શાહરૂખ ખાનના પુત્ર આર્યન સહિત ઘણા સિતારાઓ ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા છે

દુનિયાની બધી જ ગંદકી ફિલ્મી દુનિયામાં ભેગી થઈ છે; તો પણ આજકાલના યુવાનો બોલિવૂડના સિતારાઓ પાછળ પાગલ છે, તેનું રહસ્ય સમજાતું નથી. ગુજરાતીમાં કહેવત છે કે ‘‘ધન, જોબન ને ઠાકરી, તે ઉપર અવિવેક; એ ચારે ભેગા થયા, અનરથ કરે અનેક.’’ ધન, યુવાની, સત્તા અને અવિવેક આ ચારેયનું ઘાતક મિશ્રણ બોલિવૂડમાં જોવા મળે છે. મુંબઈ પોલિસની નશાવિરોધી શાખા દ્વારા ભરદરિયે પોશ ક્રૂઝ પર દરોડો પાડીને જે યુવકયુવતીઓને પકડવામાં આવ્યા તેમાં મુંબઈના ધનાઢ્ય લોકોના નબીરાઓ સાથે બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પનોતો પુત્ર આર્યન પણ હતો. દરોડાની બાતમી મળતાં સુપરસ્ટારે મીડિયામાં તેના પુત્રનું નામ ન આવે તે માટે ખૂબ ધમપછાડા કર્યા હતા, પણ આખરે તો પાપ છાપરે ચડીને પોકાર્યું હતું. પોલિસ દ્વારા પૂછપરછ માટે જે યુવાનોની અટકાયત કરવામાં આવી તેમાં આર્યન પણ સામેલ હતો.

મુંબઈ શહેરમાં ડ્રગ્સનાં દૂષણ બાબતમાં પોલિસનો પહેરો સખત થયો હોવાથી ધનકુબેરોના નબીરાઓએ ડ્રગ્સની પાર્ટી કરવા માટે ક્રૂઝનો કીમિયો શોધી કાઢ્યો છે. મુંબઇના સમુદ્રતટેથી શનિવારે રાતે જે આલિશાન સ્ટીમર કોર્ડેલિયા રવાના થઈ હતી તે ત્રણ દિવસ સમુદ્રની સફર કરીને પાછી ફરવાની હતી. ત્રણ દિવસ દરમિયાન દેશ-વિદેશના વિખ્યાત ઓર્કેસ્ટ્રા વગેરે દ્વારા મોજમસ્તીનું આયોજન કરવામાં આવ્યું હતું.  યુવનોના મનોરંજન માટે છેક મિયામીથી ડીજે સ્ટેન કોલેવને નોતરું આપવામાં આવ્યું હતું. આ ક્રૂઝ પાર્ટીમાં દિલ્હીના ધનાઢ્ય પરિવારની ત્રણ યુવતીઓ પણ પધારી હતી. બોલિવૂડની કોઈ પણ પાર્ટી ડ્રગ્સ વગર અધૂરી ગણાય છે. તેની ગંધ આવી જતાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના અધિકારીઓ પેસેન્જર બનીને પાર્ટીમાં પહોંચી ગયા હતા. આ ડ્રગ્સ પાર્ટી બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિને જ યોજવામાં આવી હતી. ક્રૂઝ ચલાવતી કંપનીએ તેના કોઈ પણ કર્મચારીઓ નશાકારક ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયા હોવાનો ઇનકાર કર્યો છે.

મુંબઈ પોલિસે શાહરૂખ ખાનના પુત્ર આર્યનની અટકાયત કરી છે, પણ તેની ધરપકડ કરી નથી. પૂછપરછ દરમિયાન તેણે મહત્ત્વની બાતમી આપી હતી કે તેને પાર્ટીમાં મફતમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં સામેલ થવા માટે એક લાખ રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા માત્ર ૧૦૦ ટિકિટો વેચાણમાં મૂકવામાં આવી હતી. તે બધી ટિકિટો ફટાફટ ઓનલાઇન વેચાઈ ગઈ હતી. ટિકિટ બૂક કરાવનારા કેટલાક લોકોને તો બોર્ડિંગ પાસ પણ મળ્યો નહોતો. આર્યન પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવ્યો નહોતો. તેના નામનો ઉપયોગ કરીને બીજા યુવાનોને લોભાવવામાં આવ્યા હતા.

