર દાયકા વીત્યા છતાં એનું ભૂત થોડા થોડા સમયે ધૂણવા લાગે છે. હવે ફરી એક વાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ડિસેમ્બર, 2024માં મધ્ય પ્રદેશની વડી અદાલતે એક હુકમ જારી કર્યો. એ અનુસાર ગેસકાંડ માટે જવાબદાર અમેરિકન કમ્પની યુનિયન કાર્બાઈડની ફેક્ટરીના સંકુલમાં ચાલીસ વર્ષથી પડી રહેલા ઝેરી કચરાનો નિકાલ માત્ર એક સપ્તાહમાં કરી દેવાનો છે.
આ કચરાને ભોપાલથી અઢીસો કિ.મી.ના અંતરે આવેલા પીથમપુરમાં બાળવાનો છે અને તેની રાખને લેન્ડફીલમાં દાટી દેવાની છે. રાજ્ય સરકારે આ કચરાનું સ્થળાંતર પીથમપુરમાં કરવાનું શરૂ કરી દીધું છે. પીથમપુરના તેમજ આસપાસના વિસ્તારોનાં રહીશો દ્વારા આ કાર્યવાહીનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. આ આખો મુદ્દો વિચારવા જેવો છે. આપણા દેશમાં સરકાર શી રીતે કામ કરે છે અને લોકહિત તેના હૈયે કેટલું વસેલું છે એનો ખ્યાલ તેનાથી આવશે.
પંદરથી વીસ હજાર લોકોનો ભોગ લેનારી આ દુર્ઘટના વિશ્વની કરુણતમ દુર્ઘટનાઓ પૈકીની એક ગણાય છે. અલબત્ત, સરકારી ચોપડે ત્રણેક હજાર લોકોને વળતર અપાયાનું નોંધાયું છે. પણ એ દુર્ઘટનામાંથી કોઈએ કશો ધડો લીધો છે ખરો? ચાલીસ ચાલીસ વરસોથી આ ઝેરી કચરો યુનિયન કાર્બાઈડની ફેક્ટરીના સંકુલમાં પડી રહ્યો છે. તેનાં કેટલાંય તત્ત્વો ઝમીને જમીનમાં ઊતરતાં રહ્યાં હશે અને જમીનને તેમજ ભૂગર્ભ જળને પ્રદૂષિત કરતાં રહ્યાં હશે. આસપાસના વિસ્તારોનાં રહીશોએ ભૂગર્ભ જળ પ્રદૂષિત થયાની ફરિયાદ પણ કરી છે.
સર્વોચ્ચ અદાલતના હુકમથી થોડાં વરસો અગાઉ પીથમપુરમાં કચરાને બાળી જોવાનો પ્રાયોગિક અખતરો કરાયો હતો. વરસો પછી આ દિશામાં થયેલો એ પહેલવહેલો સળવળાટ હતો. અહેવાલ અનુસાર કુલ 358 ટન કચરાને પોલીસ રક્ષણ સાથે પીથમપુર લઈ જવામાં આવ્યો છે. સાથોસાથ અગિયાર લાખ ટન જેટલો પ્રદૂષિત જમીનનો જથ્થો તેમજ ટનબંધ રસાયણોનું પણ સ્થળાંતર કરીને તેનો નિકાલ કરવાનો છે. સ્વાભાવિક છે કે આ પ્રક્રિયામાં મહિનાઓ નીકળશે.
આ સમાચારને કારણે જાતભાતની અફવાઓ પ્રસરવા લાગી. એમાંની એક એવી હતી કે ભોપાલમાંથી લાવેલા કચરાને અહીં ઠાલવવામાં આવતો હતો એ દરમિયાન એક કામદારને ઈજા થઈ હતી. આ અફવાને પગલે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને કચરો બાળવાની ભઠ્ઠી આવેલી છે એ પ્લાન્ટ પર પથ્થરમારો કર્યો. પથ્થરમારો થયો એટલે કાયદો અને વ્યવસ્થાની સલામતી જોખમાઈ અને પોલીસે દખલઅંદાજી કરવી પડી.
