શિક્ષણમાં બાળકો પર વધુ પરીક્ષાનો ભાર પડવો ન જોઇએ. શિક્ષક દર અઠવાડિયે બાળકોની પરીક્ષા લે તો પેપર કાઢવા અને તેને તપાસવામાં શિક્ષકો રોકાયેલા રહેશે. વિદ્યાર્થીઓને પણ પરીક્ષાનું ટેનશન રહેશે. એના કરતાં દર ત્રણ માસે પરીક્ષા લેવી જોઇએ. પહેલા સત્રમાં બે પરીક્ષા અને બીજા સત્રમાં પણ બે પરીક્ષા. શિક્ષકો િવદ્યાર્થીઓને પુસ્તક સાથે જીવનલક્ષી શિક્ષણ આપી શકે અને વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ જાગે તેવી પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ િવદ્યાર્થીઓને અપાવું જોઇએ. નહીં તો વિદ્યાર્થીઓ કહેશે કે સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર, ભગતસિંહ, લોકમાન્ય તિલક કોણ હતા? શાળામાં વધુ પડતી પ્રવૃત્તિ પણ ન થવી જોઇએ. સરકારી તંત્રે પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર આ સરઘસ કાઢો અને પેલુ સરઘસ કાઢો એવું દબાણ કરી વધુ પ્રવૃત્તિ કરવા માટે દબાણ ન કરવું જોઇએ. શિક્ષકો બાળકોને સારી રીતે ભણાવી શકે એ માટે તેને પુરતો સમય શાળામાં મળવો જોઇએ. શિક્ષકો સરકારી કામકાજ વસતિ ગણતરી કે ચૂંટણી પ્રક્રિયાના કામકાજમાં ડૂબેલા રહે તો એમાં વિદ્યાર્થીઓને જ નુકશાન થાય છે.
નવસારી – મહેશ નાયક -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.