દિલ્હીથી જે ત્રણ યુવતીઓ રેવ પાર્ટીમાં ભાગ લેવા માટે આવી હતી તે પણ દિલ્હીના નામાંકિત ઉદ્યોગપતિઓના ઘરની દીકરીઓ છે. ક્રૂઝ પર દરોડો પાડવામાં આવ્યો તે પછી ડ્રગ્સ સાથે પકડાયેલા નબીરાઓને મુંબઈ પાછા લાવવામાં આવ્યા હતા અને સ્ટીમરને ગોવા જવા દેવામાં આવી હતી. સ્ટીમરના માલિકો દ્વારા વિલંબ બદલ તમામ ઉતારુઓની ક્ષમા માગવામાં આવી હતી. ક્રૂઝમાં જેટલા લોકો હાજર હતા તે બધા રેવ પાર્ટી માટે આવ્યા નહોતા. ઘણા તો મુંબઈ-ગોવા વચ્ચે નિયમિત ક્રૂઝમાં જનારા પેસેન્જરો હતા.

વાચકોને યાદ હશે કે બોલિવૂડનો કલાકાર સંજય દત્ત તેના યુવાનીના દિવસોમાં નશાકારક પદાર્થોના રવાડે ચડી ગયો હતો, જેમાંથી મુક્તિ મેળવવા તેને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. બોલિવૂડની પાર્ટીઓમાં દારૂ ઉપરાંત ડ્રગ્સની પણ રેલમછેલ હોય છે તે જાણીતી બાબત છે. પોલિસે ભૂતકાળમાં જેમની ધરપકડ કરી હતી તેવા કેટલાક ડ્રગ પેડલરોએ પણ કબૂલ કર્યું હતું કે તેઓ બોલિવૂડના કલાકારોને પણ ડ્રગ્સ સપ્લાય કરે છે. કંગના રનૌતની ફેશન ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું કે જાણીતા મોડેલો અને કલાકારો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. એક જમાનાની મશહૂર મોડેલ ડ્રગ્સના રવાડે ચડીને ગાંડી થઈ ગઈ હતી અને મુંબઈની શેરીઓમાં રખડતી જોવા મળી હતી.

બોલિવૂડના માંધાતાઓને ખુલ્લા કરવા મેદાને પડેલી કંગના રનૌતે કહ્યું છે કે બોલિવૂડમાં ડ્રગ્સની કેવી બોલબાલા છે, તે બાબતમાં તેની પાસે ચિક્કાર માહિતી છે. તે નેર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોને તમામ માહિતી આપવા તૈયાર છે. કંગના રનૌતે ચોંકાવનારી માહિતી આપી હતી કે તે જ્યારે સગીર હતી ત્યારે બોલિવૂડમાં તેને આશરો આપનારે તેનાં પીણાંમાં નશાકારક પદાર્થ ભેળવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સિલસિલો લાંબા સમય સુધી ચાલતો રહ્યો હતો. તેની કેદમાંથી મુક્ત થઈને તે સફળ હિરોઈન બની તે પછી તેને બોલિવૂડની પાર્ટીઓનાં નિમંત્રણો આવવા લાગ્યાં હતાં.