પોલીસ કંઈ શાંતિથી ટોળાને વિખેરાઈ જવા માટે સમજાવે નહીં! આખરે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સ્પષ્ટતા કરી કે પોતે સ્થળ મુલાકાત લઈને ચકાસ્યું છે કે હજી એકે કન્ટેનર ખોલવામાં આવ્યું નથી. આથી એને ખાલી કરવા દરમિયાન કોઈ ઘાયલ થયાની વાત પણ અફવા છે. સમગ્રપણે પરિસ્થિતિ ‘નિયંત્રણ હેઠળ’છે. જો કે, ફેક્ટરી સંકુલની ફરતે સો મીટરના વિસ્તારને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, જેનો ભંગ કરનાર પર આકરાં પગલાં લેવામાં આવશે એમ જણાવાયું છે. દરમિયાન પોલીસે ત્રણ જણ સામે વિરોધ પ્રદર્શન સંબંધી કેસ તેમજ કેટલાંક લોકો સામે હુલ્લડબાજીનો પ્રથમદર્શી અહેવાલ નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ઝેરી કચરો બાળવાના વિરોધમાં બે વ્યક્તિઓએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો અને ‘અધિકૃત’ સમાચાર મુજબ તેમની સ્થિતિ સુધારા પર આવી રહી છે. બીજી તરફ રાજ્યતંત્રે લોકનિસ્બત માટેના પોતાના પ્રયત્નો સઘન કરવા માંડ્યા છે. અમુક વિસ્તારમાં લોકો પોતાનાં ઘર છોડીને બહાર જઈ રહ્યાં છે. સરકારે ખાતરી આપી છે કે તે લોકોના સ્વાસ્થ્ય ઉપરાંત એ વિસ્તારની જમીન, હવા અને પાણી પર ચાંપતી નજર રાખશે. પણ લોકોને વિશ્વાસ બેસતો નથી. એનું મુખ્ય કારણ એ કે આ કચરાના નિકાલ બાબતે આટલાં વરસોમાં એકે સરકારે નક્કર કામ કર્યું નથી અને આ સમસ્યા બાબતે ઉપેક્ષા જ સેવી છે, જેને કારણે અવિશ્વાસની ભાવના બળવત્તર બની છે.
દરમિયાન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું છે કે લોકલાગણીને માન આપીને તમામ પરિસ્થિતિ અને વ્યાવહારિક મુશ્કેલીઓ તેઓ અદાલતના ધ્યાને લાવશે. ધાર જિલ્લાનો હવાલો સંભાળતા મંત્રી કૈલાસ વિજયવર્ગીયને આ સમસ્યાનો હલ લાવવાનું કામ સોંપાયું છે. બીજી તરફ વિરોધીઓ હવે આમરણ ઉપવાસ આદરવાનું શરૂ કરશે એમ જણાવી રહ્યા છે. અત્રે યાદ આવે એ સ્વાભાવિક છે કે કૈલાસ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીય સહિત બીજાં નવેક લોકો પર કેટલાક અધિકારીઓ પર બેટ વડે હુમલો કરવાનો આક્ષેપ હતો. આ ઘટનાનો વિડિયો વાયરલ થયો હતો, પણ આક્ષેપ પુરવાર ન થયો હોવાને કારણે સૌને નિર્દોષ છોડવામાં આવ્યા હતા.
વર્તમાન શાસક પક્ષનાં દિવંગત નેતા સુષ્મા સ્વરાજ વિરોધ પક્ષમાં હતાં ત્યારે તત્કાલીન સરકાર સમક્ષ તેમણે આ ઝેરી કચરો અમેરિકા પાછો મોકલવા બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી. આખો ઘટનાક્રમ અને તેની ગતિવિધિઓ એવી છે કે નાગરિકોને સરકાર પર ભરોસો ન બેસે. આમ થાય એમાં નાગરિકોનો કશો વાંક નથી. એમ તો સરકારનો પણ કશો વાંક નથી. કેમ કે, નાગરિકોનો ભરોસો જીતવા સિવાયનાં, સત્તા પર યેનકેન પ્રકારેણ ટકી રહેવા માટેનાં અનેક મહત્ત્વનાં કામ તેમની પ્રાથમિકતામાં હોય છે. જોવાનું એ રહે છે કે આ મામલાનો નિકાલ કેટલી સલામત રીતે આવે છે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.