Comments

લોકશાહીને રસ્તા ઉપર લાવતા રોડ શો કેટલા ઉપયોગી?

‘‘આજના સમયમાં ચૂંટણી જીતવા માર્કેટીંગ અને મેનેજમેન્ટ મહત્ત્વના બનતા જાય છે.’ પ્રથમ દૃષ્ટિએ ગળે ઊતરે તેવી આ દલીલ યોગ્ય નથી. બજાર અને લોકશાહી વચ્ચે પાયાના તફાવત છે. મૂળભૂત મૂલ્યો જ જુદા છે, પણ માહિતી અને પ્રસારણના યુગમાં છાપા અને ચેનલોએ આ રાજકીય બજારમાં પોતાની આવકના સ્રોત શોધી નાખ્યા છે અને માટે જેટલું માર્કેટીંગ વધારે તેટલી આવક વધારેના ન્યાયે તેઓ રાજનેતાઓને એવું સમજાવતા રહે છે કે આજની લોકશાહીમાં આ જ સાચા રસ્તા છે ચૂંટણી જીતવાના, સત્તા મેળવવાના. રાજાઓ પોતાને ઈશ્વરના અવતાર સમજતા અને ભગવાનની જેમ પોતે પ્રજાને દર્શન આપવા રથમાં નીકળતા. પ્રજાને પણ સ્વેચ્છાએ કે અનિચ્છાએ રાજાનાં દર્શન માટે રસ્તાની બન્ને બાજુએ હાથ જોડીને ઊભા રહેવું પડતું.

વ્યક્તિવાદ નાના મોટા અંશે બધે જ છે. લોકો પોતાના મનગમતા નાયકોને જોવા ટોળે વળે છે. મનોરંજન જગતના નાયકોને રૂબરૂ જોવા-મળવાનો એક માનસિક આનંદ હોય છે. મૂળમાં મગજનું કન્ડશનીંગ પણ આ માટે જવાબદાર છે. પ્રજાનું સામાન્ય હોવાનું આ લક્ષણ છે. ગાયકો,ક્રિકેટરો,અભિનેતાઓ એ પ્રજાનું મનોરંજન કરે છે. તેમના વરઘોડા, સરઘસ, રેલી આ પ્રજા તેમને જોવા ઉમટે છે. હવે આ કાર્યક્રમમાં રાજનેતાઓ જોડાયા છે અને તેમાં સમાચાર ચેનલોના લાઈવ પ્રસારણનો ‘તડકો’ ઉમેરાયો છે. પહેલાં ગાંધી, નહેરુ, સરદારની રેલીઓ યોજાતી. પણ તે કયારેક જ થતી, પછી ઇન્દિરા ગાંધીના સમયમાં પણ તે થતું. કયારેક રાહત ફંડ કે જાગૃતિ માટે રોડ શો યોજાતા. પણ છેલ્લા થોડા સમયથી વિવિધ રાજકીય નેતાઓ જે રીતે રોડ શો કરી રહ્યા છે. જાણે લોકશાહી રસ્તા પર આવી ગઈ છે. મોલમાં વેચાતો માલ રસ્તા પર પાથરણાવાળા પણ વેચતા હોય તેમ ચૂંટણી પાથરણાવાળા પણ વેચતા હોય તેમ ચૂંટણી પ્રચાર વી.આઈ.પી. કોન્ફરન્સથી માંડીને રોડ સાઈડ માર્કેટીંગ સુધી આવી ગયો. અહીં એક પક્ષ નેતાઓનો છે તો બીજો પક્ષ આ સત્તાના શક્તિપ્રદર્શનમાં ભીડ બનતાં લોકોનો છે?

શા માટે આપણે આવા રોડ શો માં જવું જોઇએ? એમને માથાં ગણવાં હોય તો આપણે આપણું માથું શા માટે આપવું? ચેનલોવાળા મફત પ્રસારણ કરતા નથી. છાપાવાળા પોતાના અંગત સગાનું બેસણું મફતમાં છાપે તેવા નથી. એ આવા રોડ શો ના રીપોર્ટીંગ લાભ વગર કરવાના નથી. સમજવાનું આપણે છે કે આપણે આપણી જાતનું કેટલું મૂલ્ય ગણવું! આજે સત્તાનો પિરામીડ છે તેમાં લાભ ઉપરથી નીચે વહેંચાય છે. મુખ્યમંત્રી કે વડા પ્રધાન રોડ શો સફળ કરવા કામગીરી સોંપાય. આ કામગીરી ઊતરતા ક્રમમાં કાર્યકર્તા સુધી આવે અને પ્રશંસકો સુધી પહોંચે! દરેકને પોતાને સોંપાયેલા ટાર્ગેટ મુજબ ભીડ લાવવાની હોય! આપણી હાજરીનો લાભ એમને મળવાનો છે! નેતાઓમાં ઉપરના નેતાઓને ‘મોં બતાવવાની’ સ્પર્ધા હોય છે. માટે કોરોનાના જોખમ વચ્ચે પણ, માસ્ક કાઢીને પણ તેઓ હાજરી પુરાવવા મજબૂર હોય છે. મક્કમ હોય છે.

આ બંધ થવું જોઇએ, કારણ વગરના આ લાખોના ખર્ચા બિનઉત્પાદકીય છે.ધંધામાં રોજગાર અને જાહેર જીવનને અસર કરે છે. અને બધી જ પાર્ટીઓમાં, નેતાઓમાં આ લોકપ્રિયતાના શક્તિપ્રદર્શનની હોડ લાગે તે લોકશાહીને વધારે ‘બજારુ’ બનાવશે. જેમ જેમ ચૂંટણીઓ આવશે તેમ તે આ રોડ શો વધશે. આમ તો સમજદાર રાજકીય પક્ષોએ સામેથી જ જાહેર કરવું જોઈએ કે અમે આવા રોડ શો કરીશું નહીં! અને પ્રજાની ખરી ચિંતા હોય એ સૌએ કહેવું જોઈએ કે ચૂંટણીઓ આવશે તો અમે માત્ર ડિઝીટલ સભા જ કરીશું. જો શકય હોય તો ચૂંટણી પંચે પણ આ ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ અને તમામ આગેવાન પક્ષોએ આમાં સંમતિ આપવી જોઈએ. આ પ્રકારના રોડ શો ની જાહેર જીવનના અને લોકશાહીનાં મૂળભૂત મૂલ્યો ઉપર જે અસર પડે છે તેની જાહેર ચર્ચાઓ થવી જોઈએ અને ‘રાજકારણમાં વ્યાપેલા અવતારવાદ અને વ્યક્તિવાદને વધારે વકરતો અટકાવવો જોઈએ! સૌથી મોટો પ્રશ્ન આ રોડ શો ના ખર્ચનો ચર્ચાવો જોઈએ કારણ કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ બોજો અંતે તો પ્રજાના માથે જ પડવાનો છે અને જો પ્રજા જ જાગૃત નાગરિક બને અને વિચારે કે મત આપીએ એટલે ગુલામી નહીં કરવાની. પ્રશંસક હોવું અને તાબેદાર હોવું એ બે માં ફેર છે.’ તો રોડ શો જ નિષ્ફળ જાય!  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top