હવે બહાર આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તેને ડ્રગ્સ આપતી હતી અને તે કેટલાક ડ્રગ્સ પેડલરના સંપર્કમાં પણ હતી. રિયા ચક્રવર્તી  પોતે પણ ડ્રગ્સ લેતી હતી કે કેમ? તે હજુ સ્પષ્ટ થયું નથી.  રિયા ચક્રવર્તીના ડિલિટ કરવામાં આવેલા વ્હોટ્સ એપ મેસેજો રિટ્રાઇવ કરવામાં આવ્યા તેમાં તેણે હોટેલ માલિક ગૌરવ આર્યા સાથે વાતચીત કરી હતી, જેમાં રિયા ચક્રવર્તી તેણે અજમાવેલી એલએસડી, એમડીએમએ વગેરે ડ્રગ્સ બાબતમાં માંડીને વાત કરે છે. ઇડી દ્વારા જ્યારે રિયા ચક્રવર્તીની મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલી રહી હતી ત્યારે તેના ડ્રગ્સ બાબતના સંદેશા ધ્યાન પર આવ્યા હતા. રિયા ચક્રવર્તીએ જે ગૌરવ આર્યા સાથે ડ્રગ્સ બાબતમાં વાતચીત કરી હતી તે ગોવામાં હોટેલની માલિકી ધરાવે છે. ગોવા નશાકારક પદાર્થોનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે. ગોવામાં આવતાં વિદેશી ટુરિસ્ટોને ડ્રગ્સ સપ્લાય કરવાનું મોટું નેટવર્ક ચાલે છે.

સુશાંત સિંહ રાજપૂતના ઘરમાં રહેતા ઘણા લોકો ડ્રગ્સનું સેવન કરતા હોવાનું બહાર આવ્યું છે. હમણા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેનો નોકર ગાંજો પીતો હોવાનું જોવા મળી રહ્યું છે. વર્ષો પહેલાં દેવાનંદે બોલિવૂડમાં ‘હરે રામા, હરે ક્રિશ્ના’ ફિલ્મ બનાવી હતી, જેમાં ઝિન્નત અમાન તેમ જ તેના સાથીદારો ગાંજાનું સેવન કરતાં નજરે પડ્યા હતા. સુશાંત સિંહના મિત્ર અંકિત આચાર્યનું કહેવું છે કે સુશાંત સિંહ ડ્રગ્સ જરૂર લેતો હતો, પણ તે તો ડોક્ટર દ્વારા લખી આપવામાં આવેલી દવાઓ હતી. આ દવામાં અને નશાની દવામાં ફરક હોય છે. જો ડોક્ટર દ્વારા લખી આપવામાં આવતી દર્દશામક દવાનો વધુ ડોઝ લેવામાં આવે તો તે પણ નશાનું કામ કરે છે. સુશાંત સિંહને ડોક્ટરે લખી આપેલી દવા આપવાનું કામ પણ રિયા જ કરતી હતી. સુશાંતની જાણ બહાર તે તેને નશાકારક દવાઓ પણ ખવડાવતી હોય તેવી પૂરેપૂરી સંભાવના છે.

મુંબઈના નેર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા રિયા ચક્રવર્તી સામે જે કેસ ફાઈલ કરવામાં આવ્યો છે તેમાં સુશાંતના રસોઈયા અને નોકર ઉપરાંત એક ડ્રગ્સ પેડલરનું નામ પણ આપવામાં આવ્યું છે. આ પેડલરની તપાસમાં ડ્રગ્સ લેતા બોલિવૂડના અનેક કલાકારોનાં નામો પણ બહાર આવવાની સંભાવના છે. આજની યુવાપેઢી બોલિવૂડના જે સિતારાને પોતાના આદર્શ માનીને તેમના જેવા બનવા માગે છે તેમની જિંદગી સેક્સ, ડ્રગ્સ, શરાબ અને ગુનાખોરીમાં બરબાદ થયેલી છે. યુવાનોને રૂપેરી પડદા પરની ગ્લેમર દેખાય છે, પણ અંદરની ગંદકી દેખાતી નથી. જો તેમને સુશાંત સિંહના કેસમાં બહાર આવેલી હકીકતોથી અવગત કરવામાં આવે તો તેમનો મોહ ઊતરી જશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts